મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા અને વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી પણ કોર્પોરેશન કચેરીએ ન દેખાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા હોવા છતાં કોર્પોરેશનના પદાધિકારીઓને ચૂંટણીનો થાક ઉતરતા ન હોય તેવું લાગી રહ્યું છે. આજે પરિણામના બીજા દિવસે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિત માત્ર ચાર કોર્પોરેટરો જ કચેરીએ દેખાયા હતાં. બાકી તમામે ઘેર રહી આરામ ફરમાવવાનું મુનાસિબ સમજ્યું હતું. કાલથી બે દિવસ હજુ રજા હોય સોમવારથી કચેરીમાં વ્યવસ્થિત ધમધમાટ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે. ગત ત્રીજી નવેમ્બરના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જ્યારથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખનું એલાન કરવામાં આવ્યું ત્યારથી જ કોર્પોરેશન કચેરીએ મેયર સહિતના પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ આવવાનું બંધ કરી દીધું છે. જેના કારણે અરજદારોએ ખાસ્સી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આધાર કાર્ડમાં સુધારા-વધારા કરવા માટેના ફોર્મ અને આવકના દાખલા મેળવવા માટે કોર્પોરેટરોની સહિ જરૂરી છે. છેલ્લાં એક મહિનાથી ધક્કા ખાતાં અરજદારોને આજે પણ નિરાશા મળી હતી. મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર અને હવે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા અને વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી આજે પરિણામના બીજા દિવસે પણ કોર્પોરેશન કચેરીએ ડોકાયાં ન હતાં. ચૂંટણી પ્રચાર અને મતદાન સુધી નગરસેવકો કામકાજમાં વ્યસ્ત રહે તે સમજી શકાય પરંતુ હવે તો પરિણામમાં પણ જાહેર થઇ ગયું છે. ત્યારે જનપ્રતિનિધિઓએ પોતાની જવાબદારી સમજીને કોર્પોરેશન કચેરીએ ખરેખર આવવું જોઇએ. આજે માત્ર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિતના ચાર કોર્પોરેટરો કોર્પોરેશન કચેરીએ આવ્યા હતા. જેના કારણે અરજદારોને થોડી રાહત મળી હતી. જો કે આ ચારેય મહાનુભાવો પણ 12 વાગ્યા પછી કચેરીએ આવ્યા હતા. જેના કારણે જે લોકો ઉઘડતી ઓફિસે વિવિધ કામો માટે કોર્પોરેશન કચેરીએ આવ્યા હતા અને તેઓએ અલગ-અલગ ફોર્મમાં કોર્પોરેટરોની સહિ કરાવવાની હતી તેઓને આજે પણ નિરાશા મળી હતી.

સ્ટે.ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિત ચાર કોર્પોરેટરોની હાજરી

વિધાનસભાની ચૂંટણીના પરિણામના બીજા દિવસે આજે કોર્પોરેશન કચેરીમાં મુખ્ય છ પદાધિકારીઓ પૈકી એકમાત્ર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ ગણતરીની કલાકો માટે આવ્યા હતાં. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનિષભાઇ રાડીયા, ચેતનભાઇ સુરેજા અને બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઇ પટેલે કોર્પોરેશન કચેરીએ આવવાની તસ્દી લીધી હતી. બાકીના તમામ કોર્પોરેટરોઓએ આજે પણ ચૂંટણી પ્રચાર અને પરિણામના દિવસે કરેલી ભાગદોડનો થાક ઉતાર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.