બટર જેવી વસ્તુઓ નીચા તાપમાને સ્ટોરેજ કરી ન હતી: ડેમેજ ઠંડાપીણાનો બોટલોનું વેચાણ: જીવાતવાળા લોટનો નાશ
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા બીગબજાર શોપીંગ મોલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોલમાંથી અખાદ્ય સામગ્રીનો જંગી જથ્થો પકડાતા બીગબજારને નોટિસ ફટકારવામાં આવી હતી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે ફુડ વિભાગની જુદી-જુદી ટીમ દ્વારા ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા બીગબજાર શોપીંગ મોલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જયાં ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી.
જલ્દી બગડી જાય તેવી બટર સહિતની પેરીસેબલ ખાદ્ય ચીજો પર દર્શાવ્યા મુજબ યોગ્ય નીચા તાપમાનમાં સ્ટોરેજ કરવામાં આવ્યું ન હતું. લીકેજ, ફુલાઈ ગયેલ, ડેમેજ ઠંડા પીણા જેવા કે કોકાકોલા, સપ્રાઈટ, સેવન-અપ, થમ્સઅપ સહિતના ટીન વેચાણમાં રાખેલા જોવા મળ્યા હતા. સડેલા ફુગવાળા ફળ-ફળાદી જેવી ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું. આઈસ્ક્રીમના તુટેલા બોકસ પણ મળી આવ્યા હતા. સ્ટોરેજમાં પુષ્કળ જીવાતો મળી આવી હતી. એકસપાયર થયેલી બાફેલી મકાઈ, ડ્રાઈફુટના પેકિંગ અને જીવાતવાળો લોટ મળી આવ્યો હતો. બેદરકારી સબબ બીગબજારને નોટિસ ફટકારવામાં આવી હતી અને ચાર દિવસમાં સ્થિતિ સુધારવા તાકીદ કરાઈ છે.