- 14 વર્ષથી વધુ જેલવાસ ભોગવી ચૂકેલા કેદીઓને સીઆરપીસીની કલમ 432-એ હેઠળ આપવામાં આવે છે જેલમુક્તિ
રાજકોટ મધ્યસ્થ જેલમાં સારી ચાલ-ચલગતવાળા કેદીઓની સંખ્યામાં વધારો થયો હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે.છેલ્લા 6 માસમાં મધ્યસ્થ જેલ તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જેલમુક્તિ માટે બનેલી કમિટીમાં કુલ 72 જેટલા બંદીવાનોને જેલમુક્તિ આપવા દરખાસ્ત મુકવામાં આવી છે. જે પૈકી આશરે 12 જેટલાં કેદીઓને હાલ સુધીમાં જેલમુક્તિ મળી ચુકી છે.
રાજકોટ મધ્યસ્થ જેલ તંત્ર દ્વારા ’અબતક’ને આપવામાં આવેલી વિગતો મુજબ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતાં કેદીઓ રેમિશન પોલિસી હેઠળ સીઆરપીસીની કલમ 432-એ હેઠળ સારી ચાલ-ચલગતના આધારે જેલમુક્તિ મેળવવાને પાત્ર હોય છે. ત્યારે છેલ્લા 6 માસમાં જેલ તંત્ર દ્વારા આશરે 72 જેટલાં આજીવન કેદની સજા પામનાર કેદીઓની જેલમુક્તિ માટે દરખાસ્ત કરવામાં આવી છે.
સામાન્ય રીતે હત્યા, દુષ્કર્મ, ઘરેલુ હિંસામાં મોત સહિતના ગુન્હામાં આજીવન કેદ પામનાર કેદીઓ જયારે ઓછામાં ઓછી 14 વર્ષની કોરી સજા ભોગવે ત્યારબાદ તેઓ જેલમુક્તિ માટે પાત્રતા હાંસલ કરતા હોય છે. તેમાં પણ ખાસ તો જેલકાળ દરમિયાન બંદીવાનોની સારી ચાલ-ચલગત, વર્તણુક, અન્ય કોઈ ગુન્હામાં કોઈ સંડોવણી નહિ હોવા સહીતના પાસાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. આ તમામ બાબતોમાં બંધબેસતા કેદીઓની દરખાસ્ત જેલ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવે છે. જે બાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બનેલી જેલમુક્તિની કમિટી સમક્ષ આ દરખાસ્ત મુકવામાં આવે છે.
જિલ્લા કલેક્ટરની મંજુરી બાદ દરખાસ્ત રાજ્ય જેલ વડાને મોકલવામાં આવે છે. જેલ વડા આ દરખાસ્ત મંજુર કરે તો અંતે રાજ્ય સરકારને આ દરખાસ્ત મોકલવામાં આવે છે અને ત્યારબાદ રાજ્ય સરકાર આ સમગ્ર દરખાસ્તની બારીકાઇપૂર્વક સમીક્ષા કરીને આદેશ જાહેર કરતી હોય છે.
સામાન્ય રીતે આ દરખાસ્તમાં દર્શાવાયેલા બંદીવાનો પૈકી આશરે 40% જેટલાં કેદીઓની જેલમુક્તિ મંજુર કરવામાં આવે છે જયારે અન્ય કેદીઓ ઉપરોક્ત પાસાઓમાં બંધબેસતા ન હોય તેમની જેલમુક્તિને દરખાસ્તને ફગાવી દેવામાં આવતી હોય છે.
આચારસંહિતા પૂર્વે 60 જેટલાં બંદીવાનોની જેલમુક્તિ મામલે લઇ લેવાશે નિર્ણય
રાજકોટ મધ્યસ્થ જેલ તંત્ર દ્વારા આજીવન કેદની સજા ભોગવતાં આશરે 72 જેટલાં કેદીઓની જેલમુક્તિ માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જે પૈકી 12 જેટલાં કેદીઓને જેલમુક્તિ મળી ચુકી છે. જયારે અન્ય 60 જેટલાં કેદીઓની જેલમુક્તિનો નિર્ણય હાલ પેન્ડિંગ છે. ત્યારે સંભવત: લોકસભા ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ આ તમામ કેદીઓની જેલમુક્તિ અંગે નિર્ણય લઇ લેવામાં આવશે. હાલ આ દરખાસ્ત સંદર્ભે અંતિમ નિર્ણય રાજ્ય સરકારે લેવાનો છે.\
જેલમુક્તિ મેળવવા માટેના માપદંડ શું?
આજીવન કેદના બંદીવાનો જ જેલમુક્તિ મેળવવાને પાત્ર હોય છે. નામદાર કોર્ટે સજા ફરમાવ્યા બાદ 14 વર્ષની કોરી કેદ કાપનાર, જેલકાળ દરમિયાન બંદીવાનોની સારી ચાલ-ચલગત, વર્તણુક, અન્ય કોઈ ગુન્હામાં કોઈ સંડોવણી, પેરોલજમ્પ છે કે કેમ? સહીતના પાસાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. જો આ તમામ પાસાઓમાં બંદીવાન બંધબેસે તો અને તો જ તેમને જેલમુક્તિ આપવામાં આવે છે.