શરીરનું કોઈ પણ અંગ હોય એમાં એવું ઇન્ફેક્શન થઈ જાય કે જેને કાબૂમાં લઈ શકાય એમ જ ન હોય તો મેડિકલ સાયન્સ સૂચવે છે કે એને કાપીને ફેંકી દેવું પડે છે નહીંતર એ આગળ ફેલાય છે અને આખા શરીરને ખરાબ કરે છે. આ એક પ્રેક્ટિકલ વાત છે. પરંતુ જેમનું એ અંગ કાપી નાખવામાં આવે છે તેના પર એની અસર અને પીડા બન્નેનું અનુમાન પણ લગાવી શકાય એમ નથી હોતું. એ અંગ તરીકે એક નાનકડી આંગળી પણ કાપવામાં આવે તો વ્યક્તિ પર એની અસર તો મોટી જ હોય છે. ઘણા લોકોનો પગ કાપવામાં આવે તો તે અક્ષમ બની જતા હોય છે.
આ પરિસ્થિતિ ખરેખર ગંભીર છે; કારણ કે એ વ્યક્તિની સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક તકલીફોની કારક બને છે. એક સમય હતો કે મજૂર વર્ગ કે રોજનું કમાઈને ખાવાવાળા વર્ગમાં આ તકલીફો વધુ જોવા મળતી. તેઓ પોતાના ઘાવનો ઇલાજ વ્યવસ્થિત કરાવે નહીં અને એને કારણે એ ઘાવ પાકી જાય અને ઇન્ફેક્શન એટલું વધી જાય કે અંગ કાપવું પડે. પરંતુ આજકાલ આ કિસ્સાઓ દરેક વર્ગમાં જોવા મળે છે. એકદમ સધ્ધર વર્ગમાં પણ આવા કિસ્સાઓ જોવા મળે છે. એનું કારણ એ નથી કે એ લોકો પોતાના ઘાનું ધ્યાન રાખતા નથી કે ઇલાજ યોગ્ય કરાવતા નથી, પરંતુ એના મૂળમાં ડાયાબિટીઝ છે.
ડાયાબિટીઝ અને પગ
જ્યારે ડાયાબિટીઝને કારણે હાથ કે પગની રક્તવાહિનીઓ અસરગ્રસ્ત થાય ત્યારે એને પેરિફેરલ વેસ્ક્યુલર ડિસીઝ કહેવાય છે. આ અસરને કારણે શું થાય છે એ સમજાવતાં ઝેન હોસ્પિટલનાં જનરલ સર્જ્યન અને ફ્લેમ્બાયોલોજિસ્ટ ડો. માધુરી ગોરે કહે છે, રક્તવાહિનીઓ એ રક્તને દરેક અંગ સુધી પહોંચાડે છે અને જ્યારે એ ડેમેજ થાય છે ત્યારે એ અંગને રક્ત પૂરતી માત્રામાં મળતું નથી. એટલે એ અંગના જ્ઞાનતંતુઓ પર અસર થાય છે અને પગનું સેન્સેશન ધીમે-ધીમે ઓછું થતું જાય છે. આ કારણસર જ્યારે ડાયાબિટીઝના દરદીને કંઈ વાગે કે પગના ઘસાવાને કારણે એ છોલાઈ જાય ત્યારે તરત ખબર પડવી જોઈએ એ પડતી જ નથી. એટલે કે સંવેદના અનુભવાતી નથી અને એને કારણે જે ઘા થયો છે એમાં દુખાવો થતો નથી. દુખે નહીં એટલે મોટા ભાગે ધ્યાન જ જતું નથી કે ત્યાં એક ઘા છે. આ ઘા ભરાતાં વાર લાગે છે અને એને કારણે એ ઘા નાસૂર બની જાય છે. ઇન્ફેક્શન વધી જાય છે અને આ સંજોગોમાં એને ક્ધટ્રોલ કરવું અઘરું પડે છે. જો ગેન્ગ્રીન થઈ જાય તો જેટલો ભાગ અસરગ્રસ્ત છે એ ભાગને કાપવો પડે છે.
અલ્સર
ડાયાબિટીઝના દરદીઓને પગમાં ન્યુરોપથીની અસર હોય ત્યારે કંઈ પણ વાગે તો ખબર પડતી નથી એટલું જ નહીં, એ ઘા ઠીક કરવામાં પણ વાર લાગે છે; જે વિશે વાત કરતાં ડાયાબિટીઝ અસોસિએશન ઑફ ઇન્ડિયાના ઑનરરી સેક્રેટરી અને ઇન્ટરનેશનલ ડાયાબિટીઝ ફેડરેશનના સાઉથ-ઈસ્ટ એશિયા પ્રદેશના ચેરમેન ડો. અનિલ ભોરાસકર કહે છે, ડાયાબિટીઝના દરદીમાં અલ્સર થાય ત્યારે એ મોટા ભાગે પેઇનલેસ હોવાને કારણે જલદી સામે આવતું નથી. સ્કિનનું અમુક પ્રકારનું ઘર્ષણ થતું હોય તો સ્કિનનું પહેલું પડ નીકળી જાય છે, જેને લીધે અંદરની સ્કિન ઉઘાડી પડી જાય છે જ્યાં ઇન્ફેક્શન થવાનું રિસ્ક વધી જાય છે. જેમને ડાયાબિટીઝ નથી એવા લોકોને આ પ્રકારના ઘસારા આરામથી ઠીક થઈ જતા હોય છે, પરંતુ ડાયાબિટીઝના દરદીઓ માટે એ સરળ નથી. મોટા ભાગે આ અલ્સર પગના અંગૂઠાની નીચેના ભાગમાં કે બે આંગળીઓની વચ્ચે ઉદ્ભવતું હોય છે. બાકી દરદીના પગના તળિયે જે જગ્યાએ વધુ પ્રેશર આવતું હોય એ જગ્યા વધુ રિસ્કી રહે છે.
