રાજકોટમાં આ વર્ષે ૧,૧૧,૧૧૧ રૂદ્રાક્ષમાંથી વિશાળ શિવલિંગનું નિર્માણ, ૩૦ થી વધુ શણગાર દ્વારા ૩૫ જેટલી ધૂન મંડળની બહેનો દ્વારા નયનરમ્ય શણગાર થશે
ભારતીય સંસ્કૃતિમાં ધર્મક્ષેત્રે શ્રાવણ માસને પવિત્ર માસ માનીને ભકિત કરવામાં આવે છે. સદા શિવ ભગવાન શંકર હિમાલયમાંથી પ્રસ્થાન કરીને ભકતોનાં કલ્યાણ માટે ધર્મ પ્રત્યે આસ્થા ધરાવનારે પ્રસન્ન થઈને મનોકામનાં પરીપૂર્ણ કરે છે તેવી માન્યતા છે. પવિત્ર શ્રાવણ માસમાં બોલબાલા ધામ ખાતે પરંપરાગત રીતે ભગવાન આશુતોષ ભોળા શંકરની આરાધના દિવ્ય વાતાવરણ વચ્ચે ભાવિક સમુદાયની વિશાળ હાજરી સાથે મહાદેવજીનાં નિત્ય નવા અનોખા શણગારની ઝાંખી કરાવવામાં આવે છે. જેમાં રૂદ્રાક્ષનાં શિવલિંગ, મોતીનાં શિવલિંગ વગેરે કલાત્મક રીતે તૈયાર કરેલા શિવલિંગ તેમજ ચિરોડી કલરમાંથી નિર્માણ કરેલી આબેહુબ શિવજીની ડમરૂ સાથેની પ્રતિમા વગેરે ભાત-ભાતનાં અનોખા શણગારનાં દર્શન કરાવવામાં આવનાર છે.
શ્રાવણ માસનાં પ્રથમ દિને બોલબાલા મંદિર, લક્ષ્મીવાડી ખાતે રાજકોટમાં આ વખતે ૧,૧૧,૧૧૧ રૂદ્રાક્ષનાં પારામાંથી રૂદ્રેશ્ર્વર મહાદેવજીનાં વિશાળ શિવલિંગનું નિર્માણ, શંખનાં શિવલિંગ તથા બીજા સોમવારે કરવામાં આવનાર છે. જે મહિલા ધૂન મંડળની ૩૦ જેટલી બહેનો તથા સિનિયર સીટીઝનો તેમજ કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી છે. તેમજ ૫૦૦ જેટલા વિવિધ નિત્ય શણગાર માટે આકર્ષક, નયનરમ્ય દર્શન માટે જહેમત ઉઠાવાઈ રહી છે. ૧૫*૧૫ ફુટની ત્રિજયામાં શિવલિંગજીનાં નિર્માણ ફરતે આબેહુબ મનોહર દ્રશ્યનાં દર્શન માટે મહાદેવજી મંદિરે તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. આ માસ દરમ્યાન વારંવાર બ્રહ્મ ભોજન, રાખડી વિતરણ, રક્ષા પોટલી, શિવ મહિમા કોષ્ટકનું વિતરણ, મહામૃત્યુંજય યંત્રનું વિતરણ, રૂદ્રાક્ષ તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભગવાન શિવજીનાં અનેક રૂપનાં દર્શનનો લાભ લેવા બોલબાલા ધામ, ૯/૧૮-લક્ષ્મીવાડી ખાતે સાંજે ૪ થી રાત્રીનાં ૧૦ સુધી પધારવા માટે ટ્રસ્ટ પ્રમુખ જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય અશોકભાઈ દવે, મંજુબેન પટેલ, નિતીનભાઈ ભગદેવ, જયેશ ઉપાધ્યાય, સુનીલભાઈ, સુજાતાબેન, ભીખાભાઈ દવે, વિનોદભાઈ કોઠારી દ્વારા અનુરોધ કરાયો છે.