ઇ-કોર્ટ પ્રોજેક્ટનો ત્રીજો તબક્કો ટૂંક સમયમાં પૂર્ણ કરી લેવાશે: ન્યાયતંત્રની મોટાભાગની કામગીરીઓ ડિજિટલી લરી શકાશે!!!

હવે કોર્ટમાં કેસ દાખલ કરવા માટે અરજદારોએ અથવા વકીલોએ અદાલત સુધી જવાની જરૂરિયાત પડશે નહીં. ઝડપી ન્યાય પ્રણાલી અને પારદર્શી નિર્ણયો માટે ઇ-કોર્ટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાને ટૂંક સમયમાં પૂર્ણ કરી લેવામાં આવશે. જે અંતર્ગત કોર્ટની ડિજિટલ બારીઓ 24/7 ખુલ્લી રહેશે. આ બારી મારફત અરજદારો અને વકીલો કોઈપણ છેડેથી પોતાનો કેસ કોર્ટમાં દાખલ કરી શકે તેવી જોગવાઇ કરવામાં આવી છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ મારફત ન્યાયાધીશો વકીલો અને અરજદારો ત્રણેયની સુસંગતતાને ધ્યાને રાખીને સુનાવણીની તારીખ સહિતની બાબતો નક્કી કરવામાં આવશે. જેથી અનેક વાર મુદ્દો ટપી જવાના કિસ્સા ઉપર પૂર્ણવિરામ મુકી દેવામાં આવશે. જેનાથી ઝડપી ન્યાય પ્રણાલીને વધુ વેગ મળશે.

વર્ષ 2005માં ઇ-કોર્ટ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો હતો. જેનો મુખ્ય ઉદેશ્ય ઝડપી ન્યાય પ્રણાલી તેમજ પારદર્શક વહીવટનો હતો. વર્ષ 2005માં શરૂ કરાયેલા આ પ્રોજેક્ટને કુલ બે તબક્કામાં રૂપિયા 2300 કરોડના ખર્ચે દેશભરની આશરે 19 હજાર જિલ્લા અદાલતો તેમજ નીચલી અદાલતોને બ્રોડબેન્ડ કનેકટીવિટી તેમજ સંચાર સાધનોથી સજ્જ કરી દેવામાં આવ્યા છે. હાલ આ પ્રોજેક્ટની તમામ જવાબદારી સુપ્રીમ કોર્ટની ઇ-કમિટીના ખભા પર છે. જે આયોજનબદ્ધ રૂપે આગળ વધી રહી છે.

ઇ-કોર્ટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કામાં કુલ ચાર મુખ્યત્વે સુવિધાઓ અરજદારો અને વકીલોને આપવામાં આવી છે. જેમાં ઇ-પે, ઇ- સમન્સ, ઇ-હિયરિંગ અને ઈ-જજમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સુવિધાઓની મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો પ્રથમ ઇ-પે મારફત અરજદારો અને વકીલો કોર્ટ ફીની ચુકવણી કોઈપણ છેડેથી કોઈ પણ સમયે કરી શકશે, જેથી અરજદારો અને વકીલોનો સમય ખૂબ બચી જશે. સાથોસાથ ન્યાયપ્રણાલીનો સમય પણ બચશે. ઇ-સમન્સ થકી કોઇપણ પક્ષકાર કે આરોપીને કોઈપણ સમયે સમન્સ પાઠવી શકાશે જેથી ન્યાયપ્રણાલીનો વધારાનો ખર્ચનો બોજો પણ ઉતરી શકશે. ઇ-હિયરિંગ થકી અદાલતોમાં થતી સુનાવણીઓ વધુ પારદર્શી બનાવી શકાશે. ઇ-જજમેન્ટ થકી ન્યાયાધીશો નિર્ણય પણ લઇ શકશે. ઇ-જજમેન્ટની સુવિધાથી કોર્ટમાં થયેલી તમામ દલીલો લોકો નિહાળી શકશે અને કોર્ટ પ્રત્યેનો વિશ્વાસ વધુ દૃઢ બનશે. આ પ્રોજેક્ટ થકી ન્યાય પ્રણાલીની તમામ કામગીરી વધુ પારદર્શી બનશે.

ઇ-કોર્ટ પ્રોજેક્ટના બીજા તબક્કામાં દેશભરની 3400 અદાલતોને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જોડી દેવામાં આવી છે. હાલ આ સુવિધા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે.

નોંધનીય બાબત છે કે, દેશભરમાં સૌપ્રથમ ગુજરાત હાઈકોર્ટે સુનાવણીમાં લાઇવ સ્ટ્રીમિંગનો પ્રયોગ હાથ ધર્યો હતો. જે થકી લોકો મહત્વના ચુકાદાઓ યુ-ટ્યુબ મારફતે નિહાળી શકે છે. બાદમાં આ પ્રયોગને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી હતી અને ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટ પણ સુનાવણી લાઈવ બતાવી શકે છે. ત્યારે ઇ-કોર્ટ પ્રોજેક્ટ થકી ન્યાયપ્રણાલી વધુ પારદર્શી બનશે તેમ જ ન્યાય પ્રણાલી પર રહેલો કેસોનો બોજો પણ ખૂબ ઝડપે ઘટી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.