એન.એસ.યુ.આઈના કાર્યકર્તાઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીને આવેદન પત્ર પાઠવ્યું: આગામી સિન્ડિકેટમાં નવું ફિનું માળખું જાહેર થાય તેવી માંગ કરાઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા તમામ ફેકલ્ટીમાં ફીનું માળખું 2003માં યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. તેમાં બી.એસ.સી.રૂં 15000, બી.કોમ.રૂં 2500 અને બી.બી.એ ની રૂ.15000 ફી નક્કી કરવામાં આવી હતી પરંતુ અત્યારના સમયે સેલ્ફ ફાયનાન્સ કોલેજો બી.એસસી રૂ.30000, બી.કોમ.રૂ.15000 અને બી.બી.એ ની રૂ. 20000 જેટલી ફી ઉઘરાવામાં આવે છે. જેને લઈને બી.કોમ, બી.બી.એ અને બી.એસ.સીની નવેસરથી ફી નક્કી કરવામાં આવે તેવી એન.એસ.યુ.આઈની દ્વારા માંગ કરવામાં આવી છે.એન.એસ.યુ.આઈના કાર્યકર્તાઓએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આગામી શુક્રવારના રોજ મળનારી સિન્ડિકેટમાં નવું ફિનું માળખું જાહેર થાય તેવી માંગ કરવામાં આવી છે.
રાજકોટ એન.એસ.યુ.આઇના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, એસ.સી-એસ.ટીના વિદ્યાર્થીઓ કે જે સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં સ્કોલરશિપ લાઇ અભ્યાસ કરે છે તેની સ્કોલરશીપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નક્કી કરેલી ફી ના આધારે ચુકવવામાં આવે છે પણ સેલ્ફ ફાયનાન્સ કોલેજો વધુ ફી વસુલ છે એટલા માટે સ્કોલરશીપ અડધીથી પણ ઓછી આવે છે જેથી વિદ્યાર્થીઓ બાકીની ફી ભરી શકતા નથી એટલા માટે અભ્યાસ અળધેથી જ પડતો મુકવો પડે છે. તો આ સ્કોલરશીપ લઈને ભણતા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવે અને ફીનું માળખું નવેસરથી જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે.
આજના આવેદનમાં ઓલ ઇન્ડિયા ડેલીગેટ એન.એસ.યુ.આઈ આદિત્ય ગોહિલ, રાજકોટ એન.એસ.યુ.આઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહીત એન.એસ.યુ.આઈના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.