‘દલાલ’ પુરવઠાના ઘઉંની મોટાપાયે ખરીદી કરી યાર્ડમાં વેચાણ કરતો હોવાના આક્ષેપો
વિસાવદરની મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી એક ‘દલાલ’નું સામ્રાજ્ય ચાલી રહ્યું છે અને જિલ્લાના પુરવઠા અધિકારીની મીઠી નજર નીચે તેમના પણ ‘દલાલ’ તરીકે પુરવઠા વિભાગમાંથી સસ્તા અનાજના વેપારી દીઠ ચોક્કસ હપ્તો દર માસે ઉઘરાવી જિલ્લામાં તથા તાલુકાના અધિકારીઓ વચ્ચે ભાગ બટાઇ કરવામાં આવે છે. જિલ્લાના પુરવઠા વિભાગમાં નોકરી કરતા અન્ય લોકોને પણ નિયમિત રીતે દર માસે દલાલ દ્વારા હપ્તાની રકમ મોકલાતી હોવાની સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે.
વિસાવદર મામલતદાર કચેરીમાં “પુરવઠા વિભાગ” આ દલાલની મનમાની ચાલે છે. આ દલાલ પુરવઠા વિભાગના ઘઉ ખરીદી માટે પાયે માર્કેટીંગ યાર્ડમાં વેચાણ કરે છે. જિલ્લાનું વહીવટ તંત્ર, પોલીસ તંત્ર અને કલેક્ટર કચેરી સુધી આ દલાલની પ્રસાદી પહોંચતી હોય દલાલનું નામ ક્યાંય આવતું નથી અને ઘઉનો જથ્થો પકડાઇ તો અન્યનો છે. તેવું કહી અન્ય વ્યક્તિઓ ઉપર કેસો કરાવવામાં પારવધા આ દલાલની પાપલીલાનો પર્દાફાશ ટૂંક સમયમાં થશે.
આ દલાલ દ્વારા તાલુકાની કેટલી સસ્તા અનાજની દુકાનો કોના કોના નામે ચલાવાઇ છે. તેની તપાસ ક્યારેય કરવામાં આવતી નથી. અન્ય વ્યક્તિની દુકાનો ચેક કરી દંડ તથા લાયસન્સ રદની કાર્યવાહી થાય છે. પરંતુ દલાલ કમાઉ દિકરો હોય તેનો વાળ વાંકો થતો નથી તેવું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.
આ દલાલને સ્થાનિક મામલતદાર કચેરી દ્વારા સ્થાનિક અધિકારીની સુચનાથી “બાપનું નામ બદલી ખાતેદાર ખેડુત બનાવાયો” બાબતે જિલ્લા કલેક્ટર તથા ગાંધીનગર વિજીલન્સ સુધી ફરીયાદો થયેલ ત્યાર બાદ કલેક્ટરે આ બની બેઠેલ “દલાલ” ખાતેદાર ખેડૂત તરીકે રદ કરવા હુકમ કરેલ. પરંતુ સ્થાનિક કચેરીના ચોપડે આજે પણ દલાલ ખાતેદાર ખેડુત છે કે કેમ? અને ખાતેદાર ખેડુત બન્યા બાદ અન્ય કોઇ જગ્યાએ મિલ્કતો જમીન ખરીદ કરેલ છે કે કેમ? તેની તપાસ થવી જરૂરી છે.
પુરવઠાના ઘઉ દલાલને આપવા વેપારીને દબાણ
વિસાવદર તાલુકાની મામલતદાર કચેરીના પુરવઠા વિભાગના સ્થાનિક અધિકારી દ્વારા તમામ સસ્તા અનાજના વેપારીઓને દબાણ કરી પુરવઠા વિભાગના ઘઉ આ દલાલને આપવા દબાણ કરાઇ છે. જો કોઇ વેપારી દ્વારા આમ ન કરાય તો તેમની સામે ચેકીંગના બહાને પગલાં ભરી લાયસન્સ રદ્ કરાઇ છે. આ દલાલના ત્રાસથી કેટલાય વેપારીઓએ દુકાન ચલાવવાનું બંક કરી રાજીનામા આપી દીધેલ છે. અત્યાર સુધીમાં દલાલ દ્વારા ચલાવાતી કેટલી દુકાનો જીલ્લા પુરવઠા અધિકારી કે કલેક્ટર દ્વારા ચેકીંગ કરવામાં આવેલી કે નાયબ કલેક્ટર દ્વારા પુરવઠાની કોઇ દુકાન કેમ ચેક કરવામાં આવતી નથી તે પણ ચર્ચાનો વિષય છે.