કલેકટર તંત્ર દ્વારા મસાલાને આવશ્યક ચીજવસ્તુમાં સ્થાન ન અપાયું, મસાલાના ડિસ્ટ્રીબ્યુટરો અને વેપારીઓને ઈમરજન્સી પાસ ન અપાતા માર્કેટમાં મસાલાની તંગી સર્જાવાની ભીતિ

હવે રાજકોટ જિલ્લાના લોકોએ લોકડાઉન દરમિયાન હળદર, મરચા, ધાણાજીરૂ  સહિતના મસાલા વગર જ જમવાનું બનાવતા શિખવું પડશે. કારણ કે, રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આ મસાલાઓને આવશ્યક ચીજવસ્તુમાં ગણવામાં આવ્યા નથી. માટે આ વસ્તુનું વેંચાણ કરતા ડિસ્ટ્રીબ્યુટર્સ અને વેપારીઓને ઈમરજન્સી પાસ પણ ઈસ્યુ કરી દેવામાં આવ્યા નથી. જેથી માર્કેટમાં મસાલાની તંગી સર્જાય તેવી ભીતિ જોવા મળી રહી છે.

રાજકોટ જિલ્લામાં લોકડાઉન વચ્ચે આવશ્યક ચીજવસ્તુનું ઉત્પાદન, વેંચાણ અને જરૂ રી સેવાઓ ચાલુ રાખવા માટે ઈમરજન્સી પાસની જરૂર રહે છે. આવશ્યક ચીજવસ્તુઓના વેંચાણ કે, ઉત્પાદન સંદર્ભે કોઈપણ વ્યક્તિને અવર-જવર કરવા માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ઈમરજન્સી પાસ કાઢી આપવામાં આવે છે. જે પાસની વ્યવસ્થા કરી દેવામાં આવે છે જેના સહારે તે વ્યક્તિ લોકો સુધી આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવાની કડી બને છે.

જિલ્લાના એફએમસીજી સાથે સંકળાયેલા વેપારીઓએ ફરિયાદો ઉઠાવી છે કે, તેઓને પાસ મળવામાં ઘણી મુશ્કેલી થઈ રહી છે. કુલ ૭૮ જેટલા વેપારીઓએ પાસ માટે અરજી કરી હતી. જેમાંથી માત્ર ૨૮ને જ પાસ મળ્યા છે. બાકીના ૫૦ લોકોને પાસ કાઢી આપવામાં આવ્યા નથી. જો કે આમાં ઘણા એવા વેપારીઓ છે કે જેમને અરજી કરવામાં ભુલ કરી હોય પરંતુ મોટાભાગના વેપારીઓને બધુ બરાબર હોવા છતાં પાસ કાઢી આપવામાં આવ્યા નથી.

નવાઈની વાત તો એ છે કે, રોજબરોજ રસોઈ બનાવવામાં ઉપયોગી એવા મરચુ, હળદર, ધાણા-જીરૂ  સહિતના મસાલાને કલેકટર તંત્ર દ્વારા આવશ્યક ચીજવસ્તુમાં ગણવામાં આવ્યા નથી. હકીકતમાં આ મસાલા વગર કોઈ વ્યક્તિ એક દિવસ પણ ચલાવી શકે નહીં પરંતુ કલેકટર તંત્ર આ વાતથી અજાણ હોય તેઓએ રોજબરોજમાં ઉપયોગમાં આવતી આ વસ્તુને આવશ્યક ચીજવસ્તુમાં ગણી નથી. જેથી મોટાભાગના મસાલાના ડિસ્ટ્રીબ્યુર્સ અને વેપારીઓને ઈમરજન્સી પાસ મળ્યા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ ઉપરાંત ઘણા કિસ્સાઓમાં તો એક જ બ્રાન્ડ ઝોનવાઈઝ નિમેલા ૪ થી ૫ ડિસ્ટ્રીબ્યુટર્સમાંથી માત્ર એક થી બે ને જ પાસ આપવામાં આવે છે. આ પ્રકારની ઘણી ફરિયાદો હાલ ઉઠી રહી છે.

  • પ્રોડકટના નિષ્ણાંત અથવા તેના એસો.ના હોદ્દેદારોને સાથે રાખીને નિર્ણય લેવા જરૂરી

કલેકટર તંત્ર દ્વારા મસાલાને આવશ્યક ચીજવસ્તુમાં ગણવામાં આવ્યા નથી. જેનો મતલબ એ થાય છે કે, કલેકટર તંત્રને મસાલા વિશે કોઈ માહિતી નથી.માટે એવી પણ માંગ ઉઠી છે કે, જે તે પ્રોડકટ હોય તેના નિષ્ણાંત અથવા તેના એસો.ના હોદ્દેદારો સાથે કલેકટર તંત્ર દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવે અને તેઓને સાથે રાખીને નિર્ણય લેવામાં આવે તો જીવન જરૂ રિયાત ચીજવસ્તુની અછત સર્જાવાની કોઈ શકયતા રહે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.