હાઈવે પર જીપીએસ ટ્રેકર લગાવાશે; માર્ગ અને પરિવહન મંત્રી ગડકરીની જાહેરાત
હવે જેટલી સડક વાપરો એટલો જ ટોલ લેવાશે તેમ લોકસભામાં પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતુ.
તેમણે સંસદમાં જાહેરાત કરતા જણાવ્યું હતુ કે એક જ વર્ષમાં દેશમાં ટોલનાકા હટી જશે અને હાઈવે પર જીપીએસટ્રેકર વ્યવસ્થા ગોઠવી અતિ આધુનિક પધ્ધતિથી ટોલ વસુલ કરવામાં આવશે.
લોકસભામાં અમરોહાના બીએસપી સાંસદ કુંવર દાનિશ અલીએ ગઢમુકતેશ્ર્વર નજીક નગર નિગમની હદમાં રસ્તા પરના ટોલ પ્લાઝા અંગેનોમુદો ઉઠાવ્યો હતો. તેના જવાબ આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ગત સરકારે માર્ગ પરિ યોજનાઓના ઈજારામાં થોડુ વધુ વળતર મેળવવાની લ્હાયમાં કેટલાક એવા ટોલ નાકા પણ બનાવ્યા હતા જે શહેરની હદમા આવતા હતા એ ખરેખર ખોટું છે. અને માર્ગ ઉપયોગ કરનારાને અન્યાય સમાન છે.
ગડકરીએ વધુમાં જણાવ્યું કે અત્યારે ટોલ નાકા, ટોલ પ્લાઝા કાઢી નાખવામાં આવે તો સડક બનાવવાની કંપનીઓ વળતર માગે એટલે સરકાર એક વર્ષમાં દેશમાંથી તમામ ટોલ નાકા બંધ કરવાની યોજના બનાવી રહી છે. અને એ અંગેની યોજના માટે કામ ચાલી રહ્યું છે.
‘ટોલ’ ખતમ કરવાનું એટલે કે ટોલ પ્લાઝા બંધ કરવાના છે ‘ટોલ’ લેવાનું બંધ કરવાનું નથી પણ આધુનિક પધ્ધતિથી ટોલ લેવાનું નકકી કરાયું છે.
તમને એ જણાવીએ કે ટોલ પ્લાઝા પર વાહનોનાં ચકકાજામ થાય છે. અને હાઈવે પર ચાલતા વાહનોનો સમય બરબાદ થતો હોય લાંબા સમયથક્ષ આ અંગે લોક ફરિયાદો ઉઠી રહી હતી. આ સમસ્યાના હલ કરવા માટે વાહનો માટે ફાસ્ટેગ ફરજીયાત કરાયા છે. અને ફાસ્ટેગ થકી ઈલેકટ્રોનીક પધ્ધતિથી ‘ટોલ’ની વાહન ચાલક પાસેથી વસુલાત કરવામાં આવે છે.
હાઈવે પર હવે કેવી રીતે ટોલ વસુલ કરાશે?
હાઈવે પર નવી પધ્ધતિ મુજબ કઈ રીતે ટોલ લેવાશે તે અંગે નીતિન ગડકરીએ જણાવ્યું કે જયારે તમે હાઈવે પર ચડો એટલે ત્યાં લગાવેલા કેમેરા તમારો ફોટો લઈ લ્યે અને તમને ‘ટ્રેક’ કરે જયાં તમે હાઈવે પરથી ઉતરો એટલે ત્યાં લગાવેલો કેમેરો ફરી તમારો ફોટો પાડે અને જેટલું અંતર કાપ્યું એના આધારે તમારી પાસે ‘ટોલ’ વસુલવામાં આવશે.
ફાસ્ટેગના અમલ છતાં વાહનોનાં થપ્પા લાગે છે
વાહનો માટે ટોલ ભરવા ફાસ્ટેગ ફરજીયાત બનાવાયું છે. આમ છતાં પણ ટોલનાકા પર વાહનોની લાંબી લાઈનો લાગે છે. ટોલ નાકાં પરનાં કેમેરા કે રીડર ઝડપથી કામ કરતા ન હોવાથી એક એક વાહનને ટોલ નાકા પરથી પસાર થતા ઓછામાં ઓછા 10થી 15 મિનિટ જેવો સમય લાગે છે.તેમાં પણ ‘પીકઅપ’ સમયે આ સમય વધી ને બમણો થઈ જાય છે.એટલે કે એક ટોલનાકા પર ઓછામાં ઓછા 20 મિનિટ જેવો સમય લાગે છે.
ટોલનાકા પર ‘ગલી’ ખૂલી રાખવામાં ય અખાડા…
હાઈવેના ટોલનાકા પર ગલી ખૂલી રાખવામાં ય સંચાલકો દ્વારા અખાડા કરવામાં આવી રહ્યા હોવાનું વાહન ચાલકો જણાવે છે.
