હવે વિદેશની જેમ ભારતમાં પણ તમે ઓપન થિયેટરમાં તમારી મનપસંદ ફિલ્મ જોઈ શકશો. રિલાયન્સ ભારતમાં પહેલો ‘સિનેમા હોલ’ ખોલવા જઈ રહી છે જે છત પર (રૂફ ટોપ) હશે. તેનું નામ Jio ડ્રાઇવ-ઈન થિયેટર હશે. તે સંપૂર્ણપણે ઓપન એર થિયેટર હશે એટલે કે લોકો ખુલ્લામાં બેસીને મૂવી જોવાનો આનંદ માણી શકશે. આ ભારતનું પ્રથમ ‘રૂફ ટોપ, ઓપન એર થિયેટર’ હશે. કોરોનાના કારણે સિનેમા જગત પર ઘણી ખરાબ આસર પડી છે તે અસરને જોતા રિલાયન્સનું આ પગલું મોટું માનવામાં આવી રહ્યું છે. આ ઓપન થિયેટર મુંબઈમાં ખોલવામાં આવશે.
કોરોના મહામારીની અસર થિયેટરના વ્યવસાય પર સૌથી વધુ અસર જોવા મળી હતી. જો કે હવે થિયેટરો ખુલી રહ્યા છે, ત્યાં જતા લોકોને ચેપ લાગવાનું જોખમ છે. તેનાથી બચવા માટે સમગ્ર વિશ્વમાં ઓપન એર થિયેટરનો કોન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો છે. દુનિયામાં આવા પ્રયોગો થઈ ચૂક્યા છે પરંતુ તેનો બિઝનેસ એટલો અસરકારક રહ્યો નથી. હવે આ સિસ્ટમ સંક્રમણના સમયગાળા દરમિયાન ફરીથી અમલમાં આવી રહી છે.
કેવું છે ઓપન થિયેટર ?
આ પ્રકારનું થિયેટરનું નિર્માણ ખુલ્લી હવામાં અથવા ટેરેસ પર કરવામાં આવે છે. તેથી લોકોમાં એકબીજાનું સંક્રમણ ફેલાતું નથી. મીડિયામાં એવા ઘણા સમાચાર અને તસવીરો સામે આવી રહ્યા છે જેમાં લોકો પોતાની કારમાં સિનેમાની મજા માણતા જોવા મળે છે અથવા સિનેમાની મોટી સ્ક્રીનની સામે અલગ ચેમ્બરમાં બેસીને ફ્લિમ જોતાં જોવા મળે છે. આવા થિયેટરમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ સંપૂર્ણ પણે ધ્યાન રાખવામાં આવે છે. રિલાયન્સ પણ કઇંક આવા ઓપન એર થિયેટર બનાવવા જઈ રહી છે, જેનું નામ જિયો ‘ડ્રાઈવ-ઈન’ થિયેટર હશે.
હવે ભારતમાં જ માણો ખુલ્લામાં સિનેમાનો આનંદ
આવા થિયેટરોમાં એક વિશાળ આઉટડોર સ્ક્રીન હોય છે જેના પર વ્યક્તિ પોતાની સુવિધા મુજબ કારમાં ચાલતી ફિલ્મ જોઈ શકે છે. અવાજ માટે રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ થાય છે અથવા એક્સટર્નલ સ્પીકર્સ લગાવેલા હોય છે. આવા થિયેટરોમાં સોશિયલ ડિસ્ટન્સને અનુસરીને સિનેમા જોવાનો આનંદ માણી શકાય છે. વિદેશમાં આવા પ્રકારના થિયેટર જોવા મળે છે જે ટૂંક સમયમાં ભારતમાં પણ હશે.
કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી
આ પ્રકારના થિયેટરમાં કાર પણ એકબીજાથી 6 ફૂટના અંતરે પાર્ક કરવામાં આવે છે. જો તમે ઓપન થિયેટરમાં ખુલ્લામાં ફિલ્મ જોવા માંગો છો, તો તમારે માસ્ક પહેરવું જરૂરી રહેશે. જો તમારે કોલ્ડ ડ્રિંક્સ અથવા નાસ્તો લેવો હોય તો તમારે તેને તમારી સાથે લાવવો પડશે. અન્ય લોકો સાથે સંપર્ક બચાવવા માટે, ખાદ્યપદાર્થો ઘરેથી જ લઈ જવા પડે છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે જે સામાન બહારથી ઓપન થિયેટરમાં લઈ જવામાં આવી રહ્યો છે, તેને પહેલા સેનિટાઈઝ કરવાનો રહેશે.