દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં સર્જાઇ રહેલું લો પ્રેશર 16 મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પણ પરિવર્તિત થવાની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, નઆ વાવાઝોડું આગામી 20 મેના ઉત્તર ગુજરાત અથવા કચ્છમાંથી પસાર થાય તેની સંભાવના છે. વર્ષ 2021નું આ સૌપ્રથમ વાવાઝોડું છે અને મ્યાંમાર દ્વારા તેને ટૌકાતે નામ આપવામાં આવ્યું છે. જોકે, આ વાવાઝોડા કઇ દિશામાં આગળ વધશે તેને લઇને હજુ અસ્પષ્ટતા છે. એક અનુમાન પ્રમાણે તે ઓમાનનો દરિયો ઓળંગી શકે છે તો એક અનુમાન એવું પણ છે કે તે દક્ષિણ પાકિસ્તાન તરફ આગળ ધપી શકે છે. જે મુજબ ગુજરાતના કેટલાક હિસ્સાને અસર થઇ શકે છે. લો પ્રેશર સર્જાયા બાદ જ તેની દિશા અંગે કંઇક કહી શકાશે. 14 મેના લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વિપ, કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા, તામિલનાડુ ઘાટના વિસ્તાર, મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 14 મેના દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, કચ્છમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દરમિયાન આજે 41.1 ડિગ્રી સાથે અમદાવાદ, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગામી જૂનથી શરુ થનાર ચોમાસુ સારુ રહેવાની આગાહી થઈ છે અને દેશી પધ્ધતિ મૂજબ વરતારો પણ આવો જ નીકળ્યો છે ત્યારે હવે મેઘરાજાએ જાણે કે ચોમાસા પૂર્વેની તૈયારીઓ શરુ કરી દીધી છે. સીઝનમાં પ્રથમ વાવાઝોડુ અરબી સમુદ્રમાં રચાઈ રહ્યું છે અને તેના પગલે ચોમાસાનું હવામાન બંધાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે તા.14 શુક્રવારે સવાર સુધીમાં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેસર તા.16 મે રવિવાર સુધીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. જેની અસર લક્ષદ્વિપ, કેરલ, તમિલનાડુ, કર્ણાટક વગેરેને ઉપરાંત દેશના અન્ય ભાગોને પણ થઈ શકે છે. હવામાન વિભાગે તા.13ના અમરેલી, ભાવનગર, કચ્છ, દાહોદ, તાપી વગેરે વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આવી આગાહી વગર છૂટાછવાયા સ્થળે હળવા ભારે વરસાદી ઝાપટાં વરસવાનું જારી રહ્યું છે. મંગળવારે રાજકોટથી વીસેક કિ.મી. દૂર ગોંડલ હાઈવે પર શાપર વેરાવળ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જેનાથી ગરમીમાં રાહત મળી હતી પરંતુ, ખેડૂતોના ખુલ્લા ખેતરમાં પડેલા મગ, તલ, મકાઈ સહિતના પાકને નુક્શાન ગયું હતું. કોટડાસાંગાણીની બજારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાન 41 સે.ને પાર થયું હતું જ્યારે અમરેલી, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગરમાં 40 સે.થી વધુ અને અન્યત્ર 40 સે.થી ઓછુ તાપમાન રહ્યું હતું પરંતુ, ભેજનું પ્રમાણ વધતા મહેનત વગર જ પરસેવે રેબઝેબ થઈ જવાય એવો અસહ્ય ઉકળાટ અનુભવાયો છે. ગુજરાતમાં તા.13 સિવાય હાલ પાંચ દિવસ સુધી વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી નથી.