અર્લી ચાઈલ્ડ એજયુકેશન સિસ્ટમ સરકારી દાયરામાં લાવવાની તાતી જરૂર !!
પ્લે હાઉસ કે બાલમંદિર શરૂ કરવા માટે કોઈ મંજુરીની જરૂરિયાત જ નથી !! ગમે તે, ગમે ત્યારે, ગમે ત્યાં શરૂ કરે કોઈ વાંધો નહી !! ચાઈલ્ડ સાયકોલોજીટ્રેઈન્ડ સ્ટાફની આમાં જરૂર પડે પણ એક પણ પ્લે હાઉસમાં છે કે નહીં તે તપાસનો વિષય છે
વાલીએ જ સામે ચાલીને અઢી વર્ષનાં ટેણીયાને ૫૦૦ ગ્રામ સ્કુલ બેગ ટીંગાડીને પ્લે હાઉસ ધકેલે છે!!
સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત પ્રારંભિક બાળ સંભાળ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સીસ્ટમમાં ઘણુ કરવાનો સમય પાકી ગયો છે. નર્સરી, લોઅર કે.જી.કે હાયર કે.જી.જેવા રૂપકડા નામથી ચાલતા પ્લે હાઉસનાં ટબુકડા માટે કોઈ સિલેબસ સીસ્ટમ જ નથી !! જોકે આજે તો વાલીઓ જ સામે ચાલીને પોતાના અઢી કે ત્રણ વર્ષનાં ટેણીયાને ૫૦૦ ગ્રામની સ્કુલ બેગ ટીંગાડીને હોશભેર પ્લે હાઉસમાં ધકેલે છે. આવા પ્લેહાઉસ-બાલમંદિરમાં કોઈ ચાઈલ્ડ સાયકોલોજીના ટ્રેઈન્ડ સ્ટાફ પણ હોતા નથી તેના મનઘડત નીતિ નિયમો, સિલેબસથી આવા ‘રમત ઘરો’ ચાલતા હોય છે. અને સૌથી અચરજ પ્રમાણે એવી વાત તો એ છે કે આવા બાલમંદિરો કે પ્લે હાઉસ ખોલવા કોઈ સરકારી મંજુરીની જરૂર નથી. કોઈપણ ભણેલ હોય કે ના હોય તેવા ગમે તે ગમે ત્યારે ગમે ત્યાંથી આવા પ્લે હાઉસ ચાલુ કરી શકે છે. અમુક બાલમંદિરોતો નાનકડા મકાનનાં ફળિયા કે ઓસરીમાં પણ ચાલતા જોવા મળે છે.
ધો.૧ થી ૮ કે ૯ થી ૧૨ કે સળંગ એકમ ધો.૧ થી ૧૨ચાલતી શાળામાં બધે જ આવા પ્લે હાઉસ ૧૦૦% ચાલતા જ હોય છે. નર્સરીમાંથી લોઅર કે.જી.માંથી હાયર કે.જી.ને બાદમાં ૫ વર્ષ પૂર્ણ થતા જ ધો.૧માં પ્રવેશ આપે છે. આવી શાળા સંખ્યામાં મુશ્કેલી ના પડે એટલા માટે પણ આવી ત્રણ વર્ષની પોતિકી સીસ્ટમમાં બાળકને જોતરી ને ધો.૧ માટે તેની શાળાનું પાકકુ એડમીશન કરી લે છે.
ભારતનાં બંધારણમાં ૬ થી ૧૪ વર્ષનાં બાળકોને મફ્ત ફરજીયાત પ્રાથમિક શિક્ષણની જોગવાય છે તેથી જ ૫ વર્ષ પૂર્ણ કરનાર વય જુથના બાળકોને ધો.૧ માં પ્રવેશ મળે છે. તા.૧ લી જૂને જેને પાંચ વર્ષ પૂરા કર્યા હોય તેને જ ધો.૧માં પ્રવેશ આપવો તેવો સરકારી પરિપત્ર છે સરકારી શાળાતો આ નિયમને અનુસરે છે, શું ખાનગી શાળા આ નિયમ પાળતી હશે ?!
હાલમાં પ્લેહાઉસમાં અમુક ફ્રેન્ચાઈઝીસના સિધ્ધા માર્ગદર્શન તો કેટલાક પોતાના બનાવેલ ‘સિલેબસ’થી અર્લિચાઈલ્ડ એજયુકેશન સીસ્ટમા ચલાવી રહ્યા છે. ભારત સરકારની નવી શિક્ષણ નીતિ ૨૦૨૦માં પણ ૩ વર્ષથી ૫ વર્ષનાં ત્રણ તબકકાની નવી શિક્ષણ પ્રણાલીની જોગવાઈ કરાય છે. તેથી નવી શિક્ષણ નીતિ લાગુ પડશે ત્યારે તો તમામ પ્લે હાઉસ કે બાલ મંદિરો શિક્ષણદાયરામાં આવી જશે.પરંતુ વર્ષોથી ચાલતા આ પ્લેહાઉસો ખરા અર્થમા બાલમનોવિજ્ઞાન સીસ્ટમથી ચાલે છે ? એ પ્રશ્ર્ન વિકટ છે. દર માસે ચાર આંકડાની ફી તો સામાન્ય પ્લે હાઉસની છે. અને હા એ પણ અડધા સત્રની એક સાથે ભરવાની તો ખરી જ !! વાલીઓમાં આ કચવાટ છે કે આવડા ‘ટેણીયા, ની આવડી ફિ !! તમે શું શીખડાવશો !! પણ વાલીઓનો પણ વાંક છે જ, સરકારી આંગણવાડીમાં તો મફત ભણાવાય જ છે. ૩ વર્ષ નર્સરરી, ૪ વર્ષ એલ.કે.જી. તથા ૫ વર્ષ હાયર કે.જી. ની પ્રવેશ પાત્ર ઉંમર છે.
