સમાજમાંથી આવતા કદાવર નેતાનું નામ ફાઈનલ થયાની પણ ચર્ચા: ચૂંટણી જાહેર થતા ઉમેદવાર ડીકલેર કરવાની સંભાવના

લોકસભાની ચુંટણીની તારીખોનું એલાન ગમે તે ઘડીએ ચુંટણીપંચ દ્વારા કરવામાં આવશે ત્યારે ભાજપનો ગઢ ગણાતી રાજકોટ લોકસભા બેઠક માટે કોંગ્રેસ ઓબીસી સમાજને ટીકીટ આપે તેવી પ્રબળ સંભાવના હાલ જણાઈ રહી છે. કોંગ્રેસના કદાવર નેતા અને હાલ સંગઠનમાં ઉચ્ચ હોદો પર જવાબદારી નિભાવી રહેલા એક નેતાનું નામ ફાઈનલ થયાની પણ ચર્ચા ચાલી રહી છે જોકે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસો બાકી હોય ત્યારે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવે તેવી શકયતા હાલ જણાઈ રહી છે.

રાજકોટ બેઠક ભાજપ માટે ગઢ માનવામાં આવી રહી છે જોકે ૨૦૦૯માં યોજાયેલી ચુંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. ૨૦૦૯માં કુંવરજીભાઈ બાવળીયા લોકસભા બેઠક પરથી વિજેતા બન્યા હતા. આ વખતે લોકસભાની ચુંટણીમાં ભાજપ પોતાના સિટીંગ સાંસદ મોહનભાઈ કુંડારીયાને રીપીટ કરે તેવું લાગી રહ્યું છે બીજી તરફ રાજકોટ બેઠક માટે કોંગ્રેસે ઓબીસી સમાજને ટિકિટ આપવાનું મન બનાવી લીધું છે.

તાજેતરમાં ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડનાર અને હાલ સંગઠનમાં ઉચ્ચ હોદા પર જવાબદારી નિભાવી રહેલા ઓબીસી સમાજના કદાવર નેતાનું નામ કોંગ્રેસે રાજકોટ બેઠક માટે ફાઈનલ કરી દીધું છે જોકે આ નામ હાલ જાહેર કરવામાં આવશે નહીં. ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસોમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરે તેવી સંભાવના જણાઈ રહી છે.

સામાન્ય રીતે લોકસભાની છેલ્લી બે ચુંટણીથી રાજકોટ બેઠક પર ભાજપ કડવા પટેલ સમાજને ટિકિટ આપે છે તો કોંગ્રેસ કોળી સમાજને ટિકિટ આપે છે. આ વખતે ભાજપ કડવા પટેલ સમાજને ટિકિટ આપે તે વાત લગભગ ફાઈનલ મનાઈ રહી છે. સામાપક્ષે કોંગ્રેસ ઓબીસી સમાજને મેદાનમાં ઉતારી રાજકોટ બેઠક ફરી જીતવાનો પ્રયાસ કરશે તેવું મનાઈ રહ્યું છે.

બીજી તરફ ભાજપમાં પણ એવી વાતો ચાલી રહી છે કે જો પોરબંદર બેઠક પરથી કડવા પટેલ સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવે તો રાજકોટ બેઠક ભાજપ લેઉવા પટેલ સમાજના ઉમેદવારને ટીકીટ આપી શકે છે. આ માટે ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગજેરાનું નામ પણ હાલ ચર્ચામાં હોવાનું મનાઈ રહ્યું છે. એક વાત નિશ્ચિત છેકે કોંગ્રેસે આ વખતે રાજકોટ બેઠક પરથી ઓબીસી ઉમેદવારને મેદાનમાં ઉતારવાનું મન બનાવી લીધું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.