જાપાનની એએલઆઇ ટેકનોલોજી કંપનીએ બનાવ્યું હોવર બાઇક, બુકીંગ શરૂ
ઉડતી કારની ચર્ચા વચ્ચે ઉડતી બાઇકની બજારમાં એન્ટ્રી
તમે ક્યારેય વિચાર્યું છે કે હવે તમે વિમાન કે હેલિકોપ્ટર નહીં પણ બાઈકમાં ઉડી શકશો..!! ઉડતી કારની વાતો વચ્ચે હાલ બાઈક ઊડવા લાગી છે. જી હા, જાપાનમાં આ સુવિધા શરૂ થઈ ગઈ છે. આજના ડિજિટલ યુગમાં અદ્યતન ટેક્નોલોજીના આવિષ્કારના પગલે અવનવી સુવિધાઓ ઉપલબ્ધ બની છે.
ટેકનોલોજીના સહારે ઓટોમોબાઈલ ક્ષેત્રે નવી ઉડાન ભરી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી દુનિયામાં ફ્લાઈંગ કારની સતત ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ ફ્લાઈંગ કારના બુકિંગના સમાચાર પણ સામે આવ્યા હતા. જોકે, ઉડતી કારની ચર્ચા વચ્ચે હવે ફ્લાઈંગ બાઈક બજારમાં આવી ગઈ છે. આ બાઈકને હોવર બાઈક તરીકે ઓળખવામાં આવે છે.
જાપાની ડ્રોન બનાવતી સ્ટાર્ટઅપ ALI ટેક્નોલોજીસે આ બાઈક લોન્ચ કરી છે. કંપનીએ આ બાઇકનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. જાપાનીઝ કંપની ALI Technologiesએ વિશ્વની સૌપ્રથમ પ્રેક્ટિકલ હોવર બાઇક XTURISMO લિમિટેડ એડિશનનો ડેમોસ્ટ્રેશન ફ્લાઈંગ વિડિયો રિલીઝ કર્યો છે. ફુજીમાં રેસિંગ ટ્રેક પર પ્રદર્શન દરમિયાન ઉડતી બાઇકનું નિદર્શન કરવામાં આવ્યું.
આ XTURISMO લિમિટેડ એડિશન બાઈકની ખાસિયત શું..?
આ ઉડતી બાઈક ઇંન્ટરનલ કમ્બશન એન્જિન (જે પેટ્રોલ પર ચાલે છે) વડે ઈલેક્ટ્રિકલી સંચાલિત છે. તમને જણાવી દઈએ કે કંપનીનો ટાર્ગેટ છે કે તે 2025 સુધીમાં આ ફ્લાઈંગ બાઇકનું સંપૂર્ણ ઈલેક્ટ્રીક વર્ઝન લાવશે. XTURISMO ઉડતી બાઇકનું વજન લગભગ 300 કિલો છે.
આ બાઇકની લંબાઈ 3.7 મીટર, પહોળાઈ 2.4 મીટર અને ઊંચાઈ 1.5 મીટર છે. જેમાં હાલ માત્ર એક જ વ્યક્તિ બેસી શકે છે. કંપનીનું કહેવું છે કે ઉડતી બાઈક હાલ 30થી 40 મિનિટ સુધી એકધારી ઉડી શકે છે. જો કે કંપની દ્વારા આ બાઇકની મહત્તમ સ્પીડ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ બાઈક લગભગ 100 kmphની ટોપ સ્પીડ પકડી શકે છે.
કિંમત જાણી દંગ રહી જશો..!!
આ બાઇકની કિંમત કેટલી હશે.. ?? તે જાણીને તમે દંગ રહી જશો. XTURISMO લિમિટેડ એડિશન બાઈકની કિંમત 77.7 મિલિયન યેન (અંદાજે રૂ. 5.10 કરોડ) છે જેમાં ટેક્સ અને ઇન્સ્યોરન્સ પ્રિમિયમનો સમાવેશ થાય છે. ALI Technologiesએ XTURISMO લિમિટેડ એડિશન માટે 26મી ઓક્ટોબરથી બુકિંગ શરૂ કર્યું છે. કંપનીનું કહેવું છે કે તે આવતા વર્ષે જૂન સુધીમાં બાઇકની ડિલિવરી શરૂ કરશે. તમને જણાવી દઈએ કે કંપની આ ફ્લાઈંગ બાઇકના માત્ર 200 યુનિટ જ બનાવવા જઈ રહી છે.