કોર્પોરેશને પણ સ્ટીકર લગાવવાની કામગીરીમાં વેઠ ઉતારી હોવાનું બહાર આવ્યું: શેરી-ગલીઓમાં આવેલી એકલ-દોકલ દુકાનો પર પણ સ્ટીકર લગાવી દીધા: માસ્ક ન પહેર્યા હોય તેવા ગ્રાહકોને પણ ચીજ-વસ્તુનું વેંચાણ
લોેકડાઉન-૪માં રાજ્ય સરકાર દ્વારા ભારે છુટછાટ આપવામાં આવી છે. શહેરના મુખ્ય રાજમાર્ગો પર પણ વધુ માત્રામાં લોકો એકત્રીત ન થાયા તે માટે દુકાનો ખુલ્લી રાખવા માટે ઓડ-ઈવન નિયમ લાગુ કરવામાં આવ્યો છે. શહેરમાં આજથી એકી-બેકીના સ્ટીકરવાળી સીસ્ટમની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં નિયમોનો ઉલાળીયો થયો હોવાનું સામે આવ્યું છે. આજે એકી તારીખ હોવા છતાં જે દુકાન પર બે નંબરના સ્ટીકલ લાગ્યા હતા તે ખુલ્લી હોવાનું માલુમ પડ્યું હતું. સાથો સાથ જે વ્યક્તિએ માસ્ક નહોતા પહેર્યા તેઓને પણ વેપારીઓ દ્વારા બિનદાસ્ત ચીજવસ્તુનું વેંચાણ કરવામાં આવતું હતું. ઓડ-ઈવનના નિયમનો ભંગ કરનાર એક પણ દુકાનદારને મહાપાલિકા કે પોલીસ દ્વારા બપોર સુધી કોઈ દંડ કરવામાં આવ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજથી શહેરમાં એકી-બેકી સીસ્ટમની અમલવારી થઈ ગઈ છે. આજે ૨૧મી તારીખ હોય જે દુકાન પર એક નંબરનું સ્ટીકર લગાવવામાં આવ્યું હોય તેને ખુલ્લી રાખવામાં આવતી હોય છે અને જે દુકાન પર ૨ નંબરનું સ્ટીકર હોય તેને આજે દુકાન બંધ રાખવાનો નિયમ છે પરંતુ આજે શહેરના અનેક મુખ્ય માર્ગો પર એવું જોવા મળ્યું હતું કે, ક્યાંક ૨ નંબરનું સ્ટીકર લાગેલ હતું તે દુકાન પણ આજે ખુલ્લી જોવા મળી હતી. સામાન્ય રીતે શેરી-ગલીઓમાં દુકાન આવેલ હોય અને આજુબાજુમાં એક કે બે દુકાન હોય તેઓને ઓડ-ઈવન સીસ્ટમ લાગુ પડતી નથી. પરંતુ મહાપાલિકાએ સ્ટીકર લગાવવાની કામગીરીમાં વેઠ ઉતાર્યો હોય તેમ શેરી-ગલીમાં ખુણેખાચરે આવેલ દુકાનો પર પણ સ્ટીકર લગાવી દેવામાં આવ્યા હતા જેથી વેપારીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શેરીમાં એક કે બે દુકાન હોય ત્યાં એકી-બેકીના સ્ટીકર લગાવવામાં આવ્યા હોવાથી આજે ફરજિયાતપણે દુકાનદારે પોતાની દુકાન બંધ રાખવાની ફરજ પડી હતી.
બપોર સુધીમાં એક પણ વેપારીને ઓડ-ઈવનનો નિયમ ભંગ કરવા સબબ નોટિસ આપવા કે દંડ ફટકારવા જેવી શિક્ષાત્મક કાર્યવાહી મહાપાલિકા કે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.