રાજ્ય પછાત વર્ગનો રિપોર્ટ આવે તે પહેલાં સુપ્રિમનો વચગાળાનો આદેશ
સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારને ઓબીસી ડેટા રાજ્ય પછાત વર્ગ આયોગ (એસબીસીસી)ને સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ એટલા માટે આપ્યો છે કે, જેથી પંચ તેની તપાસ કરી શકે અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં તેમની રજૂઆત માટે ભલામણો કરી શકાય. આ સાથે સુપ્રીમ કોર્ટે એસબીસીસીને રાજ્ય સરકાર પાસેથી માહિતી પ્રાપ્ત થયાના બે અઠવાડિયાની અંદર સંબંધિત અધિકારીઓને વચગાળાનો અહેવાલ સુપરત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રે ઓબીસી સંબંધિત પહેલેથી જ ઉપલબ્ધ ડેટાના આધારે ચૂંટણી કરાવવા માટે આ કોર્ટની પરવાનગી માંગી છે. ડેટાની તપાસ કરવાને બદલે તે કેટલું સચોટ છે તેની તપાસ કરવા માટે તેને રાજ્ય દ્વારા નિયુક્ત કરવામાં આવેલા સમર્પિત કમિશન સમક્ષ રજૂ કરવાનું યોગ્ય પગલું હશે. જો કમિશન યોગ્ય માને તો તે સુધારા માટે ભલામણો કરી શકે છે જેના આધારે આગળ યોગ્ય પગલાં લેવામાં આવી શકે છે.
જો કે, સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલી યાદી કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરીથી સ્વતંત્ર હશે. સુપ્રીમ કોર્ટે આ વાત મહારાષ્ટ્ર સરકારની અરજી પર સુનાવણી કરતી વખતે કહી હતી જેમાં તેણે સુપ્રીમ કોર્ટના ૧૫ ડિસેમ્બરના આદેશને પાછો ખેંચવાની વિનંતી કરી હતી. આ આદેશમાં રાજ્ય ચૂંટણી પંચને સ્થાનિક સંસ્થાઓમાં ૨૭ ટકા ઓબીસી અનામત બેઠકોને સામાન્ય તરીકે જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર સરકાર તરફથી વરિષ્ઠ વકીલ શેખર નાફડેએ જણાવ્યું હતું કે સરકાર પાસે કેટલાક ડેટા છે જેના આધારે અનામત જાળવી શકાય છે. તેમણે કહ્યું કે, માર્ચમાં ચૂંટણી યોજાવાની છે અને આયોગને ડેટા પહેલેથી જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ઉચ્ચ અદાલતે કમિશનને બે અઠવાડિયામાં રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવું જોઈએ જેથી કરીને અમે માર્ચમાં યોજાનારી ચૂંટણીઓ પર કામ શરૂ કરી શકીએ, નહિંતર સમુદાયનો એક મોટો વર્ગ પ્રતિનિધિત્વથી વંચિત રહી શકે છે તેવું જણાવ્યું હતું.