• બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરતા વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા અભદ્ર ટિપ્પણી કરાઈ હતી

જેલ સિપાહીની જ્ઞાતિ વિશે ઘસાતું બોલવા બદલ ચાર શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ પ્ર.નગર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. જેલ સિપાહીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર અલગ અલગ ચાર જેટલી કમેન્ટ મારફત ચાર જેટલાં અલગ અલગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરવાના મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સિપાહી તરીકે નોકરી કરતા અજયસિંહ જેસીંગભાઈ રાઠોડ઼ે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ રાજકોટ મધ્યસ્થ જેલમાં છેલ્લા ચારેક વર્ષથી જેલ સિપાઈ તરીકે નોકરી કરે છે અને સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઇન્ટ્રાગ્રામ આઇ.ડી.નો છેલ્લા આશરે વીસેક મહીનાથી ઉપયોગ કરે છે. ગત તા. ૨૬/૦૧/૨૦૨૪ના રોજ પ્રજાસતાક દિવસ નિમીતે ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને ફુલ હાર ચડાવતો વિડીયો રિલ્સ મારા ઉપરોક્ત ઇન્ટ્રાગ્રામ આઈ.ડી.પર બપોરના સમયે પોસ્ટ કરેલ હતી. થોડીવાર પછી આ પોસ્ટ પર રાજદીપસિંહ.999 નામની ઇન્ટ્રાગ્રામ આઈ.ડી.માંથી જ્ઞાતિ વિશે ઘસાતું આવે તેવી કમેન્ટ કરવામાં આવી હતી. જે બાદ અન્ય ત્રણ જેટલાં એકાઉન્ટમાંથી પણ આ પ્રકારે કમેન્ટ અને મેસેજ કરવામાં આવ્યો હતો.

સમગ્ર મામલે જેલ સિપાહી દ્વારા ઈન્ટ્રાગ્રામ આઇ.ડી. રાજદીપસિંહ.999, ડૉ. ગુજ્જુ, છત્રપાલસિંહ જાડેજા, રાજપુત5438 નામના ચાર જેટલાં ઇન્સ્ટાગ્રામ યુઝર્સ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. તપાસમાં ઇન્સ્ટાગ્રામ યુઝર છત્રપાલસિંહ જાડેજા પડધરી તાલુકાના ખાખડાબેલા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.