ઈમરજન્સી મેડિકલ સહાય માત્ર એક ટવીટ કરતા પલભરમાં ઉપલબ્ધ કરાઈ
મોદી સરકારમાં રેલ સુવિધામાં સુધારાથી ગદગદ થતા એન.આર.આઈ
છેલ્લા થોડા સમયમાં ભારતીય રેલવેમાં મળતી સુવિધાઓમાં ધરમૂળથી ફેરફારો કરવામાં આવ્યા છે જેના સુખદ અનુભવો રેલ મુસાફરોને થઈ રહ્યા છે. તાજેતરમાં મુળ દ્વારકાના રહેવાસી અને હાલમાં દુબઈ ખાતે રહેતા એન.આર.આઈ કિશોરભાઈ ભાટીયા મુંબઈથી દ્વારકા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં પગમાં વાગી જતા અંગુઠામાંથી લોહી વહી રહ્યું હોય સાથે મુસાફરી કરી રહેલ તેના પુત્રે ભારતીય રેલવેને ટવીટ કરી મેડિકલ હેલ્પ માંગી હતી. રેલવેએ માત્ર બે મીનીટમાં પ્રત્યુતર આપી પીએનઆર નંબર માંગતા જે પુરો પાડતા જ પછીના રેલવે સ્ટેશન પર રેલવેની મેડિકલ ટીમ દ્વારા એન.આર.આઈ મુસાફરોને મેડિકલ ટ્રીટમેન્ટ પુરી પાડવામાં આવી હતી. માત્ર એક ટવીટથી થોડી જ વારમાં ભારતીય રેલમાં મળેલી મેડિકલ સહાયથી એન.આર.આઈ કિશોરભાઈ ભાટીયા ખુબ પ્રભાવિત થયા હતા. તેમણે છેલ્લા વર્ષોમાં મોદી સરકાર દ્વારા નવી નવી ટ્રેનોની જાહેરાતો કરવા કરતા હાલમાં મોજુદ ટ્રેનોમાં સુવિધાનો વધારો કરવા તરફ લક્ષ્ય રાખી મુસાફરોને મળતી સુવિધામાં આમુલ પરીવર્તન કર્યા હોવાનું તાદશ અનુભવ કર્યાનું જણાવી અને ૨૪ કલાક રેલવે ટવીટરના માધ્યમથી પણ ઉપલબ્ધ હોવાનું જણાવી મુસાફરોને આ સુવિધાનો જરૂર પડયે ચોકકસ ઉપયોગ કરવા જણાવ્યું હતું.