સવારથી જ શહેરની કેટલીક કોલેજ બંધ જોવા મળી : કણસાગરા કોલેજે એનએસયુઆઈનાં કાર્યકર્તાઓની અટકાયત કરાઈ
બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતી મામલે એનએસયુઆઈ દ્વારા કોલેજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને લઈને આજે સવારથી રાજયભરની કેટલીક કોલેજો બંધ જોવા મળી હતી. અમુક કોલેજોમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાથી એનએસયુઆઈ દ્વારા શાંતીપૂર્વક રીતે કોલેજો બંધ કરાવવામાં આવી હતી. આજે વહેલી સવારે એનએસયુઆઈ દ્વારા રાજકોટની કાંતિલાલ શેઠ ફિઝીયોથેરાપી કોલેજ ચાલુ હોવાથી એનએસયુઆઈએ શાંતિપૂર્વક રીતે બંધ કરાવી હતી. જેમાં એનએસયુઆઈનાં પ્રમુખ રોહિત રાજપુત અને યુથ કોંગ્રેસનાં પ્રમુખ મુકુંદ ટાંક સહિત ૨૫ જેટલા કાર્યકર્તાઓ જોડાયા હતા.
છેલ્લા ઘણા સમયથી બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાની માંગણીઓ સાથે રાજયભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. બે દિવસ પહેલા જ હજારો વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા ત્યારબાદ હવે બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાની માંગણી સાથે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા દ્વારા રાજકોટ સહિત રાજયભરમાં કોલેજ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું હતું જોકે બીજીબાજુ પરીક્ષાનાં તબકકા પણ ચાલુ હોય ઘણી યુનિવર્સિટીઓમાં પરીક્ષા લેવાઈ રહી છે જેથી જે કોલેજોમાં પરીક્ષા ચાલુ છે કોલેજો ચાલુ રાખવામાં આવી હતી અને બાકીની કોલેજો બંધ રાખવા આહવાન કરાયું હતું ત્યારે કાંતિલાલભાઈ શેઠ ફિઝીયોથેરાપી કોલેજ ચાલુ હોવાથી બંધ કરાવી હતી ત્યારબાદ એનએસયુઆઈ દ્વારા કણસાગરા મહિલા કોલેજનું શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાથી યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈનાં આગેવાનો દ્વારા કોલેજ બંધ કરાવવામાં આવતા ત્યાં જ પોલીસનો કાફલો આવી જતાં ત્યાં જ એનએસયુઆઈનાં અને યુથ કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. કોલેજ બંધ કરવા મામલે રાજદિપસિંહ જાડેજા, મુકેશભાઈ ચાવડા, આદિત્યસિંહ ગોહિલ, રોહિત રાજપુત, નરેન્દ્ર સોલંકી, મુકુંદ ટાંક સહિતનાં આગેવાનો જોડાયા હતા.