રાજકોટના લાઇટ હાઉસ પ્રોજેક્ટ અને મુંજકાની આવાસ યોજનાની સરાહના: મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આજી રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવ મંદિર કોરિડોરની ગ્રાન્ટ સંદર્ભે મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આજે રાજ્યની તમામ આઠેય મહાનગરપાલિકાઓ અને એ-વર્ગની 22 નગરપાલિકાઓના મેયર, મ્યુનિસિપલ કમિશનર, પ્રમુખ અને ચીફ ઓફિસરો સાથે પરિસંવાદ યોજ્યો હતો. જેમાં તેઓએ તમામને એવી ટકોર કરી હતી કે શહેરના વિકાસ માટે પદાધિકારીઓ અને અધિકારીઓ ખભ્ભે-ખભ્ભો મિલાવી કામ કરે. રાજકોટના લાઇટ હાઉસ પ્રોજેક્ટ અને મુંજકાની આવાસ યોજનાની મુખ્યમંત્રી દ્વારા સરાહના કરવામાં આવી હતી.
આજે ગાંધીનગર ખાતે યોજાયેલા પરિસંવાદમાં રાજકોટમાંથી મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યૂટી મેયર-ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા સામેલ થયાં હતાં. રાજકોટમાં સ્માર્ટ સિટી એવા રૈયા વિસ્તારમાં નવી ટેકનોલોજીના સહારે લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત 1144 આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેની મુખ્યમંત્રી દ્વારા સરાહના કરવામાં આવી હતી. સાથોસાથ મુંજકા આવાસ યોજનાના પણ વખાણ કરવામાં આવ્યા હતાં.
મુખ્યમંત્રીએ તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને જણાવ્યું હતું કે શહેરોમાં ઝુંપડપટ્ટીનું દૂષણ ઘટાડવા માટે હજુ કેટલા આવાસ બનાવવાની જરૂરિયાત છે. સ્વચ્છતામાં ક્યા શહેરની કેવી સ્થિતિ છે તે અંગે જાણકારી મેળવી હતી અને શું કરવું જોઇએ તે અંગે પણ સૂચનો મેળવ્યા હતાં. શહેરી વિકાસ માટે શું કરવાની આવશ્યકતા છે તેની પણ માહિતી એકત્રિત કરી હતી. ચૂંટાયેલી પાંખ અને વહિવટી પાંખનું યોગ્ય સંકલન હશે તો આપોઆપ વિકાસ વેગ પકડશે. શહેરના વિકાસ માટે ચૂંટાયેલા લોકો અને અધિકારીઓએ સાથે મળી સરસ કામ કરવું જોઇએ તેવી ટકોર કરી હતી.
મુખ્યમંત્રી તરીકે બીજીવાર સત્તારૂઢ થયા બાદ રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓ કે અધિકારીઓ ભૂપેન્દ્રભાઇને મળ્યાં ન હતાં. દરમિયાન આજે પ્રથમ મુલાકાત દરમિયાન મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ ભૂપેન્દ્રભાઇ પટેલ પાસે સમય માંગ્યો છે. જો સીએમ સમય ફાળવશે તો રાજકોટના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા આજી રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવ મંદિર કોરિડોર પ્રોજેક્ટની ગ્રાન્ટ સંદર્ભે રજૂઆત કરશે. કારણ કે આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પૂર્વે રૂ.178 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પરંતુ આ ગ્રાન્ટ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવી હોવાના કારણે શહેરના અન્ય પ્રોજેક્ટ પર તેની વિપરિત અસર પડે તેમ હોય ગ્રાન્ટનો હેડ ફેરવીને આગવી ઓળખના કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.