દિવસને દિવસે રાજ્યભરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ કુલપતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વધુ ૨૧ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આગામી ૨૭મી તારીખથી યોજાનારી પરીક્ષા મોકુફ રાખવા એનએસયુઆઈએ માંગ કરી છે. જેને લઈ આજરોજ એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી.
એનએસયુઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માસ્ટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયની લાગણી ઉભી થઈ છે. કેમ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને સ્ટાફને પણ કોરોના પોઝિટિવ આવતા હવે વિદ્યાર્થીઓને પણ ડર લાગી રહ્યું છે. જેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ એનએસયુઆઈની સ્પષ્ટ માંગ છે કે, આગામી તા.૨૭ ઓગસ્ટથી યોજાનારી પરીક્ષાઓ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી તાત્કાલીક ધોરણે રદ્દ કરવામાં આવે.
આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ એનએસયુઆઈના પ્રમુક નરેન્દ્ર સોલંકી, ભાવેશ રાજપૂત, નિલરાજ ખાચર, વિશ્ર્વદિપસિંહ જાડેજા, સાગર જાદવ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતા.