૨૮૬ ફૂટ લાંબુ અને દરિયાના ૬૦૦૦ મિટર ઊંડાણ સુધી ડોકીયુ કરી શકતું આ જહાજ વિશ્ર્વની શ્રેષ્ઠ આધુનિક ટેક્નોલોજી ધરાવે છે
વિશ્વના નકશામાં જો થોડું ધ્યાન થી ડોકયુ કરીએ તો સૌથી મોટો ભાગ સમુદ્રનો છે. પૃથ્વીના આશરે ૭૧ પ્રતિશત ભાગ પર પાણીનું અસ્તિત્વ છે. મનુષ્ય તથા પ્રાણીઓનું જીવન પણ પાણી વિના શક્ય નથી. સમુદ્ર ના પાણી સાથે સંકળાયેલા ન જાણે કેટલા ઉપયોગની યાદી બની શકે. આ સમુદ્ર ના આટલા ભારપૂર્વક ઉલ્લેખનું કારણ એ છે કે સમુદ્રની સાથે ફક્ત પેલી માછલીઓ વિશે જ આપણે વધુ સાંભળ્યું હશે. પરંતુ સૌથી અજુગતી વાત તો એ છે કે પૃથ્વી ના લગભગ ૮૦ પ્રતિશત સમુદ્ર નો ન તો કોઈ નક્શો છે, ન કોઈ પરિચય.
વિશ્વ ની અગ્રણી પ્રયોગશાળાઓ જેવી કે ઇસરો, નાસા અને યુરોપીયન સ્પેસ એજન્સી દ્વારા અવકાશ સંશોધન વિશે ની જંગી યોજનાઓ તો હવે સામાન્ય થવા લાગી છે. પરંતુ કોઈ દિવસ વિશ્વ વ્યાપી ઊંડા દરિયા ના સંશોધન ના સમાચાર સહેલાઈ થી આંખે ચડ્યા નથી. અવકાશના ઊંડાણમાં તો ઘણા પ્રયોગો વહેતા થયા છે, પરંતુ દરિયા ના ઊંડાણ માં એક હદ સુધી જ જઈ શકાયું છે. ઊંડા અવકાશ અને ઊંડા દરિયા આ બંને માં મનુષ્ય શ્વાસ લઈ શકતો નથી. પરંતુ દરિયા ના ઊંડાણ માં કેટલાય અકલ્પિત સજીવ શ્વાસ લઈ રહ્યા છે.
વિશ્વ નું સૌથી આધુનિક જહાજ: એક બાજુ વિશ્વ અવકાશ થી કરોડો કિલોમીટર દૂર થયેલી ઘટનાઓ પોતાના કેમેરા માં કેદ કરે છે અને બીજી બાજુ આપણી જ પૃથ્વી ના ૭૧ પ્રતિશત ભાગ ને આવરી લેતા સમુદ્રના ઊંડાણ થી અજાણ છે. દરિયાના ઊંડાણમાં ન જાણે કેટલા એવા સજીવો છે જે પ્રાચીન કાળ થી અસ્તિત્વ ધરાવે છે. બસ આપણે તેમણે જોવા માટે ઊંડી નજર કરી શક્યા નથી. જેમ કોઈ પરગ્રહ વાસીઓ પૃથ્વી થી દૂર અજાણ્યું અને અળગું જીવન જીવી રહ્યા છે, તેમ દરિયાના આ ઊંડાણમાં પણ એક અજાણ્યું જીવન વસેલું છે. દરિયાઈ જીવો ની અસંખ્ય પ્રજાતિઓ મનુષ્ય આંખ થી ખાસ્સી દૂર છે.
વર્ષ ૧૯૬૬ માં જેક્સ કૌસ્તૌ અને તેના સંશોધન જહાજ આરવી કેલિપ્સો એ દુનિયાભર ને દરિયા ની અતુલ્ય જીવસૃષ્ટિ ના દર્શન કરવી અચરજ ના આંગણે પહોંચાડી દીધા. ત્યાર બાદ વર્ષ ૨૦૧૬ માં રે દલીઓ એ દરિયા ના ઊંડાણ માં તેલ ની શોધખોળ માટે એક જહાજ ખરીદ્યું. આ જહાજ વખત જતાં દરિયા ના ઊંડાણ ના રહસ્યો જાણવા માટે નું એક માધ્યમ બની ગયું. રે દલીઓ કહે છે કે લોકો અવકાશીય સંશોધન પ્રત્યે ખૂબ જ રસ દાખવે છે, પરંતુ દરિયા ના પેટાળ માં પણ તેટલું જ રસપ્રદ દ્રશ્ય છે. અવકાશીય સંશોધન ની જેમ દરિયા ના પેટાળ માં પણ આપણી દ્રષ્ટિ પહોંચાડવા જટિલ તકનિક ની જરૂર પડે છે. રે દલીઓ એ અલૂશા(ફહીભશફ) નામના જહાજ ને દરિયાઈ પેટાળ ના સંશોધન તથા દરિયા ના ઊંડાણ માં બનતા ચલચિત્રો માટે વિશ્વ નું સૌથી આધુનિક જહાજ બનાવી દીધું. ૨૦૧૬ માં બનેલ આ અલૂશા જહાજ એન્ટાર્કટિકા ના સમુદ્ર ની આહલાદક સજીવસૃષ્ટિ ની શોધખોળ કરી ચૂક્યું છે.
