દયારામ
જન્મ: ૧૬-૮-૧૭૭૭
અવસાન: ૯-૨-૧૮૫૨
મહાકવિ નાનાલાલે જેમને ‘પ્રાચીનતાનાં મોતીવર્ષના છેલ્લા રસમેધ’ કહ્યા છે એવા મધ્યકાલીન ગુજરાતના ભકત કવિ શ્રી દયારામનો જન્મ નર્મદા કિનારે ચાંદોદ થયો હતો. સાહિત્યમાં ‘ગરબી’નું સ્વરૂપ દયારામનું પ્રાદાન છે.નરસિંહ મહેતાએ ગુજરાતી કવિતામાં કરેલી કૃષ્ણભક્તિને દયારામે પરાકાષ્ઠાએ પહોંચાડી. મધુર કંઠના સ્વામી દયારામ વાદ્યવિશારદ પણ હતા. તેમના સાહિત્ય સર્જનો પૈકી પૃષ્ટિભક્તિનો મહિમા ગાતો તેમને ગ્રંથ ‘રસિક વલ્લભ’ સૌથી વધુ નોધપાત્ર છે. તેમણે અનેક આખ્યાનો, પદો, ગરબા, ગરબી ગણાવી હતી.
ગોપાલ સ્વામી આયંગર
જન્મ: ૩૧-૩-૧૮૮૨
અવસાન: ૧૦-૨-૧૯૫૩
અત્યંત તેજસ્વી, ઉજજવળ કારકિર્દી ધરાવતા અને આડંબરરહિત મૂક દેશસેવક શ્રી ગોપાલ સ્વામી આયંગરની મદ્રાસ સરકારનાં જુદાં જુદાં ખાતાઓમાં બજાવેલી સેવાઓ પૈકી પંચાયત યોજનાની તેમની કામગીરી અત્યંત નોંધપાત્ર છે.
તેમણે પંડિત નહેરુજીના પ્રધાન મંડળમાં પ્રથમ વાહનવ્યવહાર ખાતાની અને પછી સંરક્ષણ ખાતાની જવાબદારી પણ તેમણે કુનેહપૂર્વક અદા કરી હતી.
‘દીનબંધુ’ એન્ડ્રઝ
જન્મ:૧૨-૨-૧૮૭૧
અવસાન: ૪-૫-૧૯૪૦
પીડિતોમાં પ્રભુના દર્શન કરવાની આત્મદીક્ષા પામીને ભારત આવેલા મૌનસેવક શ્રી ‘દીનબંધુ’ એન્ડ્રઝનો જન્મ ઇંગ્લેન્ડના ન્યુકેસસમાં થયો હતો. અનેક પરિભ્રમણો અને પરિશ્રમ વચ્ચે તેમણે એમની કલમ ચલાવ્યે જ રાખી. આત્મકથા, ચારિત્રો, પત્રો લેખો વગેરેના પાત્રીસ પુસ્તકો એમની વિદ્વતાની શાખ પૂરે છે. એમની નજર સમક્ષ સદા ભારતનાં દરિદ્રનારાયણો જ રહ્યો છે. એમની ભારતમાંથી સેવા અંગ્રેજોની આંખ ખોલી નાખે તેવી હતી.
સરોજિની નાયડું
જન્મ:૧૩-૨-૧૮૭૯
દેશભકત, કવયિત્રી અને ‘હિંદની બુલબુલ’ તરીકે ઓળખાયેલ શ્રીમતી સરોજિની નાયડુનો જન્મ હૈદ્રાબાદમાં થયો હતો. એમના પિતા શ્રી અઘોરનાથ ચટ્ટોપાધ્યાય હૈદ્રાબારની નિઝામ કોલેજના પ્રિન્સિપાલ હતા. બાર વર્ષની ઉંમરે પ્રથમ વર્ગમાં મેટ્રિક પાસ થયાં. ત્યારબાદ કેમ્બ્રિજની ગર્ટન કોલેજમાં અભ્યાસ કર્યો.
ઓગણીસ વર્ષની ઉંમરે એમણે ડોકટર ગોવિંદ રાજલુ નાયડુ સાથે લગ્ન કર્યા. આંતરજાતિય લગ્નને કારણેએ સમયે ઉહાપોહ જાગેલો, પરંતુ એમના પિતાના એમને આશીર્વાદ હતા. એમના િ૫તા પોતે પણ રૂઢિની વિરુદ્ધમાં હતા.૧૯૨૫માં તેમને રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યાં હતાં.સરોજિની નાયડુ જન્મજાત જ કવયિત્રી હતાં. એમને પ્રથમ કાવ્યસંગ્રહ ‘હિરણ્ય ઊંબર’ ઇ.સ.૧૯૦૫માં બહાર પડ્યો. પછી તો તેમના જીવનમાં પરિવર્તન આવ્યું અને તેઓ સ્ત્રીસેવા, સમાજસેવા અને સત્યાગ્રહની લડતમાં ગળાબૂડ રહ્યાં. ધરાસણામાં લાઠીમાર વખતેએ મોખરે હતાં અને ગાંધીજીની એક અનન્ય શિષ્યા તરીકે ૧૯૨૦થી ૧૯૪૯ સુધી તેમણે કરેલી દેશસેવા અવિસ્મણીય છે.
