યુનિવર્સિટીનાં ભવનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાનાં ફ્રી સમયમાં કલાસમેટ્સ સાથે બેસતા હોય તેમાં શું ખોટું? નિર્દોષ વિદ્યાર્થીઓ હેરાન થયા
રાજકોટ પોલીસ દ્વારા શહેરનાં વિવિધ બાગ-બગીચાઓમાં અને જુદા-જુદા વિસ્તારોમાં એન્ટી રોમિયો રેડ પાડવામાં આવી હતી. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ પર પણ ધોસ બોલાવવામાં આવી હતી અને આ એન્ટી રોમિયો સ્કવોર્ડ રેડમાં ઘણા નિર્દોષ વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવ્યા હતા જે તદન દુ:ખદ ઘટના છે જેનો રાજકોટ એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી.
એનએસયુઆઈનાં રાજકોટ જિલ્લા પ્રમુખ રોહિત રાજપુતે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કેમ્પસમાં રોજે હજારો વિદ્યાર્થીઓ પોતાનાં શૈક્ષણિક કામોથી આવતા હોય છે જેવા કે બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માઈગ્રેશન સર્ટી, રીઝલ્ટ કઢાવવા જેવા કામોથી આવતા હોય છે. તેમજ ત્યાં ભવનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાનાં ફ્રિ સમયમાં કેમ્પસમાં કલાસમેટો સાથે બેસતા હોય તો તેમાં શું ખોટું ? લોકશાહીમાં પ્રત્યેક નાગરિકોને પોતાનાં અધિકારો છે કે પોતે સ્વતંત્ર રહી શકે. ૨ ટકા ન્યુસન્સ વિદ્યાર્થીઓનાં બહાને ૯૮ ટકા વિદ્યાર્થીઓ હેરાન થાય જે પોલીસે ધ્યાનમાં લેવું જોઈએ.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિને ટેલીફોનીક સંપર્ક કરતા તેઓ આ બાબતે અજાણ હતા તેમજ યુનિવર્સિટી દ્વારા કોઈ પોલીસને બોલાવવામાં ન આવી હતી તેવું જણાવ્યું હતું. પોલીસે આ બાબતે વધુ ધ્યાન આપી વિદ્યાર્થીઓને ખોટા કાયદાનો ખૌફ બતાવવો અયોગ્ય છે અને કાયદા વિરુઘ્ધ છે. વિદ્યાર્થીઓમાં વધતા કુવ્યસનોનાં અડ્ડાઓ તેમજ ટ્રાફિક પર પોલીસ ધ્યાન આપે અને જો હવે બીજીવાર આવી હેરાનગતિ થશે તો એનએસયુઆઈ વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે તેવું રાજકોટ એનએસયુઆઈનાં શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને જિલ્લા પ્રમુખ રોહિત રાજપુતે જણાવ્યું હતું.