ટુંક સમયમાં કોર્પોરેશન જાહેર કરશે મેરિટ
રાજકોટ મહાનગરપાલિકાની અલગ-અલગ શાખાઓમાં ખાલી પડેલી જુનિયર કલાર્કની ૫૯ જગ્યાઓ ભરવા માટે તાજેતરમાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ૩૧,૪૫૯ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ૫૯ જગ્યાઓ ભરવા માટે જગ્યાથી ૬ ગણા વધુ એટલે કે ૩૫૪ ઉમેદવારોની કોમ્પ્યુટરની પરીક્ષા લેવામાં આવશે. ટુંક સમયમાં કોર્પોરેશન દ્વારા મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે.
મહાપાલિકામાં ૫૯ જુનિયર કલાર્કની જગ્યા ભરવા માટે મહેકમ શાખા દ્વારા ૪૭,૫૪૭ ઉમેદવારોને પરીક્ષા માટે કોલ લેટર મોકલવામાં આવ્યા હતા. જે પૈકી ૩૧,૪૫૯ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. એલીમીનેશન ટેસ્ટ હોય ગઈકાલે તેનું પરીણામ મહાપાલિકાની વેબસાઈટ પર મુકીદેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૯૦ માર્કસ અને સૌથી ઓછા ૨ માર્કસ છે. સરકારી નિયમ મુજબ કોઈપણ જગ્યા માટે કર્મચારીની ભરતી માટે જગ્યા કરતા વધુ ઉમેદવાર હોય તો આવા કેસમાં એક જગ્યા માટે ૬ ઉમેદવારોને બોલાવવામાં આવે છે.
જુનિયર કલાર્કની ૫૯ જગ્યાઓ માટે જનરલ કેટેગરીની ૩૨ જગ્યા, શારીરિક અને શૈક્ષણિક રીતે પછાતની ૨૨ જગ્યા અને એસ.ટી. કેટેગરીની ૫ જગ્યા અનામત છે. ૫૯ જગ્યાઓ માટે ૩૫૪ ઉમેદવારોની ઈંગ્લીશ તથા ગુજરાતીની કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે. જેમાં ૧ મિનિટમાં ૧૭ વર્લ્ડ ટાઈપ કરી શકનાર ઉમેદવાર ભરતી માટે લાયક ગણાશે. જે ઉમેદવારની ઉંમર મોટી હશે તેને પ્રથમ પ્રાયોરીટી આપવામાં આવશે. જુનિયર કલાર્કની ત્રણ વર્ષ સુધી ફિકસ રૂ.૧૯,૫૦૦ પગાર આપવામાં આવશે. ત્યારબાદ તેને સરકારી નિયમ મુજબ પગાર ચુકવવામાં આવશે. મેરીટ અને કટ અોફ હવે પછી નકકી કરવામાં આવશે અને તેની જાહેરાત કરાશે.
દરમિયાન તાજેતરમાં મહેકમ શાખા દ્વારા રોશની વિભાગમાં ખાલી પડેલી ૧૨ લાઈનમેનની જગ્યા ભરવા માટે વોકિંગ ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. ૧૧ માસના કરાર આધારિત આ જગ્યા માટે ૪૫ ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાંથી ૨૪ ઉમેદવાર લાયક અને ૨૧ ઉમેદવાર બિનલાયક ઠર્યા હતા.