ડો. ઝાકીરહુસેન
જન્મ: ૮-૨-૧૭૯૬
અવસાન: ૩-૫-૧૯૬૯
અગ્રીમ કેળવણીકાર, ઉમદા દેશભકત તરીકે આંતરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ડો. ઝાકીરહુસેન ઉત્તર પ્રદેશના ફરૂખાબાદ જિલ્લાના કઇમગજના વતની હતા. અલીગઢ ખાતે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. વધુ અભ્યાસ માટે બર્લિન જઇ તેઓએ અર્થશાસ્ત્રમાં પીએચ.ડી. કર્યું હતું. તેમણે ગાંધીજી પર જર્મન ભાષામાં પુસ્તક પણ લખ્યું હતું.
દિલ્હીની જામિયા-માલિયા સંસ્થાના આદ્યસ્થાપક, સુત્રધાર અને પ્રણેતા ડો. ઝાકીરહુસેને ભારતના શિક્ષણક્ષેત્રે પણ નોંધપાત્ર સેવાઓ આપેલી છે. તેઓ ૧૯૫૨માં રાજ્યસભાના સભ્ય તરીકે નિયુકત કરાયેલા. ડો. હસુેને ૧૯૬૨માં ઉપરાષ્ટ્રપતિ પદ અને ૧૯૬૭માં ભારતનું રાષ્ટ્રપતિપદ શોભાવ્યું હતું. તેમને ‘પહ્મવિભૂષણ’ તથા ‘ભારતરત્ન’ના ખિતાબથી પણ સન્માનિત કરાયા હતા.
પંડિત મોતીલાલ નહેરુ
જન્મ: ૬-૫-૧૮૬૧
અવસાન ૬-૨-૧૯૩૧
દેશને ખાતર અમીરી ફગાવી ફકીરી લેનાર ભારત માતાના સપૂત પંડિત મોતીલાલ નહેરુનો જન્મ આગારા મુકામે થયો હતો. ભારતના આધુનિક રાજદ્વારી જીવનમાં પં. મોતીલાલ નેહુરુનું પ્રદાન અસાધારણ છે. ગાંધીજીના રંગેસંગે તેમનું સમગ્ર કુટુંબ દેશભક્તિના રંગે રંગાઇ ગયું. આઝાદીની ચળવળમાં તેઓએ સક્રિય ફાળો આપ્યો હતો.ભારતના સ્વાધિનતા સંગ્રામના ઇતિહાસમાં મહત્વપૂર્ણ બેનલી અસહકારની લડતમાં શ્રી મોતીલાલ નહેરુની સામેલગીરી નોધ પાત્ર હતી. ૧૯૨૪માં ધારાસભ્યના બહિષ્કારના એલાનનો વિરોધ કરી વિઠ્ઠલભાઇ પટેલ તથા ચિત્તરંજન દાસ સાથે સ્વરાજ પક્ષ સ્થાપિ ચૂંટણીમાં ઘણો સારો દેખાવ કર્યો. ૧૯૨૮માં ભાવિ બંધારણની રૂપરેખા ઘડવા નીમાયેલી સર્વપક્ષીય સમિતિના અધ્યક્ષપદે પણ તેઓ રહ્યા હતા. ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલના તેઓ પિતા હતા.
મોતીભાઇ અમીન
જન્મ: ૨૯-૧૧-૧૮૭૩
અવસાન: ૧-૨-૧૯૩૯
ગ્રંથાલય વિજ્ઞાનના શિલ્પી મોતીભાઇ અમીનનો જન્મ ખેડા જિલ્લામાં પેટલાદ તાલુકાના વસો મુકામે થયો હતો. કિશોરવસ્થાથી જ એમના અંત:કરણમાં સેવાના સંસ્કારો અને પુસ્તકાલય પ્રવૃતિના બીજ રોપાયેલા હતાં. તેમણે ‘જયાં જ્યાં શાળા ત્યાં ત્યાં પુસ્તકાલય’ સુત્ર અપનાવ્યું, એટલું જ નહી ‘પુસ્તકાલય મંડળો’ની પણ એમણે વિવિધ સ્થળોએ સ્થાપના કરી હતી. માત્ર પુસ્તકાલયો ખોલીને એમણે સંતોષ નહોતો માન્યો પણ સ્થપાયેલાં પુસ્તકાલયો સ્થિર અને સમુદ્ધ બને તેની પણ ચિંતા સેવતા.
૧૯૩૨માં મદ્વાસ ખાતે મળેલી અખિલ હિન્દ સાર્વજનિક પુસ્તકાલય પ્રવૃત્તિ પરિષદે મોતીભાઇને ‘પુસ્તકાલય પ્રવૃતિના પિતામહ’નું બિરૂદ આપી નવાજ્યા હતા. મોતીભાઇ અમીનનું ૬૬ વર્ષની વયે આજથી ૬૦ વર્ષ પહેલાં અમદાવાદ ખાતે અવસાન થયું હતું.