હાલ રાજયમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનમાં અચાનક વધારાને કારણે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ઋતુચક્રમાં થયેલા આ ફેરફારને કારણે રોગચાળો વકરી રહ્યો છે. લોકો વાયરલ ઈન્ફેક્શનની ઝપેટમાં આવી રહ્યા છે. જેને આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. ત્યારે જામનગરની GG હોસ્પિટલમાં1-1 બેડ પર બબ્બે બાળકો જોવા મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરની જી.જી. હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહથી બેવડી ઋતુના કારણે બાળકો વાયરલ ઇન્ફેકશનનો ભોગ બન્યા છે. ચિલ્ડ્રન વોર્ડ બાળ દર્દીઓથી ઉભરાવા માંડતા આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે.
બેવડી ઋતુની સૌથી વધુ વિપરીત અસર બાળકોમાં જોવા મળી છે. જી.જી. હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં અત્યારે ક્ષમતા કરતા પણ વધુ 350 જેટલા બાળ દર્દીઓ દાખલ છે એક બેડ પર બે બાળકો જોવા મળી રહ્યા છે.
ડોક્ટરો પણ આ પરિસ્થિતિના કારણે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. પલંગો ખુટી પડ્યા છે. એક પલંગ પર બેથી ત્રણ બાળકોને સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. હવે સ્પેશિયલ રૂમ ચાલુ કરવામાં આવી રહ્યો છે. પિડીયાટ્રીક ડો. ભદ્રેશ વ્યાસે જણાવ્યું હતું કે, બાળ દર્દીઓની સંખ્યામા ભારે વધારો જોવા મળ્યો છે.