બજેટમાં મુકવામાં આવેલા વિવિધ પ્રોજેકટસની પણ સમીક્ષા કરાશે.
કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં મુકવામાં આવેલા વિવિધ પ્રોજેકટની સમીક્ષા કરવા માટે તથા કાર્પેટ એરિયાની અમલવારી બાદ ટેકસની આવકમાં પડેલા ગાબડાની સમીક્ષા માટે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મેયર બીનાબેન આચાર્ય તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા કાલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, ત્રણેય ડીએમસી અને તમામ સિટી ઈજનેરો સાથે કાલે સવારે ૧૧:૦૦ કલાકે તાકીદની બેઠક બોલાવવામાં આવી છે જેમાં ચાલુ સાલના બજેટમાં મુકવામાં આવેલા પ્રોજેકટની કામગીરી કયાં સુધી પહોંચી, હાલ ચાલુ પ્રોજેકટો કયાં સુધીમાં પૂર્ણ થશે અને નવા પ્રોજેકટો કયારથી શરૂ થશે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
નાણાકીય વર્ષથી મહાપાલિકા દ્વારા મિલકત વેરામાં કાર્પેટ એરિયાની અમલવારી શરૂ કરવામાં આવી છે. આ નવા કરમાળખાથી આવકમાં તોતીંગ ગાબડુ પડયું છે જેની પણ આવતીકાલે રીવ્યુ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. નાણાકીય વર્ષ અડધુ પૂર્ણ થઈ જવા છતાં બજેટમાં મુકવામાં આવેલા કેટલાક પ્રોજેકટો હજી ફાઈલમાંથી બહાર નિકળી શકયતા નથી ત્યારે પદાધિકારીઓએ આવતીકાલે અધિકારીઓ સાથે બોલાવેલી રીવ્યુ બેઠકમાં અનેક વિષયો પર વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના જણાઈ રહી છે.