તથ્ય કોર્નર: પૃથ્વી પર ના અંદાજે ૮૦ પ્રતિશત સજીવો સમુદ્ર ના પેટાળ માં આવેલા છે. અત્યાર સુધી માં આપણે ૧૦ પ્રતિશત કરતાં પણ ઓછા દરિયાઈ સજીવો વિશે જાણકાર છીએ. અત્યાર સુધી ૨૨૬૦૦૦ જેટલા દરિયાઈ સજીવો શોધાઈ ચૂક્યા છે. ૯૦ પ્રતિશત જ્વાળામુખીઓ દરિયા ના ઊંડાણમાં સક્રિય થાય છે. દરિયાના ઊંડાણમાં ધ્વનિ પાંચ ગણી વધુ ઝડપે ગતિ કરે છે(૧૪૩૫ મી/સેક્ધડ).
રે દલીઓ ઓશનએક્સ નામની સંસ્થા ના સ્થાપક છે. અલૂશા જહાજ આ જ સંસ્થા સાથે સંકળાયેલું છે. દરિયા ના ઊંડાણ માં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કરવી હોય કે કોઈ ફિલ્મ ઉતારવી હોય, આ જહાજ વિશ્વ નું સૌથી આધુનિક જહાજ હતું. વર્ષો ના ઉપયોગ બાદ તાજેતરમાં(સેપ્ટેમ્બર, ૨૦૨૦) જ આ જહાજ નવા રંગરૂપ તથા આધુનિક ઉપકરણો સાથે દરિયા ના પેટાળ માં રહેલા વણઉકેલ્યા રહસ્યો જાણવા સજ્જ થઈ ગયું છે. આ દરિયાઈ પ્રોયોગશાળા નું નવું નામ છે ઓશનએક્સપ્લોરર.
ઓશનએક્સપ્લોરર – દરિયા માં તરતી વિશ્વ ની સૌથી આધુનિક પ્રયોગશાળા
૨૮૬ ફૂટ લાંબુ અને દરિયા ના ૬૦૦૦ મિટર ઊંડાણ સુધી ડોકયુ કરી શકતું આ જહાજ ટેક્નોલોજી નું એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. આ તરતી પ્રયોગશાળા ને જોઈ ને જાણે આંખો અંજાય જાય. ઓશનએક્સપ્લોરર જેમ્સ કેમરૂન તથા બીબીસી ના અગ્રણી લોકો ની એવી ટુકડી ધરાવે છે જે સમુદ્ર ના ભૂગર્ભ માં વસ્તી અનેરી દુનિયા માં જઈ ને ફિલ્મ બનાવે છે. ફક્ત મરીન એંજીન્યરીંગ જ નહીં પરંતુ મીડિયા ક્ષેત્રે પણ આ જહાજ વિશ્વભર ના પ્રતિસ્પર્ધીઓ ને પછાડી દે છે.
ઓશનએક્સપ્લોરર ની વિશેષતાઓ અને પ્રણાલીઓ ની વાત કરીએ તો આ જહાજ ૪૦ ટન ની ક્ષમતા ની વેધરપ્રૂફ ક્રેન, ૩ સબમરસીબલ, ડીએનએ સિક્વન્સિંગ ની નાની પ્રયોગશાળા અને બીજા ઘણા આધુનિક ટેક્નોલોજી થી સભર ઉપકરણો ધરાવે છે.
જહાજ ના મધ્ય માં મિશન કંટ્રોલ સેંટર આવેલું છે. દરિયા ના પેટાળ માંથી મળી આવેલ માહિતીઓ નું વિશ્લેષણ અહીં થાય છે. ઓશનએક્સપ્લોરર ના બધાજ પ્રકાર ના સેન્સર નો ડેટા મિશન કંટ્રોલ માં જ જોઈ શકાય છે. આ ડેટા ને થ્રીડી સ્વરૂપે નિહાળી શકાય છે!