હવે વાત ‘ટેણીયા’ના અભ્યાસક્રમની !!
નર્સરીમાં મોટાભાગે મૌખિક ઉપર ભાર દેવાય છે. ૧ થી ૧૦, રાઈમ્સ, ફેમીલી વિશે, બોડીપાર્ટ, વેજીટેબલ, ફૂટ, ફૂલ, પ્રાણીઓ, ગીતો જેવું બેઝીક સાથે હિન્દી, ગુજરાતી, અંગ્રેજીનાં વિવિધ ગીતોનો સમાવેશ થાય છે. અંગ્રેજી-ગુજરાતી એમ અલગ અલગ પ્લે હાઉસ વિભાગ છે.
લોઅર કેજી-માં લખવા પર ભાર સાથે ૧ થી ૧૦ સાથે વિવિધ પ્બલીક પોઈન્ટ જેમકે બસ સ્ટેન્ડ, ગાર્ડન વિગેરેની સમજ, વિવિધ પ્રકૃતિ સાથે તે શીખતો થાય તેવો અભ્યાસક્રમ ચાલે છે. એબીસીડી ૧-૨ શબ્દો.
હાયર કેજી-માં સરવાળા-ગુણાકાર-બાદબાકી, ભાગાકાર સાથે એબીસીડી, કકો, બારાક્ષરી, છોડ-થડ, પાન, ઋતુચક્ર ઓરલ ૧ થી ૧૦ સાથે શબ્દમાંથી ત્રણ ભાષા ગુજરાતી, અંગ્રેજી, હિન્દીની સમજ જેવા સિલેબસ ચલાવાય છે. અહિ ધો.૧ માટે બાળકને તૈયાર કરવા માટે કાળજી લેવાય છે.
સરકારી આંગણવાડી
બાળકનાં પ્રારંભિક જીવનનાં ૬ વર્ષમાં વૃધ્ધી-વિકાસ સૌથી ઝડપી થતો હોય છે. તેમના સર્વાંગી વિકાસ માટે ગુજરાત રાજયમાં મળતા આંકડા મુજબ અંદાજે ત્રેપન હજાર જેટલી આંગણવાડીમાં ૦ થી૬ વર્ષનાં ૪૨.૭૪ લાખ બાળકોને આવરી લેવાયા છે. જેમાં ૩ થી ૬ વર્ષનાં ૧૫ લાખથી વધારે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો લાભ લઈ રહ્યા છે. આ માટે સરકારશ્રી તરફથી પ્રારંભીક બાળ સંભાળ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આંગણવાડી ટીચર માટે પણ ૩૬૫ દિવસની વિવિધ પ્રવૃત્તિઓ સાથેની શ્રેષ્ઠ બુકલેટ અપાય છે. આ અભ્યાસક્રમાં નિષ્ણાંતો-ચાઈલ્ડ સાયકોલોજીસ્ટ, યુનિસેફ જેવાના સહયોગથી તૈયાર કરાયો છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓનું પણ માર્ગદર્શન મળેલ છે.
માતા પિતાને અર્પણ
નાના બાળકોનાં જીવનમાં માતા-પિતાનો બહુ મહત્વનો અને જરૂરી ફાળો છે. બાળકોનાં ઉત્તમ અને સર્વાંગી વિકાસ માટે માતા-પિતાને તેમના વિકાસ અને પ્રોત્સાહનનું જ્ઞાન હોવું જરૂરી છે. બાળકોને જીવવાનો, રક્ષણનો, વિકાસનો, ભાગ લેવાનો અધિકાર છે. બાળકનાં વિકાસના પાસામાં શારીરીક, બૌધ્ધિક, ભાષાકિય, સામાજીક, ભાવનાત્મક, રચનાત્મક તથા શીખવાનો અભિગમ છે. બાળકોને પ્રત્યક્ષ અનુભવોની જરૂર હોય છે, વિવિધ ક્રિયાઓ વિશે સમજૂતિ જોઈએ જેમાં સંબંધ, તાર્કિક સમજણ-સાંભળવું-વસ્તુક્રિયા લોકોના નામ જાણવા, પુસ્તકો જોવા, વાંચવા, ચર્ચા કરવાની સાથે પોતાની લાગણી માંગણી સમજી શકે તેવાની જરૂર હોય છે. સૌથી અગત્યની વાત બાળકોને વાતાવરણ જાણવાનું, અનુભવવાનું ગમે છે. તેઓ જિજ્ઞાસુ હોય છે, કલ્પના કરે છે, નવુ સર્જન કરે છે. અને કાર્યમાં પહેલ કરે છે. તેને લખવાના સાધનોનો ઉપયોગ કરવો બહુ ગમે છે. દરેક મા-બાપે બાળકને રમત રમાડો, વાર્તા કહો, રંગકામ-ચિટકકામ-માટીકામ-કાતરકામ કરાવો, બહાર ફરવા લઈ જાવ, તહેવારોની ઉજવણી કરો. બાળક સાંભળીને જેટલુ શીખે છે તેના કરતાં ઘણુ વધારે જોઈને શીખી જાય છે.