એક વહાલા વીરાને અને બીજી બહેનો રક્ષા બાંધજો એક વહાલા વતનને !

તુમ રામ-લછમન જૈસે, પ્યારે હમારે ભૈયા જુગજુગ જિયો તુમ, પ્યારે હમારે ભૈયા… બહેન અને બંધુને હૈયાના હેત પૂર્વક અનુબંધિત કરતા રક્ષાબંધનનાં ચિરંજીવ પર્વ આડે હવે ગણતરીનાં કલાકો: દૂર દૂર વસતા ભાઈ બહેનના હૃદય-મનને ગદ્ગદ્ સંયોજતો અનુપમ તહેવાર

અબોલાને બોલતા કરી દે અને રંકને રાય કરી દે એવી અતૂટ લોહીની સગાઈ સદા સર્વદા સજીવન અને સ્નેહસભર રાખવાની સર્જનહારને પ્રાર્થના: વહાલા વતનને નંદનવન સમો રાખવાની અને બંધુના પ્રત્યેક પગલે સુખ-સંતોષના સાથિયા પૂરાતા રહે એવી અભિલાષા…

આપણે ત્યાં મનુ ભગવાને મૂળભૂત રીતે ચાર વર્ણની પ્રસ્થાપના કરી છે, જે સૈકાઓથી-યુગોથી ચાલી આવી છે. આ ચાર વર્ણમાં એક બ્રાહ્મણ, બીજો ક્ષત્રિય, ત્રીજો વૈશ્ય અને ચોથો શૂદ્ર છે.

આ ચારેય વર્ણ માટે ખાસ તહેવારો નિશ્ર્ચિત કર્યા છે. બ્રાહ્મણો માટે બળેવ, ક્ષત્રિયો માટે વિજયાદશમી (દશેરા), વૈશ્યો માટે દીવાળી-ચોપડાપૂજન કે શારદાપૂજન, અને શૂદ્રો માટે ધૂળેટી છે.

શ્રાવણ મહિનામાં આવતા બળેવના દિવસે યજ્ઞોપવિત બદલવાની અને રક્ષાબંધન રાખડી બાંધવાની પ્રક્રિયાઓ શાસ્ત્રોકત વિધિવિધાનપૂર્વક અને શુકન-શુભ સમય વખતે કરવામાં આવે છે.

રક્ષાબંધનનો તહેવાર બંધુ-ભગિનીકે ભાઈ બહેન વચ્ચેની લાગણી અને હેતપ્રેમને અતૂટ તાંતણે અનુબંધિત કરતો તહેવાર છે.

રક્ષાબંધનને અર્થાત રાખડી બાંધવાને શુભદિને બહેનો તેમના બંધુઓનાં હાથે લાગણી તેમજ સ્નેહપૂર્વક ‘રક્ષા’ બાંધે છે.

રક્ષા દ્વારા બેન ભાઈના દીધાર્યું માટે અને સુખસંપત્તિ માટે પોતાના આરાધ્યદેવની સાક્ષીએ પ્રાર્થના કરે છે, અને ભાઈ પોતાની રક્ષા બાંધતી બેનને પોતાની શકિત અનુસાર સ્મૃતિભેટ આપીને તેનો ઋણ સ્વીકાર કરે છે. બહેને ભાઈના હાથે બાંધેલી રાખડી દ્વારા ભાઈને દિવ્યોત્તમ તેજસ્વિતા બક્ષે છે. અને એને ઈચ્છિત સામર્થ્ય આપતા રહેવાનું મનોમન વચન આપે છે!… આ પ્રથા છેક મહાભારતનાં દેશકાળથી ચાલી આવે છે

એવી કથા પ્રચલિત છે કે, કૌરવો-પાંડવો વચ્ચેના મહાયુધ્ધ વખતે અર્જૂનને રણમેદાનમાં વ્યૂહાત્મક રીતે ‘અન્યત્ર રોકી રાખીને કૌરવ સેનાપતિ જયદ્રથે ‘કોઠાયુધ્ધ’ જાહેર કર્યું હતું. સાત કોઠાના આ યુધ્ધને પાર કરીને જ લક્ષ્યને પહોચી લઈ શકાય એવો ઘાટ હતો. પાંડવસેનામાં કોઠાયુધ્ધને જીતી લઈ શકવાની નીપૂણતા અર્જૂન પાસે જ હતી.

અર્જૂનના બહાદૂર પુત્ર અભિમન્યુએ તેની માતા સુભાદ્રાના ગર્ભમાં તે હતો તે વખતે ૬ કોઠા સુધી લડવાની અને જીતવાની પારંગતતા તેણે મેળવી હતી. પરંતુ એ પૂર્ણ નહોતી.

અભિમન્યુને જ કોઠાયુધ્ધમાં લડવાની ફરજ પડી ત્યારે માતા કુંતીએ એને યુધ્ધમાં ટકી રહેવામાટેના આશીર્વાદ આપતી રાખડી તેના હાથમાં બાંધી હતી.