ઓશનએક્સપ્લોરર માં આવેલ ૪ પ્રયોગશાળાઓ કોઈ મોટી સંશોધન સંસ્થા કરતાં ઓછી નથી. આ પ્રયોગશાળાઓ માં માઇક્રોસ્કોપ, જિનેટિક સિક્વન્સિંગ, બાયોફ્લોરોસંટ ઇમેજિંગ જેવી અત્યાધુનિક સુવિધાઓ છે. દરિયા ના પેટાળ માં મળી આવતા સજીવો ની શરીરની આંતરિક રચના ઓશનએક્સપ્લોરર માં જ થઈ શકે છે. આ સુવિધા બાયોફ્લોરોસંટ ઇમેજિંગ ને આભારી છે. આ ઉપરાંત ઓશનએક્સપ્લોરર એક હેલીકોપ્ટર ની સુવિધાયુક્ત છે જે તેને લાંબા અંતરે ટુકડીઓ પહોંચાડવા તથા આકાશ પરથી વિડિયો શૂટિંગ કરવા સક્ષમ બનાવે છે.
ઓશનએક્સપ્લોરર પહેલું એવું જહાજ છે જે સમુદ્ર થી ૬૦૦૦ મિટર ઊંડાણ માં થતી ઘટનાઓ નું જીવંત પ્રસારણ કરી શકે છે. જહાજ માં આવેલ મીડિયા સેંટર વિશ્વ માં સૌપ્રથમ ૮ઊં રિઝોલ્યુશન પૂરું પાડે છે! વધુ માં આ જહાજ માં આવેલ સોનાર તકનિક સમુદ્ર ની ઊંડાઈ, આડે આવતા અવરોધો તથા તટીય માહિતી પૂરી પાળે છે. ૬૦૦૦ મિટર ઊંડે આવેલ તળિયું ઓશનએક્સપ્લોરર પર થ્રીડી વ્યૂ માં જોઈ શકાય છે. શું આ ઓશનએક્સપ્લોરર ની પ્રયોગશાળાઓ આપણને હોલીવૂડ ના વૈજ્ઞાનિક વૃતાંતો જેવો અનુભવ નથી કરાવતું?!
દરિયાના પેટાળ ની અતિ મુશ્કેલ પરિસ્થિતી માં હેમખેમ પહોંચાડતી સબમરીન ની વાત કરીએ તો ઓશનએક્સપ્લોરર નાદિર અને નેપચ્યૂન નામની બે નાની સબમરીન ધરાવે છે. ઓશનએક્સપ્લોરર ની આ અનંત આંખો દરિયા માં ૧૦૦૦ મિટર સુધી પહોંચવા ની ક્ષમતા રાખે છે. ૩વ્યક્તિઓ નું વહન કરી શક્તિ આ સબમરીન સામાન્ય સબમરીન કરતાં અલગ છે. મુસાફરો આ સબમરીન પર થી એકદમ સુગમતાથી દરિયાઈ એલિયન નિહાળી શકે છે. આ સાથે તેમાં આવેલ વર્ચુયલ રિઆલિટી કેમેરા વડે તેમને કેદ પણ કરી શકે છે.
જ્યારે મનુષ્ય ના બેદરકારી ભર્યા પર્યાવરણ ના દૂષણની અસર સમુદ્ર જીવન પર પણ પડી છે, ત્યારે સમુદ્ર ના અદ્રશ્ય પાસાઓ ને ખુલ્લા કરી આપણે કદાચ લુપ્ત થતાં જીવો ને બચાવી શકીએ. સમુદ્ર ની હજારો મિટર ઊંડે વસ્તી આ સજીવ સૃષ્ટિ એક એવી પરિસ્થિતી માં અનુજીવી છે જેમાં મનુષ્યએ ટકવું અશક્ય છે. જ્યારે પણ અવકાશયાત્રીઓ ને તાલીમ આપવામાં આવે છે ત્યારે તેમણે શૂન્યાવકાશ થી અનુકૂળ કરવા આજ પાણી ના ઊંડાણ માં રહેવાનુ શીખવાય છે. બ્રમ્હાંડ ના શૂન્યાવકાશ ની પરિસ્થિતીને સમુદ્ર ના પેટાળ સાથે ઘણી હદ સુધી સામ્યતા છે. અંતરિક્ષ માં ઊંડે સુધી જીવિત પહોંચવા થતો પ્રયત્ન સમુદ્રના ઊંડાણથી મળતા રહસ્યો ની મદદ થી કદાચ સફલતામાં પરિણમી શકે. આ સાથે સજીવશાસ્ત્ર ના અવનવા તથ્યો તો સમુદ્રના ઊંડાણ માં આપણી મીટ માંડી ને જ બેઠા છે.