સિવિલમાં ‘ભુતીયા ગાર્ડ’નું ભૂત ધૂણ્યું
તુંમાખી અને તુંડમિજાજી સિક્યુરિટી ગાર્ડને દર્દી અને દર્દીઓના સગા સાથેના રોજિંદા ઝઘડા
વ્યવસ્થા સંભાળવાના બદલે દુવિધા ઊભી કરવામાં વ્યસ્ત રહેતા સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ
ધૂમ્રપાનની મનાઈ છતાં સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડને કોઈ નીતિ નિયમ લાગુ ન પડતાં હોય તેમ બીડી સિગારેટ ફૂંકી જાહેરનામાનો સરાજાહેર કરતો ભંગ
સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી એજન્સી એટલે ’દલા તલવાડી ની વાડી, રીંગણાં લવ બે – ચાર, પોતે જ પ્રત્યુતર આપી લ્યો દસ બાર’ જેવી સ્થિતિ છે. ચોપડે કઈ જુદો ફિગર અને વાસ્તવમાં ઓછી સંખ્યાથી કામ ચલાવી ચાલતા કૌભાંડના દલા તલવાડી ની વાડી સ્ટોરી સાથે સરખાવી શકાય તેવું છે. આ અંગે ઊંડી તપાસ થાય તો સિક્યુરિટી ની નામે ચાલતી લાલિયા વાડીની પોલ ખૂલે તેમ છે. પરંતુ સિંહને કોણ કહે તારું મોઢું ગંધાય છે. અથવા તો તેરી ભી ચૂપ મેરી ભી ચૂપીની જેમ સિવિલ હોસ્પિટલમાં ચલાવવામાં આવી રહ્યાનું સામે આવ્યું છે.
સિવિલમાં તું માખી અને તુડ મિજાજી સિક્યુરિટી ગાર્ડને દર્દી અને દર્દીઓના સગા સાથેના રોજિંદા ઝઘડા થતા નજરે પડે છે.વ્યવસ્થા સંભાળવાના બદલે દુવિધા ઊભી કરવામાં વ્યસ્ત રહેતા સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ પાર્કિગમાં જ જોવા મળતા હોય છે.ધૂમ્રપાનની મનાઈ છતાં સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડને કોઈ નીતિ નિયમ લાગુ ન પડતાં હોય તેમ બીડી સિગારેટ ફૂકી જાહેરનામાનો સરાજાહેર કરતો ભંગ કરતા અનેક વખત જોવા મળી રહ્યા છે.
રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ માત્ર જિલ્લા પૂરતી નહિ પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં રોજ 2500થી 3000 જેટલી ઓપીડી થતી હોય છે. જેનું ધ્યાન રાખવા માટે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 24 કલાકમાં માટે માત્ર 119 સિક્યુરિટી ગાર્ડ અને 3 સુપરવાઈઝર કાગળો પર ફરજ બજાવે છે. જેમાં સિક્યુરિટી ગાર્ડને કરવામાં આવતા કામ સિવાયના તમામ કામ કરતા તેઓ નજરે પડે છે.
ત્યારે સિવિલ હોસ્પિટલમાં એજન્સી દ્વારા ચાલતી સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજમાં અને વ્યવસ્થા ગોઠવવામાં ફેલ થતાં નજરે પડી રહે છે. સિક્યુરિટી ગાર્ડને વધતી જતી ભીડ અને તેની વ્યવસ્થા ગોઠવવા માટે પોઇન્ટ આપવામાં આવ્યા હોય છે. પરંતુ હાલ સિવિલ હોસ્પિટલમાં નજર કરતા જ વધુ પડતાં સિક્યુરિટી ગાર્ડ માત્ર પાર્કિંગ કરાવવામાં જ વ્યસ્ત રહેતા હોય છે.
એક તરફ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. જેના માટે મેઇન ગેઈટ પર અનેક વખત ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા છે. જેમાં ઘણીવખત એમ્બ્લુલન્સ પણ ફસાતી હોય છે. ત્યારે દ્વારની રખેવાળી કરવા કે ટ્રાફિક પર નિયંત્રણ રાખવા માટે કોઈ સિક્યુરિટી ગાર્ડ ત્યાં હાજર રહેતો જ નથી. જેના કારણે રીક્ષા ભાડા કરતા બિનજરૂરી વાહનો પણ ત્યાંથી અવરજવર કરતા નજરે પડે છે.
