રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં સતત મેઘ મહેર ચાલુ છે જેના કારણે શહેરની જળ જરૂરિયાત સંતોષતા જળાશયોમાં પાણીની માતબર આવક થઇ રહી છે. આજે ડેમમાં નવુ અડધો ફૂટ પાણી આવતા ન્યારી ધીમેધીમે ન્યાલ થઇ રહ્યો છે.
ન્યૂ રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા ન્યારી-1 ડેમની ઊંડાઇ 25.10 ફૂટની છે અને ડેમમાં 1248 એમસીએફટી પાણી સંગ્રહિત છે. છેલ્લા ચારેક દિવસથી ડેમમાં પાણીની નવી આવક શરૂ થતાં હાલ ડેમનું લેવલ 17.55 ફૂટે પહોંચી જવા પામ્યું છે અને 617 એમસીએફટી પાણી સંગ્રહિત છે. દૈનિક જરૂરીયાત મુજબ ડેમમાંથી રોજ જેટલું પાણી ઉપાડવામાં આવે છે. તે હિસાબે ગણતરી કરવામાં આવે તો ન્યારી ડેમ દિવાળી સુધી સાથ નિભાવે તેટલું પાણી ડેમમાં સંગ્રહિત થઇ ગયું છે. વિશાળ જળ રાશિને નિહાળવા માટે રાજકોટવાસીઓ ન્યારી ડેમ ખાતે ઉમટી રહ્યા છે.