- હયાત પુલની જગ્યાએ ફોરલેન બ્રિજનું કામ શરૂ થયાને 6 મહિના વિત્યા છતાં કોઇ નોંધપાત્ર કામગીરી નહીં: ઝડપથી કામગીરી આગળ વધારવા એજન્સીને તાકીદ કરતા પદાધિકારીઓ
શહેરના જામનગર રોડ પર કોર્પોરેશન દ્વારા હયાત સાંઢીયા પુલની જગ્યાએ 74 કરોડના ખર્ચે નવો ફોરલેન બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. લોકસભાની ચુંટણીની આચાર સંહિતા પૂર્વે આ બ્રિજનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. છતાં હજુ સુધી નોંધપાત્ર કામગીરી થઇ નથી. રેલવે વિભાગની આડોડાઇના કારણે છાશવારે કામગીરી અટકી પડે છે. સાંઢીયા પુલ બ્રિજની ગોકળગાયની ઝડપે ચાલતી કામગીરી સામે પદાધિકારીઓ ભારોભાર નારાજ થઇ ગયા છે. આજે સ્થળ વિઝિટ દરમિયાન અધિકારીઓ અને એજન્સીને કડક ઠપકો આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત માર્ચ મહિનામાં સાંઢીયા પુલના સ્થાને નવા ફોરલેન બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 24 માસમાં આ બ્રિજનું નિર્માણ કામ પુરી કરવાની ટેન્ડરમાં શરત રાખવામાં આવી છે. છતાં 6 મહિના વિતી ગયા બાદ પણ હજુ સુધી નોંધપાત્ર કામગીરી થઇ નથી. ખૂબ જ ધીમી ગતિએ બ્રિજનું નિર્માણકામ ચાલી રહ્યું છે. રેલવે વિભાગ દ્વારા બ્રિજનો સેન્ટ્રલ પોર્શન તોડવા માટે મંજૂરી આપવામાં આવતી ન હોવાના કારણે છેલ્લા ઘણા દિવસથી ફરી એક વખત કામગીરી ખોરંભે ચડી છે. બ્રિજના નિર્માણકામના કારણે વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી હોય આજે સ્થળ વિઝીટ દરમિયાન કોર્પોરેશનના પદાધિકારીઓએ બ્રિજનું નિર્માણ કરી રહેલી એજન્સી અને કોર્પોરેશનના પદાધિકારીઓને કડક તાકીદ કરી હતી કે કોઇપણ ભોગે કામગીરીની ઝડપ વધારવામાં આવે. જ્યાં રેલવેની મંજૂરીના વાંકે કામગીરી અટકતી હોય ત્યાં શાસકોનું કે સાંસદનું ધ્યાન દોરી મંજૂરીની પ્રક્રિયા ઝડપી કરવામાં આવે તેવી પણ સૂચના આપવામાં આવી છે.
કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જામનગર રોડ પરના હયાત સાંઢિયા પૂલના સ્થાને નવા ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આજે નિર્માણાધિન સાંઢિયા પૂલ સાઇટ ખાતે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન સ્ટેન્ડિંગ કમીટી જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ, સિટી એન્જીનીયર અતુલ રાવલ તથા નાયબ કાર્યપાલક ઇજનેર એચ.એમ. કોટક સહિતના અધિકારીઓની ટીમને સાથે રાખી, કામગીરીની સમીક્ષા અર્થે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. આ સ્થળ મુલાકાત દરમ્યાન પદાધિકારીઓ દ્વારા બ્રિજની કામગીરી વિશે વિગતો મેળવી હતી. બ્રિજની કુલ લંબાઇ 602.90 મીટર તથા કુલ પહોળાઇ 16.40 મીટર થશે. જેમા બન્ને તરફ 7.50 મીટર પહોળાઇના કેરેજ વે બનશે અને સેન્ટ્રલ મિડિયમની પહોળાઇ 0.50 મીટર રહેશે.પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર દ્વારા કામગીરીમાં ગતિ લાવવા તેમજ ઝડપભેર આ કામગીરી આગળ વધારવા આ કામની એજન્સીના પ્રતિનિધિઓને સુચના આપવામાં આવી.