ટીપી સ્કીમ 34-35માં જમીનધારકોને 40% કપાત અને રકમ મંજૂર નથી
કોર્પોરેશન દ્વારા શહેરના મવડી વિસ્તારમાં અલગ-અલગ ત્રણ ટીપી સ્કિમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.34 અને ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.35ની હિયરીંગ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ટીપી સ્કિમ બનાવવાની કપાતમાં જતી જમીનધારકોને શું ફાયદો થશે, કેટલી જમીન કપાત આવશે સહિતના પ્રશ્ર્નો અંગે ટીપી શાખાના અધિકારીઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હોવાનો આક્ષેપ અરજદારોએ લગાવ્યો હતો. બીજી તરફ ટીપીઓ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો કોઇ જમીનધારકને વાંધો કે સૂચન હશે તો તે 30 દિવસમાં રજૂ કરી શકશે.
આજે સવારે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.34 અને 35 (મવડી)ની હિયરીંગ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જમીન માલિકોએ અમૂક પ્રશ્ર્નો ટીપીઓ અને અન્ય અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતાં. તેઓ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હોવાના આક્ષેપ જમીન ધારકોએ લગાવ્યો હતો. સાથોસાથ ટીપીઓ બેઠક અધુરી છોડીને ચાલ્યા ગયા હોવાની પણ ફરિયાદ કરી હતી. જ્યારે ટીપી સ્કિમ નં.35ના હિયરીંગનો સમય 11 વાગ્યાનો રાખવામાં આવ્યો હતો.
પરંતુ 12 વાગ્યા સુધી એકપણ અધિકારી ડોકાયો ન હતો. દરમિયાન ટીપીઓ એમ.ડી.સાગઠીયાએ આ અંગે ખૂલાસો કરતા જણાવ્યું હતું કે મારે ગાંધીનગર ખાતે એક બેઠકમાં હાજરી આપવા જવાનું હોવાના કારણે હું મિટીંગમાંથી વહેલો નીકળી ગયો હતો. જે મુદ્ાઓ ઉઠ્યા છે તેનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે. જે જમીનધારક નથી તેવા ત્રણ વકીલોએ અલગ-અલગ પ્રશ્ર્નો રજૂ કર્યા હતાં. ડ્રાફ્ટ ટીપીમાં જો કોઇ જમીનધારકને વાંધો કે સૂચન હશે તો તે એક માસમાં લેખિતમાં રજૂ કરી શકશે. જો તે યોગ્ય લાગશે તો તેનો નિકાલ કરવામાં આવશે.
રાજ્ય સરકાર સુધી રજૂઆત પહોંચાડવા તૈયાર:એડવોકેટ ભાવિકભાઈ આંબલીયા
એડવોકેટ ભાવિકભાઈ આંબલીયા એ જણાવ્યું કે,મવડી ટીપી સ્કીમ 34 અને 35ની મિટિંગમાં ટીપી શાખાના અધિકારીઓએ તેમની રજૂઆતને સાંભળી નથી તેમજ મિટિંગમાં ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વગર ગેરકાયદેસર કાર્યવાહી કરી છે.તેની સામે ટીપી સ્કીમ માં આવતા 150થી વધુ ખેડૂતો વિરોધ કર્યો છે.ખેડૂતોની રજુઆત સાંભળવામાં બાકાત કરવામાં આવી છે.તેમજ અધિકારીઓએ 40 ટકા કપાતનો સીધો જ મુસદ્દો તૈયાર કરી અને ખેડૂતોને આપ્યો છે.આ અન્યાય સામે હાલ તેઓ રાજ્ય સરકાર સુધી રજૂઆત કરવાના પગલા ભરશે.
ઓનર્સ મિટિંગમાં ટીપી શાખાના અધિકારીઓએ અમારા પ્રશ્ર્નો સાંભળ્યા જ નથી:એડવોકેટ રાઘવજીભાઈ ઘેલાણી
એડવોકેટ રાઘવજીભાઈ ઘેલાણીએ જણાવ્યું કે,મવડી 34ની ટીપી સ્કીમની રજૂઆતમાં અધિકારીઓએ સાંભળ્યા વગર જ અડધી મીટીંગ છોડીને જતા રહ્યા હતા. અધિકારીઓએ મિટિંગમાં અમારી સાથે સમજણથી કામ લીધું નથી અમારા પ્રશ્નોને સાંભળ્યા જ નથી.સીધો મુસદ્દો તૈયાર કરીને અમને આપી દીધો છે. કાયદામાં કોઈ જગ્યાએ 40 ટકા કપાતનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. કપાત સામે વળતર પણ યોગ્ય આપવામાં આવ્યું નથી. કાયદા મુજબ ટીપી કરવામાં આવે એવી અમારી માંગ છે.
અમારા પ્રશ્નો સાંભળવામાં આવે કપાત સામે યોગ્ય વળતર આપે: લક્ષ્મણભાઈ સાકરીયા
ખેડૂત લક્ષ્મણભાઈ સાકરીયાએ જણાવ્યું કે,મવડી ટીપી સ્કીમ 34 અને 35ના ખેડૂતોને મિટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા.નોટિસ મોકલી અમને બોલાવવામાં આવ્યા હતા.અમે લોકો બધા રજૂઆત માટે આવ્યા હતા.અધિકારીઓ અડધી મીટીંગ છોડી જતા રહ્યા છે.કપાત સામે કશું વળતર મળતું નથી ટીપી સ્કીમનો અમને વિરોધ નથી પરંતુ અમને કપાતનું વળતર યોગ્ય મળે.એ અમારી માંગ છે.અધિકારીઓ મનમાની ન કરે અને ખેડૂતોને સાંભળે ખેડૂતો યુનિયન બનાવી સંગઠિત થઈ સરકારમાં રજૂઆત કરશું.