નિયુક્તી બાદ પ્રથમ વખત મેયર નયનાબેન પેઢડિયા સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ પ્રથમ વખત ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને મળ્યા
રાજકોટ ન્યુઝ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા સહિતના નવ નિયુક્ત પાંચેય પદાધિકારીઓ આજે પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકાતે ગયા છે. બપોરે 3:00 કલાકે તેઓએ પ્રદેશ અધ્યક્ષની અને સાંજે મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. કોર્પોરેશનના અલગ-અલગ પ્રશ્ર્નો પણ ધ્યાન પર મૂક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત 12મી સપ્ટેમ્બરના રોજ રાજકોટના 22માં મેયર તરીકે નયનાબેન પેઢડિયા, ડેપ્યૂટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષના નેતા તરીકે લીલુબેન જાદવ અને પક્ષના દંડક તરીકે મનિષભાઇ રાડીયાની નિમણુંક કરવામાં આવી છે. નિયુક્તી બાદ સતત સરકાર અને સંગઠનના કાર્યક્રમોની વ્યસ્તતાના કારણે પદાધિકારીઓ મુખ્યમંત્રી કે પ્રદેશ ભાજપ અધ્યક્ષની શુભેચ્છા મુલાકાતે જઇ શક્યા ન હતા. દરમિયાન તાજેતરમાં સીએમ કાર્યાલય દ્વારા આજનો સમય આપવામાં આવ્યો હોય આજે સવારે મેયર નયનાબેન પેઢડીયા સહિત કોર્પોરેશનના પાંચેય મુખ્ય પદાધિકારી ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, શહેર ભાજપના પ્રદેશ સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની ઉપરાંત મહામંત્રી અશ્ર્વિનભાઇ મોલીયા, ડો.માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો ગાંધીનગર ગયા છે. જ્યાંથી તેઓની સાથે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પણ જોડાશે. જ્યારે રાજકોટ જે ધારાસભ્યો ગાંધીનગર ખાતે હાજર હશે તેઓ પણ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની શુભેચ્છા મુલાકાતમાં સાથે રહેશે.
નવનિયુક્ત પદાધિકારીઓ સૌપ્રથમ બપોરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને મળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા સાંજે 5 થી 6 કલાક દરમિયાન મળવાનો સમય આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારમાં છેલ્લા ઘણા સમયથી અટકેલા વિવિધ પ્રશ્ર્નો અંગે પદાધિકારીઓ સીએમનું ધ્યાન દોર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં સરકાર અને સંગઠન દ્વારા રાજકોટને લગતા કેટલાક નિર્ણયો લેવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.
સામાન્ય રીતે પદાધિકારીઓની નિમણૂક થયા બાદ તેઓ એકાદ સપ્તાહમાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની શુભેચ્છા મુલાકાત લેવા માટે જતા હોય છે.પરંતુ ગત સપ્ટેમ્બર માસમાં નિયુક્તિ થયા બાદ સતત કાર્યક્રમોની વણઝાર વણઝાર ચાલી હતી. ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ સરકારના વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ તમામ કાર્યક્રમનોની વ્યસ્તતાના કારણે પદાધિકારીઓને શુભેચ્છા મુલાકાત માટે સીએમ કાર્યાલય દ્વારા સમયની ફાળવણી કરવામાં આવી ન હતી ગઈકાલે ગાંધી જયંતી ના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ આજે પદ અધિકારીઓ સીએમ અને સીઆર ની શુભેચ્છા મુલાકાતે ગયા છે.