કાગળ પર નક્કી થયેલા નિયમ મુજબ સિવિલ હોસ્પિટલના દરેક વિભાગમાં એક સિક્યુરિટી ગાર્ડ રાખવો પડતો હોય છે. પરંતુ હવે સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં જોતા સિક્યુરિટી ગાર્ડ આટા ટલા મારતા નજરે ચડે છે. પરંતુ કોઈ વિભાગમાં થતી માથાકૂટમાં વચ્ચે પડવાનું ટાડતા પણ ઘણી વખત નજરે ચડ્યા છે. તેવામાં ત્યાં ફરજ પર હાજર તબીબો અને પટાવાળાઓ માટે સુરક્ષાને બદલે ભારે પરખમ ભીડ એક યુદ્ધનું મેદાન થઈ જાય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે.
50-50 લોકોની લાઇન લાગતાં ઓર્થો વિભાગ પર ધ્યાન રાખે છે એક જ ગાર્ડ
સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડિંગમાં આવેલા ગ્રાઉન્ડ ફ્લોર પર ના ઓર્થો વિભાગ પર દરરોજના એક્સરે માટે અને ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા માટે 50થી વધુ લોકોની લાઈન લાગેલી હોય છે ત્યારે આ લાઈનને માત્ર એક જ સિક્યુરિટી ગાર્ડ સંભાળતો હોય છે. મુખ્યત્વે ત્યાં બે થી ત્રણ ગાડી જરૂરત પડે છે પરંતુ તેના બદલે વધુ પડતા ગાર્ડ પાર્કિંગની વ્યવસ્થામાં જ લાગેલા હોય છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા જ આ ઓર્થો વિભાગ પર દર્દીઓ વચ્ચે બોલાચાલી થતા વિભાગમાં તાળું મારી દેવામાં આવ્યું હતું. જેથી તાત્કાલિક ધોરણે ઓથો વિભાગમાં બે થી ત્રણ સિક્યુરિટી ગાર્ડ મૂકવાની જરૂર પડી હોઈ તેવું માલુમ પડી રહ્યું છે.
રાત્રિના સિક્યુરિટી ગાર્ડ કરતા શ્ર્વાનની પહેરદારી વધારે
હોસ્પિટલમાં રાત્રિના સમયે મુખ્યત્વે વધુ માત્રામાં સિક્યુરિટીની વ્યવસ્થા રાખવાની જરૂરિયાત હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં તો જાણે રાત્રિના સિક્યુરિટી ગાર્ડ કરતા તો વધારે પહેરેદારી શ્ર્વાન કરતા હોય તેવું ચિત્ર સામે આવતું હોય છે. તે ઉપરાંત વોર્ડ દીઠ એક એક સિક્યુરિટી ગાર્ડ સુરક્ષા માટે મુકવાની સૂચના આપી છે છતાં પણ તેનું પાલન થતું નથી.
સતત હાઈ વોલ્ટજ પર રહેતા ઇમરજન્સી વિભાગમાં માત્ર એક જ સિક્યુરિટી ગાર્ડ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર પરના દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે ત્યારે હોસ્પિટલ ઈમરજન્સી વિભાગ સતત હાઈ વોલ્ટેજ પર રહે છે. કારણ કે, તાત્કાલિક સારવાર મેળવવા માટે આવતા દર્દીઓની સંખ્યા બહુ મોટી માત્રામાં હોય છે જ્યારે આ વિભાગમાં અનેકવાર દર્દીઓને ડોક્ટરો સાથે બોલાચાલી અને મારામારી સુધીની ઘટના બનવા પામી છે પરંતુ આટલી ઘટના બનવા છતાં પણ ત્યાં માત્ર એક જ સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. તબીબો દ્વારા અનેકવાર તંત્રને જાણ કરી ત્યારે તેમને માત્ર બે દિવસ માટે જ બાઉન્સર ની સુવિધા ઉપલબ્ધ કરી હતી ત્યારબાદ પાછું સુરસુરીયું નીકળી ગયું હતું.
મેઇન ગેટ પર લગાવેલા નો-એન્ટ્રીના બોર્ડ માત્ર શોભાના ગાંઠીયા સમાન: ખુદ ગાર્ડ જ અપાવે છે રિક્ષાને એન્ટ્રી
સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પર મોટા મોટા અક્ષરે નો પાર્કિંગ અને રીક્ષા મોટી માલગાડી સહિતના અનેક વાહનોની નો એન્ટ્રી ના બોર્ડ લગાવવામાં આવ્યા છે પરંતુ આ બોર્ડ માત્ર નામના જ લગાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ખુદ સિક્યુરિટી ગાર્ડ દ્વારા જ રિક્ષા ને હોસ્પિટલના એન્ટ્રી દેવામાં આવી રહી છે જાણે તેવો સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં જ નથી આવી રહી. જેથી બેફામ રીક્ષા ચાલકોના કારણે થોડા સમયની અંદર જ સિવિલ હોસ્પિટલમાં મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ સર્જાય છે.
