વાંધા અરજીઓના ઝડપી નિકાલ માટે જુનિયર કલાર્ક કેડરના ૧૮ કર્મચારીઓને કામગીરી સોંપાઈ
ચાલુ નાણાકીય વર્ષથી મહાપાલિકા દ્વારા મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિની અમલવારી શરૂ કરવામાં આવી છે. સવા લાખથી વધુ મિલકતોનું લીંકઅપ ન થવાના કારણે હાલ હજારો કરદાતાઓ વેરા વળતર યોજનાથી વંચિત રહ્યા છે. બીજી તરફ કાર્પેટ એરિયાની આકારણીમાં અનેક ક્ષતિઓ હોવાના કારણે કરદાતાઓ ધડાધડ વાંધા અરજીઓ કરી રહ્યા છે. વાંધા અરજીઓનો આંક આજે ૫૫૦૦ને પાર પહોંચી ગયો હતો. બીજી તરફ ટેકસની આવકમાં તોતીંગ ગાબડુ પડે તેવી દહેશતના કારણે ટેકસ બ્રાંચ દ્વારા વાંધા અરજીઓના નિકાલમાં ભેદી ઢીલ રાખવામાં આવતી હોવાની શંકા સેવાઈ રહી છે.
મહાપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા ગત ૧૧મી એપ્રિલથી વેરામાં વળતર યોજનાનો આરંભ કર્યો છે. અગાઉ જયારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વેરાના નિયમો મંજુર કરવામાં આવ્યા હતા ત્યારે શાસકોએ એવી ડંફાસો મારી હતી કે, ૪૮ કલાકમાં વાંધા અરજીઓનો નિકાલ કરી દેવામાં આવશે તેવી જડબેસલાક વ્યવસ્થા ઉભી કરાશે પરંતુ આજસુધીમાં આવી કોઈ વ્યવસ્થા અમલમાં આવી નથી. આજસુધીમાં ૫૫૦૦થી વધુ લોકોએ વાંધા અરજી કરી છે. ગણતરીની વાંધા અરજીનો નિકાલ થયો છે. દરમિયાન વાંધા અરજીનો ઝડપથી નિકાલ કરવા માટે તથા ૧,૨૬,૦૦૦ મિલકતોનું લીંકઅપ નથી શકયું તેનું ઝડપથી લીંકઅપ કરાવવા માટે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા જુનિયર કલાર્ક કેડરના ૧૮ કર્મચારીઓને કાર્પેટ સંબંધિત કામગીરી માટે જોતરી દેવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં.૧માં પ્રણવ પંચોલી, વોર્ડ નં.૨માં દિલીપ ખેર, વોર્ડ નં.૩માં કિશોર રાઠોડ, વોર્ડ નં.૪માં અલ્પેશ મારૂ, વોર્ડ નં.૫માં હેમાબેન અંસારી, વોર્ડ નં.૬માં દિપાલી તન્ના, વોર્ડ નં.૭માં મુનીયા દિપાભાઈ, વોર્ડ નં.૮માં ભાવીશા લુણીયારા, વોર્ડ નં.૯માં ચંદુભાઈ સુમાલખાણીયા, વોર્ડ નં.૧૦માં દેવેન્દ્ર કોળી, વોર્ડ નં.૧૧માં નીલાબેન ચરપોટ, વોર્ડ નં.૧૨માં વસંત ચૌહાણ, વોર્ડ નં.૧૩માં સ્વાતી લીડીયા, વોર્ડ નં.૧૪માં ચંદ્રીકાબેન સુવેરા, વોર્ડ નં.૧૫માં પારૂલબેન સોલંકી, વોર્ડ નં.૧૬માં ઉમેશ ભેમીયાતર, વોર્ડ નં.૧૭માં જયેશ સોલંકી અને વોર્ડ નં.૧૮માં હરદેવસિંહ ઝાલાને કાર્પેટ એરિયાને લગતી વાંધાઅરજીના નિકાલને લગતી કામગીરી સોંપવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,