જીયોના આક્રમણ સામે ટકી રહેવા ટેલીકોમ ક્ષેત્રની ટોચની બે કંપનીઓનું વિલય: ૪૫ ટકા શેર વોડાફોન પાસે અને ૨૬ ટકા શેર આઈડીયા પાસે રહેવાની સતાવાર જાહેરાત
ટેલીકોમ ક્ષેત્રની ટોચની કંપનીઓ આઈડિયા અને વોડાફોન પરસ્પર મર્જ થઈ ગયાની આજે સતાવાર જાહેરાત થતા બંને કંપનીઓ મળીને વિશ્ર્વની સૌથી મોટી ટેલીકોમ કંપની બની જશે.
આઈડિયા અને વોડાફોને આખરે પરસ્પર મર્જ થઈ ગયાની વાત સતાવાર જાહેર કરી છે. સુત્રોમાંથી મળતી વિગત મુજબ બંને કંપનીઓ ભારતમાં પોતાનો બિઝનેસ સાથે વિસ્તારવાનો નિર્ણય કર્યો છે. ટેલીકોમ ક્ષેત્રની ટોચની બે કંપનીઓ વોડાફોન અને આઈડિયાના મર્જર બાદ વિશ્ર્વની સૌથી મોટી ટેલીકોમ પ્રોવાઈડર કંપની તરીકે ઓળખાશે.
મળતી વિગત મુજબ આઈડીયા અને વોડાફોન વચ્ચે છેલ્લા છ માસથી મર્જ થવાની વાતો ચાલી રહી હતી. જેની આજે સતાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. વોડાફોન અને આદિત્ય બિરલા ગ્રુપની કંપની આઈડિયા મર્જ થયા બાદ તેના શેરનો હિસ્સો પણ નકકી કરી દેવાયો છે. મર્જર બાદ વોડાફોન પાસે ૪૫ ટકા શેર રહેશે. જયારે આઈડિયા પાસે ૨૬ ટકા ભાગીદારી રહેશે. ઉલ્લેખનીય છે કે ટેલીકોમ ક્ષેત્રમાં જીઓના આગમન બાદ દરેક ટેલીકોમ કંપનીઓને હરીફાઈમાં ટકવુ મુશ્કેલ બની ગયું હતું.
અત્યારસુધી બધી ટેલીકોમ કંપનીઓના કોલરેટ, ઈન્ટરનેટ, મેસેજીસ સહિતની સેવાઓ મહદઅંશે સરખી જોવા મળી હતી પરંતુ છેલ્લા થોડા સમયથી રિલાયન્સ જીયોના આગમન બાદ અન્ય ટેલીકોમ કંપનીઓ ઉપર હરિફાઈમાં ટકવુ મુશ્કેલ બની ગયું હતું. જીયોના આગમન બાદ કોલરેટ, ઈન્ટરનેટ, મેસેજીસ સહિતની તમામ સુવિધાઓ ગ્રાહકને તદન મફત અપાતા લોકો એકાએક જીયો તરફ વળ્યા હતા અને ગણતરીના દિવસોમાં જીયોના ગ્રાહકોની સંખ્યા કરોડોમાં થઈ જતા અન્ય ટેલીકોમ કંપનીઓના ગ્રાહકો પણ જીયો તરફ વળ્યા હતા.
ઈન્ટરનેટના યુગમાં રીલાયન્સ જીયોએ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા મજબુર કરી દીધા છે ત્યારે બાકીની મોબાઈલ કંપનીઓની સેવાથી ગ્રાહકોને જાણે અસંતોષ થયો હોય તેમ કરોડો ગ્રાહકોએ જીયોને પ્રાધાન્ય આપી અન્ય ટેલીકોમ કંપનીઓને જાકારો આપતા ટેલીકોમ ક્ષેત્રમાં ટકી રહેવા વોડાફોન, આઈડીયા સહિતની કંપનીઓએ ગ્રાહકોને પોતાની સાથે પરત લાવવા અને પ્રમાણમાં સસ્તી સ્કીમો પણ લોન્ચ કરી હતી.
ટેલીકોમ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી જીયોના આક્રમણ સામે અન્ય ટેલીકોમ કંપનીઓના પાટીયા ઉતરી ગયા હોવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે. આ કારણે જ આજે ટેલીકોમ ક્ષેત્રની ટોચની ગણાતી કંપનીઓ વોડાફોન અને આઈડીયાનું મર્જર થયાની સતાવાર જાહેરાત કરાઈ છે.