ઓબેસિટી
જે ડાયાબિટીઝ ધરાવતો દરદી ઓબીસ છે એના પર પણ આ રિસ્ક ઘણું વધારે રહે છે. જે વિશે સમજાવતા ડોકટર કહે છે, જ્યારે પગમાં કોઈ પણ ઘા થાય, વાગી જાય કે છોલાઈ જાય તો એને રૂઝ આવવા માટે એની સંભાળ લેવી પડે છે. સારું એ ગણાય કે તમે એ ઘા ઠીક ન થાય ત્યાં સુધી ચાલો જ નહીં. પરંતુ એ શક્ય જ નથી. વળી સામાન્ય વ્યક્તિને એ ઘા દુ:ખતો હોય છે. એટલે દુખે નહીં એ આશયથી પણ એ વ્યક્તિ એના પર ભાર નહીં આવવા દે. ડાયાબિટીઝના દરદીને ઘાનો કોઈ દુખાવો અનુભવાતો નથી એટલે એ બાબતે સજાગ રહીને એના પર ભાર ન આવે એમ તે ચાલે એ સહજ નથી. એમાં પણ જો વ્યક્તિનું વજન વધારે હોય તો એ વધુ વજન એ ઘાને ઠીક જ નહીં થવા દે. આમ ઓબેસિટી આ તકલીફમાં વધારો કરે છે.
સ્મોકિંગ
ડાયાબિટીઝના દરદીઓએ સ્મોકિંગ ન જ કરવું જોઈએ. જો તે સ્મોકિંગ કરતા હોય તો બીજા અનેક પ્રોબ્લેમની સાથે ન્યુરોપથીના પ્રોબ્લેમ્સ પણ વધવાના જ છે એ સમજાવતાં ડોકટર કહે છે, સ્મોકિંગની અસર શરીરની નસો પર ઘણી વધારે પડતી હોય છે. ડાયાબિટીઝની અસર તો હોય જ છે નસો પર. આમ આ અસર બેવડાય છે અને તકલીફ પણ. જ્યારે ઘા થયો હોય તો એ જગ્યાએ લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત થતું હોય તો ઘાને રૂઝ જલદી આવી શકે છે, પરંતુ સ્મોકિંગને કારણે આ લોહીની નળીઓમાં બ્લોકેજ વધે છે, જેની અસર પરિભ્રમણ પર પડે છે અને એને કારણે ઘા જલદીથી ઠીક થતો નથી. આમ ડાયાબિટીઝની સાથે-સાથે આ પરિબળો તકલીફને વધારે છે, જેને કારણે વ્યક્તિ પોતાનું અંગ ખોઈ બેસે છે.
વર્ષો જૂનો ડાયાબિટીઝ
ડાયાબિટીઝના દરેક દરદીને આ તકલીફ થતી નથી. એ વિશે સ્પક્ટતા કરતાં ગાડગે ડાયાબિટીઝ કેર સેન્ટર, ગોરેગામના ડાયાબેટોલોજિસ્ટ ડોકટર કહે છે, આ તકલીફ એવા લોકોમાં જોવા મળે છે એ જેને વર્ષોથી ડાયાબિટીઝ હોય. ૧૦ વર્ષથી માંડીને ૨૫ વર્ષ સુધીની ડાયાબિટીઝ હિસ્ટરી ધરાવતા દરદીઓ આજે જોવા મળે છે. આજકાલ જે રીતે ખૂબ નાની ઉંમરથી ડાયાબિટીઝ ધરાવતા લોકો જોવા મળે છે આ રિસ્ક આવનારાં વર્ષોમાં ઘણું વ્યાપક રીતે ફેલાયેલું જોવા મળશે. જો તમને ઘણાં વર્ષોથી ડાયાબિટીઝ છે તો તમારે તમારા પગ બાબતે ખૂબ જ કાળજી રાખવી અનિવાર્ય છે.
જે લોકોનો ડાયાબિટીઝ એકદમ ક્ધટ્રોલમાં જ રહે છે તેમને પણ જો ૨૦-૨૫ વર્ષથી ડાયાબિટીઝ હોય તો આ તકલીફનું રિસ્ક રહે જ છે. તો એ વ્યક્તિઓ જેમનો ડાયાબિટીઝ ક્ધટ્રોલમાં નથી તેમના પર તો રિસ્ક કેટલું વધી જાય એ પણ વિચારવું જરૂરી છે.