વિક્રમસિંહ જાડેજા, ચોટીલા:
છેલ્લા દોઢેક વર્ષથી હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસ હજુ થવાનું નામ નથી લઇ રહ્યો. જો કે હાલ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વધતા કેસની ચિંતા ટળી છે પરંતુ તેમ છતાં હજુ ત્રીજી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે બાગ-બગીચા, મંદિર સહિતના જાહેર સ્થળો પર ભીડ એકત્રિત થતા કોરોના સંક્રમણનો ખતરો વધુ મંડરાઈ રહ્યો છે. જાહેર સ્થળો પર વધુ લોકોને એકત્રિત ન થવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. તો સાથે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનું કડકપણે પાલન તો ઠીક પણ હવે રસી લેવી પણ ફરજિયાત બનાવાઈ રહી છે. ત્યારે હવે રસી લેનારા ભક્તો જ ચામુંડા માતાજીના દર્શન કરી શકશે..!!
ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે લોકોને વેકસીન સર્ટીફિકેટ હશે તેને જ પ્રવેશ મળશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિત સરકારી ગાઈડલાઈનું પાલન પણ જરૂરી બનશે. ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે.
ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ પરિવારના મહંત અમૃતગિરિ બાપુએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે કોરોના વાયરસને અટકાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. વધતી જતી લોકોની ભીડને કાબુમાં લેવા માટે નિર્ણય લેવાયો છે. હવેથી લોકોએ વેકસીન લીધી હોય અને સર્ટીફિકેટ ધરાવતા લોકો જ માતાજીના ચરણે શીશ ઝુકાવી શકશે.