‘સ્ત્રી અને પુરૂષ જુદા તે સંસાર, અને ભેગા તે મોક્ષ’ના મંત્ર ઘોષને જીવનમાં ઉતારીએ અને પ્રસન્ન દામ્પત્ય-જીવન માણવાના તથા સપ્તપદીના સૂત્રોથી બધાઈને સાચું સુખ પામવા પ્રતિ પ્રયાણની ઘડી
મનુષ્ય તરીકે મોંઘેરો અવતાર મળ્યા પછી મનુષ્યે તેની જીવન યાત્રાને સુંદર જીવન જીવીને મોક્ષ ગતિ પામવાના જે ધર્મકર્મો આપણી વેદિક સંસ્કૃતિમાં ચીંધ્યા છે તેમાંનો એક તબકકો પ્રસન્ન ‘દામ્પત્યજીવનનો છે. નરસિંહ મહેતાએ વૈષ્ણવજનની જેમ જે ભજન-કિર્તનો લખ્યા છે, તેમાંથી એક છે, ‘આજની ઘડી છે રળિયામણી, મારો વહલોજી આવ્યાની વધામણી રે, આજની ઘડી છે. રળિયામણી..’
આજનો દિવસ જીવનયાત્રાના એક મંગલમય તબકકાને જીવનમાં વણી લેવાનો અને એના માટેના શુભ મૂર્હૂતનો છે.
ભારતીય સંસ્કૃતિ મુજબ ભારતવાસીઓ મૂર્હૂતોમાં માને છે. મકરસંક્રાંતિ સુધી શુભમૂર્હૂતો નહિ હોવાથી એટલે કે ‘કમૂરતા’ કમૂર્હૂતા હોવાથી રૂડા અવસર કે શુભ અવસર થતા નહોતા.
આજથી શુભ મૂર્હૂતોની અને શુભ અવસરો-રૂડા અવસરોની શરૂઆત થઈ છે.
ભારતીય સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે જે માનવીને જીવન તરફ જોવાનો અલૌકિક અભિગમ આપે છે. આપણી નવી દ્રષ્ટિ કેળવાય છે. ભગવાનની સામે યંત્રવત પૂજન અર્ચન કરી લીધું. એટલે ભગવાનને પણ સમજાવી દીધાં અને આપણે પણ આત્મસંતોષ મેળવ્યો હા… શ પૂજા થઈ ગઈ. એક કામ પત્યું. પરંતુ એવું કયારેય એવું વિચાર્યું છે કે દિવાળીમાં લક્ષ્મીપૂજન, શુભકાર્યના આરંભમાં ગણેશ પૂજન, શ્રાવણમાં શિવ -પૂજન- લક્ષ્મી નારાયણ આરતી સાથીયા, ચાંદલો તિલક શા માટે કરાય છે? આમ તો આવા અનેકપ્રતિકો કળશ, શ્રીફળ વગેરેની તો હારમાળા છે.
આપણો રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રનું પ્રતીક છે. આપણો માનદંડ છે પરંતુ એ તરફ જોવાની દ્રષ્ટિ ભાવપૂર્ણ નહિ હોય તો એની કિંમત રૂપિયા એકના ચીંથરા જેટલી જ થશે. માટે જ પરંપરા પાછળનો ભાવ, હાર્દ સમજી તેમનું પૂજન કરશું તો જીવન તરફ જોવાની વિશાળ દ્રષ્ટિ મળશે અને જીવન માંગલ્ય-મય બનશે.
આપણા લગ્ન માંગલ્યના અવસરે અને અન્ય શુભ અવસરે આપણે આપણા ઈષ્ટદેવને અને ગણપતિ તેમજ અન્ય શુભ મુદાઓને સાથે રાખીએ છીએ, જેમાં ચાંદલો-તિલક, સ્વસ્તિક, આરતિ,શ્રી મહાલક્ષ્મી, વિષ્ણુ, બ્રહ્મા, મહેશ, ઈન્દ્ર, સૂર્ય, શિવ, કંઠી, શ્રી ફળ વગેરેનો સમાવેશ થાય છે. અગ્નિને સાક્ષી બનાવીએ છીએ, સત્યને તો સહુથી વધુ અગ્રતા અપાય છે.
જોકે, દેશકાળમાં આ બધુ દેકાવ, સામાજીક પ્રણાલિકાઓ અને પરિવર્તનોને કારણે અર્ધુપર્ધું જ રહ્યા છે. આપણી લગ્ન પ્રથા અત્યારે ઘણે ભાગે રોપાઈટોકાઈ ગઈ છે.
આવા સામાજીક અને રાષ્ટ્રીય બદલાવો વચ્ચે આપણી લગ્ન સંસ્થા અને લગ્ન પ્રથા દેખાદેખીનો ભોગ બનતી રહી છે.
લગ્ન બંધન નથી પણ બે આત્માઓનું સુભગ મિલન છે, એવું ચિંતન એક સનાતન છે. સ્ત્રી અને પુરૂષ જુદા તે સંસાર અને ભેગા તે મોક્ષ, એ પણ સનાતન સત્ય જ છે. લગ્ન બાદ સ્ત્રી-પુરૂષે બેમાંથી એક થઈ ગયા જેવું ટયુનિંગ સાધવું જ ઘટે. જો આમ એક થઈ જવાય તો ‘મોક્ષ’ નું સુખ પમાય, જો એમ ન થઈ શકે તો ‘સંસારચક્ર’ અને તેની માયાજાળના ચક્રાવાના અનુભવો કરવા જ પડે એવો અનુભવ અનેક દંપતીઓએ કરવો પડે છે.
લગ્નોત્સવ સાથે સંકળાયેલા વેદકાલીન પ્રથા અને નવા યુગની પ્રથાઓનો શુભસંગમ કરીને આજના રંગે રંગાયેલી માનવજાતે પ્રભુતામાં પગલાં માંડે અને તે દિશામાં શુભ પ્રયાણ કરે તો, દાંપત્યજીવન સુખ સંતોષથી લીલુંછમ રહે અને લગ્ન જીવનના તમામ ઉત્સવો ઉજવવાનું સૌભાગ્ય સાંપડે જ, એવો વેદવાણીનો બોધ સૌના લગ્નોત્સવમાં ભળે એવી પ્રાર્થના કરીએ માનવ સમાજની અને રાષ્ટ્રની ઉન્નતિમાં એની મહત્વની ભૂમિકા ગણાશે!