અમુક ટોલનાકા સંચાલકો આવક જાવક બંનેમાં એક એક કે બે બેગલી ‘બંધ’ રાખ્યા હોવાથી કે ‘ફોલ્ટ’નું બહાનું બતાવતા હોવાથી વાહન ચાલકો પરેશાન થાય છે. અને ટોલનાકા પરની ટ્રાફીક જામની સમસ્યા ‘હળવી’ થતી નથી.
રાજકોટ જિલ્લા કે સૌરાષ્ટ્રના કેટલાક ટોલનાકા, ટોલ પ્લાઝા પર સંચાલકો આવી નીતિ રાખે છે.જેના કારણે વાહન ચાલકોનો કિમંતી સમય અને દેશનું કિમંતી ઈંધણ પણ મોટાપાયે વેડફાય છે.
જૂની કાર ભાંગી નાખનારને મોટા લાભ, રોડ ટેકસમાં મળશે 25 ટકા જેટલુ વળતર
મેરા દેશ બદલ રહા હૈ… વસ્તીની જેમ વધતા જતાં વાહનો અને ઈંધણના પ્રદૂષણથી બદલતા વાતાવરણથી સમગ્ર વિશ્ર્વ ચિંતાગ્રસ્ત બન્યુ છે ત્યારે જૂના વાહનોને તિલાંજલી આપી નવા વાહનો ખરીદવા માટે કેન્દ્ર સરકારે પ્રોત્સાહન યોજનાની કવાયત હાથ ધરી છે. જૂના વાહનો ભાંગીને નવા ખરીદનારાઓને રોડ ટેકસમાં પણ 25 ટકા જેટલું વળતર અને કોમર્શીયલ વાહનોમાં 15 ટકા અને 5 ટકા જેટલું ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવાની યોજના બનાવી રહી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, નવી વાહન પોલીસીમાં ખાસ કરીને જૂના વાહનો તોડવાની યોજના પ્રદુષણ નિવારણથી લઈ આર્થિક વિકાસ સુધીના તમામ પરિમાણો માટે કારણભૂત બનશે.
જૂના વાહનો ભાંગી નાખનાર વાહન માલિકોને નવા વાહનોની ખરીદીમાં 4 થી 6 ટકા જેટલો ફાયદો અને રજિસ્ટ્રેશનથી લઈ જૂના વાહનોનું મોટા પ્રમાણમાં વળતર મળશે. જૂના અને જોખમી વાહનોની સંખ્યા ઘટાડવાની સાથે સાથે ઈંધણની બચત અને પ્રદુષણમાં ઘટાડા સાથે સરકારે જૂના વાહનો ભાંગી નાખવાની નીતિ અમલમાં મુકી છે. જેનાથી ભંગાર ઉદ્યોગ અને રિસાયકલીંગથી નવો માલ સસ્તો મળશે. જૂના વાહનોની અવધીની મર્યાદામાં વ્યક્તિગત વાહન, કોમર્શીયલ વાહન અને ખાનગી વાહનોની અલગ અલગ શ્રેણીઓ મુકવામાં આવી છે અને 20 વર્ષ પછી દરેક વાહન માટે ફરજિયાત ફીટનેશ સર્ટીફીકેટ મેળવવાનું રહેશે જેમાં કોમર્શીયલ વાહનોને 15 વર્ષ અને ખાનગી વાહનોને 20 વર્ષે પોલીસી સર્ટીફીકેટ મેળવવાનું રહેશે. અત્યારે જર્મની, ઈંગ્લેન્ડ, અમેરિકા અને જાપાનમાં આ નીતિનો અમલ ચાલુ છે.
જે વાહનો ફીટનેશ સર્ટીફીકેટ મેળવવા માટે અસમર્થ હશે તેમને ભાંગી નાખવામાં આવશે. નવી વાહન ભાંગવાની નીતિથી રજિસ્ટર થયા બાદ 15 વર્ષ સુધીની મર્યાદા નક્કી કરવામાં કેન્દ્ર સરકારે ખાનગી વાહનો રિ-રજિસ્ટરની મુદત 20 વર્ષ રાખવામાં આવી છે અને ખાનગી વાહનો માટે અલગ અલગ મુદતની નીતિ નક્કી કરવામાં આવી છે. ફીટનેશ ટેસ્ટ અને જૂના વાહન ભાંગવાની આ નીતિ ઓકટોબર મહિનાથી અમલીય ગણવામાં આવશે. 15 વર્ષ પછીના વાહનો માટે પીએસયુનો અમલ 1લી એપ્રીલ 2022થી ગણવામાં આવશે. 1લી એપ્રીલ 2022થી 1 જૂન 2024 સુધીમાં આ નવા નિયમો સંપૂર્ણપણે લાગુ થઈ જશે. જૂના વાહનોના નિકાલ અને નવા વાહનોની પ્રોત્સાહક નીતિથી દેશના વાહન ઉદ્યોગમાં અમુક ક્રાંતિ અને માર્ગ સલામતીના પરિમાણોની સ્થિતિ સુધરશે અને અકસ્માતોની સંખ્યા ઘટશે.