સંત રવિદાસ મહારાજની જન્મજયંતીએ વારાણસીમાં તેમની જન્મભૂમિ ખાતે રાજકીય નેતાઓ સેવા કરવા પહોંચ્યા
ચુંટણીના દિવસો જેમ નજીક આવે છે. તેમ નેતાઓ પ્રજાની વધુ નજીક જતા દેખાય છે. આવી જ રીતે મોદી બાદ રાહુલ અને પ્રિયંકાએ એક સમુદાયની નજીક જવા માટે લંગરમાં સેવા આપી હતી. હવે આ લંગરનો પ્રસાદ તેમને ફળશે કે કેમ તે ચૂંટણીના પરિણામ જ બતાવશે.
સંત ગુરુ રવિદાસની જન્મજયંતીની ગઈકાલે ઉજવણી કરવામાં આવી હતી. વારાણસીના શિરગોવર્ધનપુર ખાતે સંત રવિદાસ મહારાજની જન્મભૂમિ પર રાજકીય દિગ્ગજો પહોંચી ગયા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ રવિદાસ મંદિરે પહોંચ્યાં હતાં. રાહુલ અને પ્રિયંકાએ માથું ટેકવ્યું હતું. રાહુલ ગાંધીએ પ્રસાદ પણ વહેંચ્યો હતો.આ પહેલા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના કરોલ બાગ સ્થિત ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે ભક્તો સાથે વાર્તાલાપ પણ કર્યો અને મંદિરમાં ‘શબદ કીર્તન’માં ભાગ લીધો.
તે દિવસે પંજાબના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગુરુ રવિદાસના જન્મસ્થળ સીર ગોવર્ધનપુરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતના ચૂંટણી પંચએ ગુરુ રવિદાસ જન્મજયંતિને ધ્યાનમાં રાખીને પંજાબ વિધાનસભાની ચૂંટણી સ્થગિત કરી દીધી હતી. 14 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીને 20 ફેબ્રુઆરીએ ખસેડવામાં આવી હતી.