અબતક,રાજકોટ
પૂ. સંતશ્રી મોરારીબાપુના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી તથા ખ્યાતનામ લોકગાયક, સાહિત્ય-લોકસાહિત્યના અભ્યાસુ અભેસિંહ રાઠોડે સાદર દર્શન-વંદન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યાં હતાં. પૂ. બાપુની લાગણી બદલ પિનાકી મેઘાણી અને અભેસિંહ રાઠોડે હ્રદયથી આભાર માન્યો હતો.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત એમની જન્મભૂમિ ચોટીલા (જિ. સુરેન્દ્રનગર) ખાતે 5000 ચો.મી. વિશાળ સંકુલમાં ભવ્ય મ્યૂઝિયમનું નિર્માણ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રહ્યું છે તે વિશે જાણી તેમજ વિસ્તૃત માહિતી મેળવીને પૂ. બાપુએ રાજીપો વ્યક્ત કર્યો હતો.
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લિ. દ્વારા ઝવેરચંદ મેઘાણી ટુરિઝમ સર્કિટ હેઠળ બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નં 8 (સદર સ્થિત તે સમયની આ તાલુકા શાળામાંથી 1901માં ઝવેરચંદ મેઘાણીએ શાળા-શિક્ષણનો આરંભ કર્યો હતો) તથા શૌર્યભૂમિ ધંધુકા (જિ. અમદાવાદ) સ્થિત જિલ્લા પંચાયતના રેસ્ટ-હાઉસ (આઝાદીની લડત વેળાએ 28 એપ્રિલ 1930ના રોજ રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદ મેઘાણીને તે સમયના આ ડાક-બંગલા ખાતે વિશેષ અદાલતમાં રજૂ કરાયા અને સિંધુડોમાંથી પોતાનું સ્વર્ચિત શૌર્યગીત છેલ્લી પ્રાર્થના ધીરગંભીર કંઠે રજૂ કર્યું ત્યારે મેજિસ્ટ્રેટ ઈસાણી સમેત ત્યાં ઉપસ્થિત વિશાળ માનવ-મેદની સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી)ને પણ સ્મૃતિ તેમજ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે તે બદલ પણ આનંદ વ્યક્ત કર્યો હતો.
2015માં પૂ. મોરારીબાપુએ ચોટીલા સ્થિત ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળની મુલાકાતે પધારીને આશીર્વાદ આપ્યા હતા.