ઇલેક્ટ્રિક વ્હીકલ, સીસીટીવી સહિતના સંશાધનોની ખરીદી માટે માન્ય ઓળખપત્ર આપવા પડશે
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સાઇકલ, સિમ કાર્ડના વેચાણ અને સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલેશનને સંચાલિત કરતી ત્રણ અલગ-અલગ સૂચના જારી કરી હતી. કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે, ખરીદનારના માન્ય ઓળખ દસ્તાવેજો વિના કોઈપણ સાયકલ અથવા બેટરી સંચાલિત ટુ-વ્હીલર વેચી શકાશે નહીં.
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે શહેરમાં બોમ્બ વિસ્ફોટ કરવા માટે અગાઉ સાયકલ, ટુ-વ્હીલર અને કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જેથી સાયકલ અને બેટરીથી ચાલતા ટુ-વ્હીલર યોગ્ય બિલ વગર વેચી શકાતા નથી. નોટિફિકેશનમાં જણાવાયું છે કે, ખરીદદારના ઓળખ દસ્તાવેજની નકલ એકત્ર કર્યા પછી જ આ પ્રકારનું વેચાણ કરી શકાય છે. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, બિલમાં ચેસિસ નંબર અને ખરીદનારનું નામ અને સરનામું હોવું આવશ્યક છે.એ જ રીતે અન્ય સૂચનામાં આદેશ આપવામાં આવ્યો છે કે ઓળખ દસ્તાવેજોની ચકાસણી કર્યા વિના કોઈપણ સિમ કાર્ડ સોંપી શકાશે નહીં. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સિમ કાર્ડનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા નાણાકીય સાયબર ક્રાઈમમાં કરવામાં આવી રહ્યો છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ઈ-કોમર્સ માટે મોબાઈલ ફોનના વધતા ઉપયોગ સાથે તેમણે જોયું છે કે અમુક સાયબર ક્રાઈમ કેસોમાં નકલી ઓળખ દસ્તાવેજો સબમિટ કરીને સિમ કાર્ડ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.