ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડના નામ ફાઇનલ કરતું ભાજપ
15મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે થરાદ બેઠકના ભાજપના ધારાસભ્ય શંકરભાઇ ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે શહેરા બેઠકના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના નામ ભાજપ દ્વારા ફાઇનલ કરવામાં આવ્યા હોવાનું પ્રદેશ ભાજપ મીડીયા ક્ધવીનર ડો.યજ્ઞેશ દવેએ જણાવ્યું છે.
ગત મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને 16 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા બાદ આગામી 20મી ડિસેમ્બરના રોજ વિધાનસભાનું એક દિવસનું સત્ર મળવાનું છે. દરમિયાન ગઇકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશભાઇ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. ભાજપ દ્વારા વિધાનસભાના કાયમી અધ્યક્ષની નિમણૂંક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અપેક્ષિત રીતે જ થરાદના ધારાસભ્ય શંકરભાઇ ચૌધરીની 15મી વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવશે. જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડનું નામ નક્કી કરવામાં આવ્યું છે. આગામી 20મીએ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે. જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી દ્વારા આ બે પદ માટે ઉમેદવાર ઉભા નહિં રાખવામાં આવે તો ઉક્ત બંને ધારાસભ્યો બિનહરિફ ચૂંટાઇ આવશે.
મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં ન આવતા એક વાત ફાઇનલ માનવામાં આવતી હતી કે શંકરભાઇ ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવશે. જો કે, તેઓની સાથે અન્ય બે નામોની ચર્ચામાં હતા જેમાં અગાઉ અધ્યક્ષ રહી ચૂકેલા ગણપત વસાવા અને રમણલાલ વોરાનું નામ ચર્ચાતું હતું. આજે સવારે ભાજપ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઇ ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડ ઉમેદવાર રહેશે તેવી સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવશે.