સોમનાથ ખાતે યોજાઈ રહેલ 11 મી ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. ત્યારે આ બીજા દિવસે રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓએ સોમનાથ મંદિરના દરિયા કિનારે યોગ પ્રાણાયામ કરી ચિંતન શિબિરનો પ્રારંભ કર્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા સોમનાથ મંદિર સમીપે દરિયા કિનારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ જોડાયાં હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા.યોગ શિબિરમાં યોગ ઈન્સ્ટ્રક્ટર દ્વારા ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત કરાયેલ યોગ પ્રોટોકોલ મુજબ યોગ-પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. જે અનુસાર ઉપસ્થિત સૌ અધિકારીઓ સૂક્ષ્મ ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ, યોગ આસન તથા સૂર્ય નમસ્કાર કરી યોગ શિબિરમાં સહભાગી બન્યા હતા.
સોમનાથના દરિયા કિનારે યોગ પ્રાણાયામ કરી ચિંતન શિબિરના બીજા દિવસનો પ્રારંભ કરતા વરિષ્ઠ અધિકારીઓ એ એક અદ્ભુત અને આત્મનિર્ભર અનુભવ લીધો. યોગ પ્રાણાયામ એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. સોમનાથની પવિત્ર ધરતી પર યોગ કરવાથી આધ્યાત્મિક અને માનસિક શાંતિ મળે છે.
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રાજ્ય સરકારની મહત્વપૂર્ણ ચિંતન શિબિર યોજાઇ રહી છે. તેમજ ત્રણ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમ યોજાવાના છે. આ ઘૂઘવતા અરબી સમુદ્ર તટે ખાસ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યા છે અને ચિંતન શિબિરની ઉજવણી થઈ રહી છે.
21થી 23 નવેમ્બર દરમિયાન સોમનાથ ખાતે ચિંતન શિબિર ચાલવાનો છે. આજે બીજો દિવસ છે. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ તથા સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ સહિત 197 લોકો ઉપસ્થિત રહ્યા છે.
મુખ્યમંત્રી, સહિત મંત્રી મંડળ તેમજ સચિવો, રાજ્યના તમામ જિલ્લાના કલેકટર, DDO, SP. સહિતના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ સોમનાથમાં ત્રણ દિવસ સુધી રોકાવાના છે. સાથોસાથ સોમનાથમાં ચિંતન શિબિરને લઈ મોટો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે અને તમામ જગ્યા પર કડક નજર રાખવામાં આવી રહી છે અને ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
અહેવાલ : અતુલ કૉટૅચા