લાભ પાંચમથી રાજયભરમાં બિનખેતીની મંજૂરી ઓનલાઈન આપવાની વ્યવસ્થાની અમલવારી કરવા પાણી સરકારનો નિર્ણય
હવેથી ઘરબેઠા બિનખેતીની મંજૂરી ઓનલાઈન મળી જશે. રાજયની પાણી સરકારે લાભ પાંચમથી રાજયભરમાં બિનખેતીની મંજૂરી માટે ઓનલાઈન પ્રક્રિયાની અમલવારી કરવાનો નિર્ણય લીધો છે. પ્રારંભીક તબકકે બિનખેતીની મંજૂરી માટે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાનું સિલેકશન થયું હતું.
આ બન્ને જિલ્લામાં પ્રાયોગીક ધોરણે બિનખેતીની મંજૂરી માટે ઓનલાઈન પધ્ધતિનું અમલ કરવામાં આવ્યું હતું. જેમાં મહદઅંશે સફળતા રાજય સરકારને મળી છે. આ બન્ને જિલ્લાઓના લોકો ધીમે ધીમે ઓનલાઈન પધ્ધતિને સ્વીકારવા લાગ્યા હોવાથી સરકારે હવે સમગ્ર રાજયમાં ઓનલાઈન પધ્ધતિનો અમલ કરાવવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાંથી બિનખેતીની મંજૂરી માટે ઓનલાઈન પધ્ધતિની અમલવારી અંગે સરકારને સારા પ્રત્યાઘાતો મળ્યા છે. બિનખેતીની મંજૂરી માટે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને વહીવટ પારદર્શક રાખવાનો નિર્ણય સરકારે લીધો હતો. જેના ભાગરૂપે હવેથી બિનખેતીમાં ઓનલાઈન મંજૂરી સરળ અને પારદર્શક રહેશે. આગામી દિવાળીના તહેવારોમાં લાભ પાંચમથી ઓનલાઈન પધ્ધતિની અમલવારી થશે.અગાઉ પ્રારંભીક તબકકો ગત તા.૨૩ ઓગષ્ટના રોજ શરૂ થયો હતો.
ત્યારબાદ હવે તમામ જિલ્લા પંચાયતોમાં ઓનલાઈન પધ્ધતિનો અમલ કરાવવાનો નિર્ણય લેવાયો છે. ઘણા સમયથી બિનખેતીથી આ મંજૂરીમાં ધીમી કાર્યવાહીથી લોકો નારાજ હતા. ઉપરાંત વહીવટ પણ થતાં હોવાના આક્ષેપ કરાયા હતા. પરિણામે સરકારે બિનખેતીની મંજૂરી ઝડપી અને પારદર્શક બનાવવાનો નિર્ણય લીધો છે.