ચૌધરી ગ્રાઉન્ડમાં ખડકી દેવામાં આવેલા પાર્કિંગમાં કોઈ સુરક્ષા નહિ : બે દિવસમાં એક બાઈક ચોરાઇ છે
ઉચ્ચ અધિકારીની સુચના બાદ તબીબી અધિક્ષકે સિવિલના કમ્પાઉન્ડમાં એક પણ વાહન પાર્ક ન કરવાની સિક્યુરિટી એજન્સી ને સૂચના આપતા સિક્યુરિટી ગાર્ડ કામ ધંધે લાગી ગયા હતા જેથી દર્દીઓની પાર્કિંગની વ્યવસ્થા કોઈને પૂછ્યા વગર તેઓ દ્વારા ચૌધરી ગ્રાઉન્ડમાં કરી દેવામાં આવી હતી. પરંતુ આ ચૌધરી ગાઉનમાં સુરક્ષાના નામે મીંડું હોય તેમ ત્યાં બે દિવસમાં એક બાઈક ચોરી થવાની ઘટના બનવા પામી છે છતાં પણ ત્યાં કોઈપણ સિક્યુરિટી ગાર્ડ એજન્સી દ્વારા મૂકવામાં આવતો નથી. જેથી જો તમે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા જતા હોય તો તમારા વાહનની પહેલા તમારે સાર સંભાળ રાખવી જોશે.
અનેક વાર બબાલ થતી દવાબારી અને કેસબારી પર એકપણ સિક્યુરી ગાર્ડ નહિ
હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગમાં આવેલી કેસ બારી અને દવા બારી પર સવારના 09:00 વાગ્યાથી જ દર્દીઓનો ઘસારો થવા લાગે છે અને આ મોટી લાઈનોને સંભાળવા માટે સિક્યુરિટી એજન્સી દ્વારા ત્યાં એક પણ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા નથી. હોસ્પિટલમાં જ્યાં જરૂર નથી ત્યાં બે થી ત્રણ સિક્યુરિટી ગાર્ડ ખડકી દેવામાં આવ્યા છે પરંતુ જ્યાં અનેકવાર બબાલ સર્જાતી હોય તેવી કેસબારી અને દવા બારી પર એક પણ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યો નથી. જાણે આ તમામ વસ્તુઓ તબીબી અધિક્ષકના નજરમાં જ ન આવતી હોય તેવું પણ જણાઈ રહ્યું છે.
119 સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં બાઉન્સરની માંગ
થોડા દિવસ પહેલા જ રાત્રિના સમયે શહેરના હિસ્ટ્રીશિટર બે શખ્સોએ તબીબો સાથે મોટાપાય માથાકૂટ કરી હતી પરંતુ તે દિવસે સિક્યુરિટી ગાર્ડ દ્વારા કોઈપણ બચાવ માટે પ્રયત્ન ન કરવામાં આવતા ઈમરજન્સીમાં ફરજ બજાવતા તબીબોએ ગાંધીનગર સુધી લેખિત ફરિયાદ કરીને બાઉન્સર રાખવાની માંગણી કરી છે લાખો રૂપિયા સિવિલ હોસ્પિટલની સુરક્ષા ના નામે સિક્યોરિટીમાં ખર્ચ કરવામાં આવતા હોય છે તો સમય સંજોગોએ આજ સિક્યોરિટી શોભાના ગાંઠિયા સમાન બની રહેતો તેના પર કોણ કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું છે.
તાજેતરમાં આરોગ્ય નિયામકે તબીબી અધિક્ષકને સિક્યુરિટી મુદ્દે ખખડાવ્યા’તા
સિવિલ હોસ્પિટલની મુલાકાતે તાજેતરમાં જ આરોગ્ય નિયામક આવ્યા હતા ત્યારે તેઓએ ઇમર્જન્સી બોર્ડમાં મુલાકાત લીધી હતી તે સમયે પાણીના રાખેલા રેફ્રિજરેટરમાં એક નળ હોવાથી તેને તે બાબતની માહિતી તબીબી અધિકક્ષક પાસેથી માંગી હતી ત્યારે તેમને એવું જણાવ્યું હતું કે નળ ચોરાવાના બનાવો બનતા હોવાથી માત્ર એક જ નળ રાખવામાં આવ્યો છે. જેથી આ જવાબ પણ આરોગ્ય નિયામકે અધિક્ષકને ઉજળા લીધા હતા અને સિક્યુરિટી એજન્સી ને સુચના આપવાનું જણાવ્યું હતું છતાં પણ તેઓ દ્વારા કોઈ પણ સૂચના આપવામાં આવી ન હતી.