રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલના ભુલકાઓ માટે ‘મેઇક એન્ડ ઇટ’ કાર્યક્રમ સંપન્ન
રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને અભ્યાસ ઉપરાંત વ્યવહારિક જ્ઞાન આપવા માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં પ્રિ-પ્રાયમરી સેક્શનના બાળકો માટે મેઈક એન્ડ ઇટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભુલકાઓએ ખુબ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ અંગે રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજીંગ ડિરેકટર જયભાઈ મહેતા અને શ્રીકાન્ત તન્નાએ જણાવ્યું કે બાળકો અભ્યાસ માત્ર વર્ગમાં જ કરી શકે તેવું નથી, વર્ગખંડની બહાર પણ જ્ઞાન મેળવી શકાય છે અને તે જરૂરી પણ છે. બાળકોને નાની ઉંમરથી જ કોઈપણ કાર્ય અંગે વ્યવહારિક સમજ અને જ્ઞાન આપવમાં આવે તો તે સ્વનિર્ભર બની શકે છે. આ મેઈક એન્ડ ઇટ કાર્યક્રમનો હેતુ બાળકો રસોડામાં વપરાતી સામગ્રીને ઓળખે, તેની માતા દ્વારા પ્રેમથી ઘરે બનાવેલા નાશ્તા કે ભોજનની પૌષ્ટીકતા અને તેમની મહેનતની કદર કરતા શીખે તેમજ અન્નનો બગાડ ન કરવાની સમજ કેળવે તેવો હતો.
આ કાર્યક્રમમાં બાળકોને કોર્ન ચટપટા બનાવતા શીખવાડવામાં આવ્યું હતું. શિક્ષકોએ બાળકોને પોતાની જાતેજ દરેક સામગ્રી ઉમેરી, તેમાં જોઇતા મસાલા ઉમેરીને વાનગી બનાવતા શીખવ્યું હતું. બાળકોએ પણ જાતે જ બનાવેલી આ કોર્ન ચાટનો અનોખો આસ્વાદ માણ્યો હતો. કોઈ પણ વાનગી સાધારણ હોય શકે છે. પણ જયારે તે વાનગી માત્ર 3 થી 5 વર્ષનું બાળક પોતાના મિત્રો સાથે મળીને સ્વયં બનાવે ત્યારે તેનો સ્વાદ કંઈક અલગ જ અનુભૂતિ આપનારો હોય છે.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે રાજકોટ ઈન્ટરનેશનલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જયભાઇ મહેતા અને શ્રીકાન્ત તન્નાના માર્ગદર્શનમાં પ્રિ-પ્રાયમરી સેક્શનના શિક્ષકો એ જહેમત ઉઠાવી હતી.