કોર્પોરેશનની વર્તમાન બોડીની અઢી વર્ષની ટર્મ 12 સપ્ટેમ્બરે પૂર્ણ: મેયર પદ મહિલા નગરસેવિકા માટે અનામત, સ્ટેન્ડિંગ ચેરમેન પદે મજબૂત નગરસેવક મૂકાશે
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદિપભાઇ ડવ, ડેપ્યૂટી મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળાની અઢી વર્ષની ટર્મ આગામી 12 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. વર્તમાન પદાધિકારીઓ હવે માત્ર અઢી મહિનાના મહેમાન છે. હવે પછીની અઢી વર્ષની ટર્મ માટે નવા પદાધિકારીઓની નિમણૂંક જન્માષ્ટમીના તહેવાર પહેલા કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. નવી નિમણુંક લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
વર્ષ-2021માં યોજાયેલી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો રેકોર્ડબ્રેક વિજય થયો હતો. શહેરના 18 પૈકી 17 વોર્ડની તમામ 68 બેઠકો પર ભાજપના ઉમેદવારો તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા હતા. એકમાત્ર વોર્ડ નં.15માં કોંગ્રેસને હાજરી પૂરાવવા જેટલી ચાર બેઠકો મળી હતી. આ ચાર પૈકી બે કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા વિના જ પક્ષ પલ્ટો કરી લેતા તેઓને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
હાલ કોંગ્રેસ પાસે માત્ર બે નગરસેવકોનું સભ્ય સંખ્યાબળ છે. કોર્પોરેશનમાં વર્તમાન બોડી 12 માર્ચ, 2021માં અસ્તિત્વમાં આવી હતી. મેયરપદ ઓબીસી કેટેગરી માટે અનામત હોય સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા મેયરપદે ડો.પ્રદિપ ડવની વરણી કરવામાં આવી હતી. જ્યારે ડેપ્યૂટી મેયર તરીકે ડો.દર્શિતાબેન શાહની વરણી કરાઇ હતી. જો કે, તેઓ વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય બનતા તેઓએ ડે.મેયર પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓના સ્થાને કંચનબેન સિધ્ધપુરાની ડે.મેયર તરીકે વરણી કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સૌથી સિનિયર નગરસેવક એવા પુષ્કરભાઇ પટેલની નિયુક્તી કરાઇ હતી. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઇ ઘવા અને પક્ષના દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાની નિમણુંક કરાઇ હતી.
આ પાંચેય મુખ્ય પદાધિકારીઓની મુદ્ત આગામી 12 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. વર્તમાન પદાધિકારીઓ હવે માત્ર 75 દિવસ એટલે કે અઢી મહિનાના મહેમાન છે. હવે પછી મેયર પદની અઢી વર્ષની ટર્મ મહિલા માટે અનામત છે. રાજકોટના નવા મેયર પદે મહિલા નગરસેવિકા આવશે તે નિશ્ર્ચિત છે. વર્તમાન ડે.મેયર કંચનબેન સિધ્ધપુરાની અધ્ધવચ્ચે વરણી કરવામાં આવી હોય તેઓને રિપીટ કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. જો કે, મેયર પદ મહિલા અનામત હોય ડે.મેયર પદે મહિલા કોર્પોરેટરને ન રાખે તેવી પણ શક્યતા હાલ જણાઇ રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે મજબૂત નગરસેવકની નિયુક્તી કરવામાં આવશે તે નિશ્ર્ચિત મનાઇ રહ્યું છે.
મુખ્ય પાંચ પદાધિકારીઓની મુદ્ત પૂર્ણ થયા બાદ થોડા સમયમાં 15 ખાસ સમિતિના ચેરમેન અને સભ્યોની મુદ્ત પણ પૂર્ણ થઇ હોય જેમની નિયુક્તી ઓક્ટોબરમાં કરવામાં આવે તેવું મનાઇ રહ્યું છે. શહેર ભાજપ પ્રમુખપદ સવર્ણ સમાજમાંથી આવતા મુકેશ દોશીને આપવામાં આવ્યું હોય મેયર પદ ભાજપ પાટીદાર સમાજને આપે તેવું હાલ લાગી રહ્યું છે. નવી નિમણુંક લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરવામાં આવશે. તેવું હાલ ભાજપના કાર્યકરોમાં ચર્ચાઇ રહ્યું છે.