તે વખતનું કાવ્યાત્મક વર્ણન આ પ્રમાણે હતુ…

‘કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…’

તેણે પહેલા કોઠાથી સાત કોઠા સુધી જુદા જુદા દેવોને રાખડીની ગાંઠમાં બાંધ્યા હતા. આમ રાખડી પ્રથા છેક મહાભારતનાં દેશકાળ વખતની હોવાનો ખ્યાલ ઉપસે છે.

આપણા ભરતખંડની તવારિખ દર્શાવે છે કે, દ્રૌપદીએ શ્રી કૃષ્ણના ઈજાગ્રસ્ત બનેલા હાથ ઉપર તેની સાડી કે ઓઢણીની કોર ફાડી નાખીને તે શ્રી કૃષ્ણના હાથ ઉપર બાંધી દીધી હતી અને તેણે રાખડીની ગરજ સારી હતી.

એ પચી જૂનાગઢના રા’નવઘણે બેન જાસલ પાસે રાખડી બંધાવી હતી. કરાચીનાં સુમરાએ જાસલનું અપહરણ કર્યું અને સિંધ લઈ જતો હતો ત્યારે તેને એ વાતની જાણ થતાં જ તે મારતે ઘોડે તેની પાછળ ગયો હતો અને જાસલને વીરતાપૂર્વક છોડાવીને બેનની રાખડીનું ઋણ વાળ્યું હતુ.

રાખડીબાંધીને તેનું તપ બતાવી આપનાર બહાદૂર બેનડીઓની સાક્ષી આપણી ભૂમિ છે જ…

અત્યારે પણ રાખડી બાંધવાની તથા રક્ષાબંધનની પ્રથા આપણી સમાજ વ્યવસ્થામાં મોજૂદ છે. દેશવિદેશ સુધી રાખડી-રક્ષાબંધનનાં તપનું આદાનપ્રદાન ચાલુ રહ્યા છે. લોહીની સગાઈ હોય કે એવી સગાઈ સુધીની પ્રગાઢતા હોય રક્ષાબંધન-પ્રથા યથાવત રહી છે.

કેદીઓને પણ બહેનો રક્ષા બાંધે છે અને તેમનું શુભ ઈચ્છે છે. કેદીઓની માનસિકતા આને લીધે બદલતી હોવાના ઉદાહરણો પણ સાંપડે છે. રાખડીઓ-રક્ષાબંધનનું હેતભીનું આદાનપ્રદાન એટલું બધું લીલુંછમ અને અતૂટ સ્વરૂપનું બન્યું છેકે એમાં અવનવી રાખડીઓનો ઉપયોગ થવા લાગ્યો છે. આ વ્યવહાર છેક સોના-ચાંદી અને અન્ય મૂલ્યવાન ચીજ વસ્તુઓની ભેટ સુધી પહોચ્યો છે.

કેટલાક કિસ્સાઓ તો એવા પણ પ્રકાશમાં આવ્યા છે કે સુખી ભાઈઓએ બેનોને ‘નિવાસ’ અર્પણ કર્યા છે.

એક અંદાજ મુજબ રાખડીઓનું ઉત્પાદન કરતા વેપારીઓ બારેમાસ કરે છે. હવે તો મંદિરો-ધર્માલયોમાં ‘રક્ષાદોરી’ પ્રદાન કરવાનો નવોચીલો પણ અસ્તિત્વમાં આવ્યો છે અને તેમાં હજારો રક્ષાદોરીઓનું આદાન પ્રદાન થાય છે.

એવા નિર્દેશ પણ સાંપડે છે કે, વિવિધ રાખડીઓનું ધૂમ વેચાણ થાય છે. રાખડીઓ ખરીદવા બહેનોની લાઈનો પણ લાગે છે.

આપણે ઈચ્છીએ કે, રાખડીઓનાં માધ્યમ દ્વારા ભાઈ-બેનો વચ્ચેનાં હેતપ્રેમ ખૂબ ખૂબ વધે અને તેનો વ્યાપ આખા સમાજ તેમજ દેશ સુધી વધવાની સાથે અત્યારે રાજનેતાઓ-રાજકર્તાઓનાં પાપે આપણા દેશમાં છિન્નભિન્ન થતી ગયેલી એકતા તેમજ સંસ્કૃતી પર મજબૂત બ્રેક લાગે

આમ પણ એક વાત નિશ્ર્ચિત છે કે, બાલ ગંગાધર તિલક ‘ગણપતિ’ના માધ્યમ દ્વારા સમગ્ર રાષ્ટ્રને એકતાના તાંતણે બાંધી શકયા હતા, એ રીતે રક્ષાબંધન સાંસ્કૃતિક -સામાજીક આદાનપ્રદાન દ્વારા જ રાષ્ટ્રીય એકતા સાથી શકશે!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.