ગાંધીનગરથી ખાસ જમીન સંપાદન અધિકારી, સિટી પ્રાંત -2 અને તાલુકા મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ સમીક્ષા અને બેઠકોનો દૌર
હીરાસર એરપોર્ટની સાઇટ ઉપર આજે અધિકારીઓએ ધામા નાખ્યા હતા. સંપાદનની કામગીરી પૂર્ણ કરવા માટે ધમધમાટ ચલાવવામાં આવ્યો હતો. ગાંધીનગરથી ખાસ જમીન સંપાદન અધિકારી, સિટી પ્રાંત -2 અને તાલુકા મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ સમીક્ષા કરવામાં આવી હતી.
રાજકોટની ભાગોળે આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. જેમાં ડિસેમ્બરમાં આ એરપોર્ટનું લોકાર્પણ કરી દેવાની સૂચના મળતા અધિકારીઓ કામે લાગી ગયા છે. હાલ અહીં બોક્સ કલવર્ટ સહિતના રન- વેનું અને હંગામી ટર્મિનલનું કામ તો ચાલી રહ્યું છે પરંતુ હાઈ- વેથી એરપોર્ટ સુધી પહોંચવાનો રસ્તો બનાવવા જેની જરૂર છે એવું હીરાસરનું જમીન સંપાદન હજુ પાર પડયું નથી. આ કામ પૂર્ણ કરવા આજે ગાંધીનગરથી ખાસ જમીન સંપાદન અધિકારી પ્રજાપતિ સ્થળ વિઝીટએ આવ્યા હતા. તેઓની સાથે સિટી-2 પ્રાંત સંદીપકુમાર વર્મા અને તાલુકા મામલતદાર કરમટા પણ સ્થળ વિઝીટમાં જોડાયા હતા.
અગાઉ જમીન સંપાદનમાં ઝડપ લાવવા ક્ધસેન્ટ એવોર્ડ આપવાનો નિર્ણય લેવાયો હતો. તેમ છતાં જમીન સંપાદન પૂર્ણ થયું નથી. આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની જવાબદારી ધરાવતા જીઆઈડીસીએ જમીનની સ્વૈચ્છિક સોંપણીના બદલામાં હીરાસરના રહેવાસીઓ શું- શું ઈચ્છે છે, તેની લેખિત જાણકારી સાથેનો રિપોર્ટ સ્ટેટ સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટને ક્યારનો’ય સોંપી દીધો છે પણ વળતર કેટલું અને કઈ રીતે આપવું તેની ગડમથલ ચાલી રહી હોય તેમ સ્થાનિકે હજુ કોઈ અણસાર નથી અપાયા.
ગ્રામજનોને વળતર ચૂકવાઈ જાય અને તેમની જમીન એરપોર્ટ ઓથોરિટીને સોંપાઈ જાય ત્યારબાદ બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી થશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હીરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટર નેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. રૂા.1400 કરોડના અંદાજિત ખર્ચવાળો આ પ્રોજેકટ રાજકોટ-સૌરાષ્ટ્રના પેસેન્જરોને મુંબઈ-દિલ્હી-ચેન્નઈ કે અમદાવાદ પણ ગયા સિવાય સીધા રાજકોટથી જ કનેકટીંગ ઈન્ટર નેશનલ ફલાઈટસ પુરી પાડશે.
આ પ્રોજેકટમાં પ્રથમ ફેઝનું કામ અંદાજે 670 કરોડનુ છે, જે ડિસેમ્બર ર0રર સુધીમાં પુર્ણ કરવાનો હાલ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે, અહીં ’ઈ’ કેટેગરીના મોટાં એરક્રાફટને અનુરૂપ રન-વે પ્રત્યેક કલાકમાં 1ર એરક્રાફટ લેન્ડ કરાવી શકનારો હશે, એરપોર્ટમાં એક સાથે 14 વિમાન ઉભાં રાખી શકાય એવો વિશાળ એપ્રન એરિયા રાખવામાં આવશે. દર કલાકે 1800 મુસાફરોનું હેન્ડલિંગ કરી શકે એવું ગંજાવર ટર્મિનલ બિલ્ડિંગ બનાવાશે.