“લેડી વિથ ધ લેમ્પ” તરીકે ઓળખાતા ફ્લોરેન્સ નાઇન્ટીગેલના જન્મદિવસ 12મી મે ને સમગ્ર વિશ્વમાં “આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. હાલની કોરોના મહામારીમાં રાજ્યભરના નર્સીઝ “ફરજ એ જ પરમ ધર્મ” સમજીને પોતાનું મહામુલુ યોગદાન આપી રહ્યા છે. અને કોરોના સામેના યુદ્ધમાં જોશભેર લડત આપી રહ્યા છે.
કેન્સર હોસ્પિટલ ખાતે કાર્યરત કરાયેલા ડેડીકેટેડ કોવીડ હેલ્થ કેર યુનિટના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. અંજનાબેન ત્રિવેદી અને નોડલ ઓફિસર ડોક્ટર ઇલિયાસ જુનેજાએ આ અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે બસ્સો બેડની હોસ્પિટલમાં નર્સિંગ વિભાગના 35 વિદ્યાર્થીઓ તથા અન્ય 20 નર્સો ફરજો બજાવી રહ્યા છે જેનાથી અમને કોવિડના દર્દીઓની સારવાર કરવામાં ખૂબ મહત્વનું યોગદાન મળી રહે છે.
નર્સિંગ વિભાગના હેડ નીતાબેન પટેલે કહ્યું હતું કે ગામડાઓમાં બેડની સંખ્યા વધવાથી આ સેન્ટર ખાતે અત્યારે કોરોનાના દર્દીઓનો ધસારો ઓછો રહે છે, તેમ છતાં અમારી નર્સો સંપૂર્ણ સમર્પણભાવે તેમની ફરજ બજાવે છે. અહીંના કોવીડ કેર સેન્ટર માટે રાજકોટ જિલ્લાના અન્ય તાલુકાઓના આરોગ્ય કેન્દ્રો, તથા પદ્મ કુવરબા હોસ્પિટલ, મેડીકલ કોલેજ વગેરેમાંથી નર્સોને ડેપ્યુટેશન પર નિમણૂક આપવામાં આવે છે. જે અહીંના દર્દીઓને પૂરતી તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવામાં ખૂબ મહત્વનું સાબિત થાય છે.
કેન્સર કોવીડ કેર સેન્ટર ખાતે કામ કરતા બિન્દુબેન નામના 57 વર્ષના મહિલા નર્સે તેમની વાત રજુ કરતાં જણાવ્યું હતું કે હું પદ્મ કુવરબા હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ છું પરંતુ અહીં કોરોનાના દર્દીઓની સેવા કરતાં મને જે આશીર્વાદ મળે છે, તે મને મારા માસિક પગાર કરતાં વધુ મીઠા લાગે છે. મારા સહિત મારા પતિ તથા દીકરીને અને કુટુંબના અન્ય સભ્યોને પણ કોરોના થયો હતો પરંતુ જરૂરી સારવાર લઈને હું તરત જ મારી ડ્યુટી ઉપર હાજર થઇ ગઈ છું. છેલ્લા દોઢ વર્ષથી એક પણ રજા લીધી નથી અને કોરોના દર્દીઓની સારવાર કરવામાં મને ખૂબ સંતોષ ની લાગણી અનુભવાય છે.