મોદી સરકારના નેતૃત્વમાં નિર્ણયોથી વિશ્વમાં દેશ શક્તિશાળી ન્યુ ઇન્ડિયા તરીકે ઉભરી આવ્યો
વિશ્વમાં ભારત દેશનું આગવું સ્થાન ઉભું કરનાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનની બીજી ટર્મનું એક વર્ષ પૂર્ણ કરેલ છે જે બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. મોદી સરકારના નેતૃત્વમાં લેવાયેલા કેટલાક અદ્વિતીય અને અદભુત નિર્ણયોથી વિશ્વમાં ભારત દેશ શક્તિશાળી ન્યુ ઇન્ડિયા તરીકે ઉભરી આવ્યો છે, વિશેષમાં પદાધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, હાલની વર્તમાન સ્થિતિ જોઈએ તો વિશ્વભરમાં કોરોના મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે અને વિશ્વના લગભગ તમામ દેશો તેમાંથી બહાર આવવા ઝઝૂમી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીએ ભારતને આ મહામારીથી બચાવવા એક અડીખમ યોદ્ધા તરીકેની ભૂમિકા નિભાવી છે. માત્ર એટલું જ નહી ૧૩૦ કરોડથી વધુ દેશવાસીઓને પણ કોરોના યોદ્ધા તરીકે લડવા જાગૃત કર્યા. આ બે માસથી વધુ સમયના લોકડાઉનને કારણે તેમજ વૈશ્વિક સ્તરે ડામાડોળ બનેલા આંતરરાષ્ટ્રીય અર્થતંત્રને કારણે દેશની આર્થિક પરિસ્થિતિને જે નુકશાન થયુ છે તેમાંથી દેશને બહાર લાવવા મોદી સરકારએ રૂ.૨૦ લાખ કરોડનું જમ્બો આર્થિક પેકેજ આપ્યું છે. આ આપત્તિને અવસરમાં પલટાવી આત્મનિર્ભર ભારતનો મહામંત્ર આપેલ છે.
પ્રધાનમંત્રીએ વર્ષો જુના અનિર્ણિત પ્રશ્નો કલ્પનાતિત ઝડપે ઉકેલી ચુંટણી વચનો તો પરિપૂર્ણ કર્યા જ છે એટલું જ નહી પરંતુ દેશના આત્મવિશ્વાસમાં પણ અમાપ વધારો કર્યો છે અને જેના પરિણામે વિશ્વમાં ભારત દેશે એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તેમના આ સમયગાળામાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૩૫-એ રદ કરવામાં આવી અને જમ્મુ કાશ્મીર રાજ્યને બે નવા કેન્દ્રસાશિત પ્રદેશમાં વિભાજીત કર્યા. તેમજ ત્રિપલ તલાક અને રામ જન્મભૂમિ મુદ્દે સરકારે પોતાની કાનૂની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરતા સુપ્રીમ કોર્ટ પણ ઓછા સમયમાં તેના નિર્ણય આપેલ. આ ઉપરાંત અન્ય મહત્વના નિર્ણયોમાં આંતકવાદ વિરોધી યુ.એ.પી.એ. કાનુનમાં સુધારો, ડિજિટલ ઇન્ડિયા જેવા અનેક મહત્વના નિર્ણય કરવા આવેલ છે. વિશેષમાં, પ્રધાનમંત્રી તરીકેના ૬ વર્ષના શાસન દરમ્યાન ગરીબો, કિસાનોની આર્થિક પ્રગતિ થાય તે દિશામાં સતત પ્રયાસો કર્યા છે. સાથોસાથ સ્વચ્છ ભારત મિશન અને સ્માર્ટસિટી મિશન જેવા ઐતિહાસિક નિર્ણય કરી વિશ્વભરનું ભારત તરફ ધ્યાન આકર્ષિત કર્યું છે. આ ઉપરાંત અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરી મોદી સરકારે ભારત દેશને મહાસત્તા બનાવવા તરફ મક્કમ કુચ કરેલી છે. પદાધિકારીઓએ આવા નીડર અને શક્તિશાળી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.