વેપાર-ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્ર્નો અંગે મહત્વપૂર્ણ ચર્ચા: મંત્રીએ આપ્યો સકારાત્મક પ્રતિભાવ

વેપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી 68 વર્ષ જુની વરિષ્ઠ મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ તથા ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની દિલ્હી ખાતે રૂબરૂ શુભેચ્છા મુલાકાત લઈ વેપાર-ઉદ્યોગના વિવિધ પ્રશ્ર્નોની રજુઆત કરેલ હતી. જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાંથી પ્રોફેશન ટેક્ષ સંપૂર્ણ પણે નાબુદ કરવો. જીએસટી અંતર્ગત વિવિધ ઔદ્યોગીક ઉત્પાદન એકમો પર જીએસટી દરમાં કરાયેલ વધારાને દુર કરવો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની રચના કરવી અને તેમાં ગુજરાતની લીડીંગ ચેમ્બરોને પ્રતિનિધિત્વ આપી દર દોઢ માસે મિટીંગ બોલાવવી જેથી ગુજરાત રાજ્યના વેપાર-ઉદ્યોગકારોના નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવી વેપાર-ઉદ્યોગને વેગવંતુ બનાવી શકાય.

સમગ્ર ગુજરાતે જીએસટી કાયદાને આવકારેલ છે. પણ કાયદાના અમલીકરણમાં ઘણી નાના-મોટી વિસંગતતાઓ રહેલી છે. જેનો ભોગ નાના વેપાર-ઉદ્યોગકારો બને છે. સાથો સાથ જીએસટી કાઉન્સીલની મિટીંગ દર ત્રણ મહિને મિટીંગ મળતી હોય જેમાં દરેક રાજ્યના નાણામંત્રી સભ્ય તરીકે હાજર થતા હોય આ કમિટિ જીએસટી કાઉન્સીલની મિટીંગ પહેલા આશરે 15 દિવસમાં બોલાવવામાં આવે તેમજ સમગ્ર ગુજરાતની લીડીંગ ચેમ્બર ઓફ કોમર્સને પ્રતિનિધિત્વ આપવામાં આવે તો આ સંકલનની મિટીંગમાં ગુજરાત રાજ્યના નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. માત્ર નિતીવિષયક નિર્ણયો માટે જ નાણામંત્રી કેન્દ્રની જીએસટી કાઉન્સીલમાં રજુઆત કરે જેથી જીએસટીના તમામ પ્રશ્નોનું સુખદ સમાધાન આવી શકે.

તો તાત્કાલીક અસરથી જીએસટી સંકલન સમિતિની રચના કરવી, સાથો સાથ સરકારની વિવિધ કચેરીઓને વિશાળ જગ્યામાં એક જ પ્રિમાઈસીસમાં બનાવવી તેમજ રાજકોટને એમ.એસ.એમ.ઇ.ભવન ફાળવવું જોઇએ. આમ ગુજરાત રાજ્યના વેપાર-ઉદ્યોગના નાના-મોટા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત છણાવાટ કરવી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સમક્ષ રાજકોટ ચેમ્બર દ્વારા રજુઆત કરવામાં આવેલ છે. આ વિવિધ રજુઆતોનું યોગ્ય નિરાકરણ લાવવા ગૃહમંત્રીએ ખાત્રી આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.